• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ગ્રીન એનર્જી ક્ષેત્રે કચ્છ દેશ-દુનિયામાં અગ્રેસર બનશે

ભુજ, તા. પ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ખાવડા પાસે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી હતી. ગ્રીન ઊર્જા જ આવનારા સમયનું ભવિષ્ય હોવા પર ભાર મૂકીને પવન ઊર્જા અને સોલાર ઊર્જા ક્ષેત્રે ખાવડા હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી. ખાવડા આર. ઈ. પાર્કના અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી ઊર્જા ઉત્પાદન, મોનિટરિંગ અને સપ્લાય સહિતની બાબતોની જાણકારી મેળવી હતી. રાજ્યપાલે સ્વદેશી ટેક્નોલોજીનાં માધ્યમથી ગ્રીન ઊર્જાના લક્ષ્યાંકો હાંસલ કરી આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું.  કચ્છ આગામી દિવસોમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશ અને દુનિયામાં અગ્રેસર બનશે એ જાણીને રાજ્યપાલે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝનથી કચ્છની ધરતીનું ભાવિ સકારાત્મક રીતે બદલાયું છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ,ખાવડાના પ્રોજેક્ટ વડા શકીલ ચૌહાણે વિન્ડ અને સોલાર એનર્જીનાં માધ્યમથી ભારતની ઊર્જા જરૂરિયાતને પૂર્ણ  કરવામાં કચ્છ કેવી રીતે અગ્રેસર બની રહ્યું છે તેની જાણકારી આપી હતી. ખેતી માટે બિનઉપજાઊ રણની ખારાશવાળી  જમીનમાં લાખો સોલાર પ્લેટ નિહાળીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શના દેવીજી પ્રભાવિત થયા હતા. પાર્કમાં વર્ષ 2028 સુધીમાં 37 ગિગાવોટ 100 ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, સર્જન રિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ, નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક મનિષા દેસાઈ સહિત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd