કનૈયાલાલ જોશી તરફથી : મુંબઇ, તા. 3 : જૈન યૂથ ફોરમ અને `કચ્છમિત્ર' દ્વારા નેહરુ સેન્ટર (વરલી) ખાતે આયોજિત ત્રિદિવસીય
વેપાર ઉત્સવના આજે શનિવારે બીજા દિવસે બપોરથી મેદની ઊમટી હતી. પ્રદર્શિત ચીજવસ્તુઓની
વિવિધતા અને નવીનતાથી ખરીદદારો ખુશ હતા. તો સ્ટોલધારકો સારો વેપાર થવાથી સંતુષ્ટ હતા.
અમુક વેપારીઓએ તો હવે પછીનાં આયોજનમાં હાલ કરતાં વધુ સ્ટોલ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી
હતી. - બિઝનેસને ડિજિટલ કરો : બિઝનેસ મેન્ટોર તુષાર કિશોરભાઇ ભાનુશાલીએ
આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ઘણી વેરાયટી ફિલ્ડના લોકો અહીં આવ્યા છે. આ સાહસિકોએ પોતાના બિઝનેસને ડિજિટલાઇઝ
કરવા તરફ ધ્યાન આપવું જોઇએ, જેથી ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે ઊભા
રહી શકે, પછી એ ફરસાણના વેપારી હોય, લોજિસ્ટિક
ફિલ્ડના હોય, મેન્યુફેક્ચરો હોય કે રિસર્ચ ફિલ્ડના હોય. - પર્સનલ બ્રાન્ડિંગ કરો : બિઝનેસ લીડરશિપ કોચ માનસી ઠક્કરે જણાવ્યું
હતું કે, બિઝનેસના લોકો પર્સનલ બ્રાન્ડિંગ કરશે તો વ્યાપાર
વધશે. બિઝનેસનું બ્રાન્ડિંગ કરવા પોડકાસ્ટમાં આવવું જોઇએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઈન અને યુ-ટયૂબ આ ચારમાંથી ઓછામાં ઓછા
બેનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં પોતાના વીડિયો નાખવા જોઇએ. ગુજરાતી કહેવત છે ને `બોલે તેના બોર વેચાય...' - આયોજનથી ખુશ
: સામાજિક અગ્રણી અને વી- ટ્રાન્સ કંપનીના
અશોકભાઇ શાહ વેપાર ઉત્સવનાં આયોજન અને તેને મળેલા રિસ્પોન્સથી બહુ ખુશ હતા અને જણાવ્યું
કે, ગઇકાલે ધારણા કરતાં ચારગણા લોકો ઊમટયા હતા.
લોકોનો પ્રતિસાદ જોતાં 150 સ્ટોલના બદલે
ઓછામાં ઓછા 500 સ્ટોલ જોઇએ. આ માટે આ જગ્યા
નાની પડશે. સંપૂર્ણ મેનેજમેન્ટ જેવાયએફની ટીમે કર્યું છે. બે-અઢી મહિનાની મહેનત સફળ
દેખાઇ છે. - વિલાનો પ્રોજેક્ટ : સ્ટોલધારકોએ સારો રિસ્પોન્સ મળ્યાનું કહ્યું
હતું કે, કચ્છમાં માંડવી-ભુજ હાઇવે પર વિલાનો પ્રોજેક્ટ
કરતાં એસકેડી રિસોર્ટસ એન્ડ વિલાના દીપક ગંગરે કહ્યું કે, અમારો
10 એકરમાં પ્રોજેક્ટ છે જ્યાં
115 વિલા બનશે. અહીં પૂછપરછ સારી
થઇ છે. લોકોએ રસ બતાવ્યો છે. - ગૌરીકૃપા
ગૌ સંવર્ધન : ગૌરીકૃપા
ગૌ સંવર્ધન ફાઉન્ડેશન-મુંબઇના ગોપાલક ધીરજ કાંતિલાલ પુરોહિતે જણાવ્યું કે, ગૌશાળા આત્મનિર્ભર કેમ બને તે અંગે માર્ગદર્શન
આપીએ છીએ. ગાયના છાણમાંથી દીવા, માળા તેમજ ગૌમૂત્ર અર્ક વગેરે બનાવીએ છીએ. લોકોમાં સ્વાસ્થ્ય
જાળવણી પ્રત્યે જાગૃતિ આવી છે એટલે સારો પ્રતિસાદ મળ્યો છે. - કચ્છી ફોટો પોઈન્ટ : કચ્છી ફોટો પોઈન્ટના મજીદ લુહારે જણાવ્યું
હતું કે, અમને ધારણા કરતાં વધુ પ્રતિસાદ મળ્યો છે. કચ્છી
પરંપરાગત પોષાક પહેરીને ફોટા પડાવવાનું છોકરા-છોકરીઓને અને વડીલોને ખૂબ ગમે છે. - કનકધારા ગૌશાળા : કનકધારા ગીર ગૌશાળા (નાની તુંબડી)ના પરેશ
દેઢિયાએ જણાવ્યું હતું કે, અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
ઘી, ઓઈલ અને ઓર્ગેનિક ગોળ જેવી અમારી પ્રોડક્ટ લોકોને ગમી છે.
- ઈમ્પોર્ટેડ વસ્તુઓની માંગ : દિનેશ દેઢિયા (ડબ્લીન) ઈમ્પોર્ટેડ વસ્તુઓના
વેપારી છે. 350 પ્રોડક્ટનું વેચાણ કરે છે.
થર્મોસ, કાચના મગ, ડ્રાયફ્રૂટ
બોક્સ, ટિફિન, ગ્લાસ-જાર, સિરામિક મગ વગેરેમાં સારો રિસ્પોન્સ
મળ્યો છે. અમને ભરપૂર સંતોષ છે. આ વખતે બે સ્ટોલ છે. આગામી આયોજનમાં ચાર સ્ટોલ
કરશું. - પેઈન્ટેન્ડ રિધમ આર્ટ : પેઈન્ટેડ રિધમ આર્ટ ગેલેરી (ખાર)નો સ્ટોલ
છે. કાંતિલાલ ગાલા અને અજય મગનલાલ વીરા 40 વર્ષ જૂનો બિઝનેસ સંભાળે છે. જશ અને હેત્વી વીરા પણ હવે જોડાયા
છે. સ્ટોલમાં મોડર્ન આર્ટ, કન્ટેમ્પરરી
આર્ટ, સેવન હોર્સીસ અને ઈન્ડિયન ટ્રેડિશનલ આર્ટના ઓરિજિનલ પેઈન્ટિંગ્સ
પ્રદર્શિત કર્યા છે. ઘર, ઓફિસ અને કોર્પોરેટ સેકટરનો સારો રિસ્પોન્સ
મળ્યો છે. - થ્રી-ડી પ્રિન્ટેડ
આઈટમ્સ : એસ એન્ડ ડી ક્રીએશન્સના શ્રેણિક મારૂએ થ્રી-ડી
પ્રિન્ટેડ આઈટેમ્સ જેવી કે, કિચેઈન,
ટોયઝ, પઝલ્સને સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોમાં
જાગૃતિ આવી છે. ઘણાંને અમે અમારી વસ્તુઓ વિશે
સમજ આપીએ છીએ તેથી લોકોએ સારો રસ બતાવ્યો છે.