અર્પિત ગંગર તરફથી : મુંબઇ, તા. 3 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જેવાયએફ
હંમેશાં સમુદાયની નાડી પારખવામાં સફળ રહ્યા છે અને તે મુજબ ઘણા કાર્યક્રમો યોજ્યા છે.
સમાજ માટે કંઈક આપવાની અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ભાવના હોય, તો સફળતા હંમેશાં મળે છે. વ્યાપાર ઉત્સવ તેનું
તાજું ઉદાહરણ છે. મોલ્સ અને સુપરમાર્કેટ્સ
ખરીદી માટે અનેક વિકલ્પો આપે છે, પરંતુ પોતાના સમાજના
લોકોની પ્રતિભા અને તેમના વ્યાવસાયિક વિકાસને નજીકથી નિહાળવો અને તેમની સફળતાની ઉજવણી
કરવી, સાથે સામાજિક મેળાવડાનો આનંદ માણવો-આ અનુભવ કંઈક અલગ જ
છે. વર્લી ખાતેના નેહરુ સેન્ટરમાં વ્યાપાર ઉત્સવમાં પહોંચતાં લોકોએ આવો અનુભવ વર્ણવ્યો
હતો. જૈન યૂથ ફોરમ અને કચ્છમિત્ર દ્વારા આયોજિત વ્યાપાર ઉત્સવના બીજા દિવસે પણ લોકો
ઊમટી પડયા હતા, સાથે જ સંપત્તિ, ફિટનેસ
પરના સેમિનાર, હાઉઝી જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઇ હતી. - એક જ સ્થળે વિવિધ વિકલ્પો : લોકો વીકએન્ડમાં શહેરની બહાર જઈને નવી જગ્યાઓ
અને મનોરંજનના વિકલ્પો શોધતા હોય છે, પરંતુ જો એક જ સ્થળે મનોરંજનના વિવિધ વિકલ્પો, આરોગ્ય
અને શિક્ષણ સંબંધિત માહિતી, ખરીદીની અનેક તકો અને વિવિધ સેવાઓ
મળી રહે, તો તેનાથી વધુ સારું શું હોઈ શકે? વ્યાપાર ઉત્સવે સૌને આ તક આપી છે. - સંપત્તિ વિશે સેમિનાર : ખરીદીની સાથે દિવસ-2માં વિવિધ ઉપયોગી સત્રો અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.
દિવસની શરૂઆત કચ્છ કોર્પોરેશન ફોરમ દ્વારા
`સંપત્તિ કેવી રીતે બનાવવી ?' વિષય પર યોજાયેલા સુંદર સત્રથી થઈ. કેસીએફના પ્રમુખ મુકેશ દેઢિયાએ જણાવ્યું હતું કે,
`આવો
ઉત્સવ દર વર્ષે યોજાવો જોઈએ. વેપારની સાથે અલગ-અલગ વિષયો પર આવા સત્રો અને સેમિનાર
પણ યોજાય અને તે પણ સંપૂર્ણપણે મફત હોય, એ વિચાર ખરેખર અદ્ભુત છે.' મિત્તલ સાલિયાએ બ્રેઇન ફિટનેસ
પર સેમિનાર યોજ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, `ઘણી બધી બાબતો વાતાવરણ અને વાઇબ પર આધાર રાખે છે. સમગ્ર વ્યાપાર
ઉત્સવનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહભર્યું અને જીવંત છે. અહીં એવાં ઘણા આકર્ષણો છે, જે તમને પ્રેરણા આપે છે અને સ્ટોલની મુલાકાત
લેવા તેમજ વસ્તુઓ ખરીદવા માટે ઉત્સાહિત કરે છે.' - સાડી પહેરવાની કળા : નેહા દોશીએ સતત બે દિવસ સુધી પોતાની અનોખી
હાઉઝી દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડયું અને સૌને ઉત્સાહિત રાખ્યા હતા. અર્ચના હરિયાએ ખાસ મહિલાઓ માટે સાડી પહેરવાના માસ્ટરક્લાસનું
આયોજન કર્યું હતું. ટીમ ઙફછફળખ દ્વારા લાઈવ બેન્ડ પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું
હતું, જેને દરેક ઉંમરના લોકોએ માણ્યો હતો. જાણીતા
હાસ્ય અભિનેતા નીતિન દેસાઈના મતે, `વ્યાપાર ઉત્સવ એક મેઘધનુષ્ય જેવો છે, જેમાં અનેક રંગો છે. આ ઉત્સવ ઘણા લોકો માટે
પોતાના સપનાઓને સાકાર કરવાની એક તક પણ છે.' - સ્ટોલનું વ્યવસ્થિત આયોજન : મોટાભાગના ખરીદદારો અને મુલાકાતીઓએ સ્ટોલનું
સુવ્યવસ્થિત આયોજન અને ગોઠવણી, સરળ વ્યવસ્થા,
ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, યોગ્ય અને પોષાય તેવા
ભાવ તેમજ વસ્તુઓની વિવિધતાની ખાસ પ્રશંસા કરી હતી. મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે, તેમ તેમ મુલાકાતીઓ અને વેપારીઓએ અભિપ્રાય આપ્યો હતો કે, વ્યાપાર ઉત્સવ લોકોની અપેક્ષા મુજબનો રહ્યો છે. શરૂઆતના તબક્કે લોકો સુધી પહોંચવામાં
બ્રાન્ડ અને તેની ઓળખ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ત્યારબાદ
ગુણવત્તા, લોકોની વાતચીત દ્વારા થતો પ્રચાર, રજૂઆત અને લોકો સાથેનું જોડાણ સૌથી મહત્ત્વનું બની જાય છે. મુલાકાતીઓએ જે રીતે
વ્યાપાર ઉત્સવને સ્વીકાર્યો છે, તે દર્શાવે છે કે, જેવાયએફ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રત્યે લોકોમાં કેટલો પ્રેમ, વિશ્વાસ અને જોડાણ છે.