• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

કચ્છી દાતાઓનો `વતનપ્રેમ' રાજ્યમાં પ્રથમ

કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 24 : ગુજરાતના ગામડાંઓના સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ  જનસુવિધાઓ માટે વતનપ્રેમને વતન સુધી લઇ જવા સરકાર, દાતાઓ અને ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસનો ત્રિવેણી સંગમ રચવા વર્ષ 2026ના `વતનપ્રેમ' યોજના અમલી બનાવાઇ છે, જેમાં રાજ્યમાં સૌથી વધુ નવ તાલુકાના 171 કામોને 8.76 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે, જેમાં 23 કામો માટે દાતાઓ દ્વારા 62 લાખનો ફાળો જમા કરાવી વતનપ્રેમને ઉજાગર કર્યો છે. તાલુકાવાર વિગતો જોઇએ તો અબડાસામાં ત્રણ કામો માટે રૂા. 33.50 લાખ, અંજાર તાલુકાના ત્રણ કામો માટે રૂા. 15.5 લાખ મંજૂર કરાયા છે. દાતાઓ દ્વારા બે કામ માટે રૂા. 11.20 લાખ જમા કરાવાયા છે. ભચાઉ તાલુકાના છ કામ માટે 33 લાખ મંજૂર કરાયા, તો દાતાઓ દ્વારા પાંચ કામ માટે 9.20 લાખ જમા કરાવાયા છે. ભુજ તાલુકામાં 10 કામ માટે 65 લાખની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે. લખપતના ત્રણ કામ માટે સાત લાખ, માંડવીના 19 કામ માટે 75.7 લાખની મંજૂરી અપાઇ તે પૈકી એક કામ માટે દાતા દ્વારા બે લાખ જમા કરાવાયા છે. મુંદરા માટે 55 લાખ પાંચ કામ માટે મંજૂર કરાયા છે. રાપરના નવ કામ માટે 56 લાખની મંજૂરી મળી છે. કચ્છમાં સૌથી વધુ નખત્રાણા તાલુકામાં 112 કામ માટે 535 લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળી તો દાતાઓ દ્વારા 15 કામ માટે 29.60 લાખ જમા કરાવાયા છે, તે પૈકી 10 કામો પૂર્ણ થયાં જેમાં ચાવડકા ગામે આંગણવાડીની પાછળ અને પાબુદાદા મંદિર પાસે ઇન્ટરલોકનાં કામ ઉપરાંત ખૂટતી ગટર લાઇનનું કામ, લક્ષ્મીપર (તરા) ગામે પાંચ કામ મંજૂર થયાં જેમાં ચાર આંતરિક રસ્તાનાં કામો માટે પાંચ-પાંચ લાખ, જ્યારે અવાડાનાં કામ માટે ચાર લાખ મંજૂર કરાયા છે. ડાડોરમાં ખૂટતી ગટર અને મોટા અંગિયામાં રસ્તાના પાંચ-પાંચ લાખના કામો મંજૂર થયાં છે. વતનપ્રેમ યોજનામાં ગ્રામ પંચાયત ધરાવતા ગામમાં દાતા તરીકે રાજ્યના કોઇ ગામ કે વિસ્તાર સાથે તેમના વડવાઓના સંબંધોના લીધે લાગણી ધરાવતી વ્યક્તિ અથવા આવી વ્યક્તિવાળી ગુજરાત કે રાજ્ય બહારની કોઇ સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી કે મંડળ જોડાઇ શકશે. આ યોજના હેઠળ 22 કામ લઇ શકાય, જેમાં સરકારી શાળાના વર્ગખંડ, કોમ્પ્યુટર લેબ વગેરે, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રો, પશુ દવાખાના, આંગણવાડી, મધ્યાહ્ન ભોજનનું રસોડું-શેડ, સરકારી કોલેજ, ટ્રેનિંગ સેન્ટર, શાળા, પુસ્તકાલય, સ્મશાનગૃહ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સુવિધા, એસ.ટી. સ્ટેન્ડ, દૂધ મંડળી મકાન, સામૂહિક શૌચાલય, હવાડા, પરબ, આંતરિક રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, ચબૂતરો, નિવાસી શાળા-કોલેજની હોસ્ટેલ અથવા રસોડું જેવી સુવિધા, સોલાર રૂફટોપ, અટલવાડી, શાળાના રમત-ગમતનાં સાધનો, વિજ્ઞાન પ્રયોગશાળાને લગતાં સાધનો, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સીસીટીવી કેમેરા, અમૃત સરોવર પ્રકારના તળાવના બ્યૂટિફિકેશનનાં કામો આવરી શકાશે. સરકારની એજન્સી દ્વારા થનારાં કામમાં એ કેટેગરીમાં સરકારનો ફાળો 60 ટકા અને દાતાનો ફાળો 40 ટકા અને બી કેટેગરીમાં 40:60 ટકા ફાળો જ્યરે દાતા દ્વારા કામ કરવાય તો એ કેટેગરીમાં સરકારનો ફાળો 40 ટકા અને દાતાએ 60 ટકા ફાળો આપવાનો રહેશે. બી કેટેગરીનાં કામ માટે સરકારનો ફાળો 20 ટકા મળશે, દાતાએ 80 ટકા ખર્ચ કરવાનો રહેશે. દાતાના ફાળા મુજબ તેમના નામની તકતીની સાઇઝ પણ નિયત કરાઇ છે. રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવથી અમલી વતનપ્રેમ યોજનાની જિલ્લા કક્ષાની સમિતિની ચાર વખત યોજાયેલી બેઠક ડીડીઓ ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં 171 કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ હતી તેવું પંચાયત શાખાના ભાવેશ ભુડિયાએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd