નલિયા, તા. 5 : ગુજરાત સરકાર દ્વારા ભાડા વિષયક
કેસોની કાર્યવાહી નિયમિત અદાલતોમાંથી ટ્રિબ્યૂનલ સમક્ષ લઈ જવાના પ્રસ્તાવ સામે અબડાસા
તાલુકા બાર એસોસિયેશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના
આહ્વાનને સમર્થન આપી નલિયા કોર્ટના વકીલોએ આજથી સિવિલ તેમજ રેવન્યૂ કોર્ટની કામગીરીથી
અચોક્કસ મુદત સુધી અળગા રહેવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. આ ઉપરાંત વકીલોના પ્રતિનિધિમંડળે
નલિયા ખાતે પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારના આ નિર્ણયનો સખત
વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી બાર કાઉન્સિલનો નવો આદેશ ન આવે, ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી
છે.