• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

રેલવેના પાટા ખેતરો ચીરશે : નલિયામાં ખેડૂતોની ઉગ્ર રજૂઆત

નલિયા, તા. 24 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સ્થિત પ્રાંત કચેરી ખાતે નલિયાથી જખૌ સુધી નિર્માણ પામનારી નવી બ્રોડગેજ રેલવે લાઇનના જમીન સંપાદન સંદર્ભે પ્રભાવિત ખેડૂતો માટે સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલવે પ્રોજેક્ટ હેઠળ નલિયા અને આસપાસના વિસ્તારના આશરે 106 જેટલા ખેડૂત ખાતેદારોની ફળદ્રુપ જમીન કપાતમાં જઈ રહી છે. પોતાના ખેતરોમાંથી પાટા નખાવાના હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે. આ સુનાવણીમાં નાયબ મામલતદાર ડી. બી. કટારીયા તેમજ રેલવે તંત્રના ડી. પી. સિન્હા સમક્ષ ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓએ પોતાના વાંધા-સૂચનો તથા વેધક પ્રશ્નો રજૂ કર્યા હતા.  સુનાવણી દરમિયાન ખેડૂતો વતી ઉપસ્થિત રહેલા એડવોકેટ ભરતભાઈ હોથીએ જણાવ્યું હતું કે, રેલવે તંત્ર દ્વારા ખેડૂતોને વર્ષ 2011ની જૂની જંત્રીના આધારે વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે. આજે મોંઘવારી અને જમીનના બજારભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે 2011ના ભાવે વળતર સ્વીકાર્ય નથી. સરકારે તાત્કાલિક અસરથી તમામ કપાતમાં જતી જમીનની પુન: આકારણી અને નવેસરથી સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને વર્તમાન જંત્રી તેમજ બજારભાવ મુજબ ન્યાયિક વળતર ચૂકવવું જોઈએ તેવી ભારપૂર્વક માંગણી કરાઈ હતી.  સ્થાનિક ખેડૂત ઉમેશ ભાનુશાલીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, `અમારી વાડી અને કૂવાનો સ્પષ્ટ ઉલ્લેખ સરકારી 7/12ના દસ્તાવેજોમાં છે. હવે જ્યાંથી રેલવેના પાટા નાખવામાં આવનાર છે તે લાઇન બરાબર કૂવા પરથી પસાર થાય છે. છતાં પણ તંત્ર દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં કૂવાનો કોઈ જ ઉલ્લેખ કે તેનું અલગ વળતર દર્શાવાયું નથી, માત્ર સાદી જમીનનું જ વળતર ગણાયું છે'. તેમણે ઉમેર્યું હતું કે ખેતરની વચોવચથી ટ્રેક નીકળવાને કારણે ખેતરના બે ટુકડા થઈ જશે. પાછળના ભાગમાં જવા માટે રસ્તો ક્યાંથી મળશે? નકશામાં અવરજવર માટે કોઈ રસ્તો દર્શાવાયો નથી. તંત્ર દ્વારા રસ્તાની સ્પષ્ટતા અને યોગ્ય વળતર ન અપાય ત્યાં સુધી ખેડૂતો માટે ખેતી કરવી અસંભવ બની જશે.  અન્ય નાના ખેડૂતોએ `કચ્છમિત્ર' સમક્ષ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, અમારી પાસે પહેલેથી જ સીમિત અને નાના ખેતરો છે. તેમાંથી પણ જો વચ્ચેથી રેલવે લાઇન નીકળી જશે તો બાકી બચેલા ટુકડામાં ખેતી શક્ય જ નહીં બને. અમારી પાસે ખેતી સિવાય આજીવિકાનો બીજો કોઈ વિકલ્પ કે આધાર નથી. રેલવે તરફથી મળનારું આર્થિક વળતર કાયમી રહેવાનું નથી. પરિણામે અમારો જીવવાનો અધિકાર છીનવાઈ જશે. આ સંજોગોમાં સરકારે માત્ર રોકડ વળતર આપવાના બદલે ખેતી કરવા માટે અન્યત્ર વૈકલ્પિક જમીન ફાળવવી જોઈએ તેવી માંગ નાના ખેડૂતોએ કરી હતી.  મળતી માહિતી મુજબ, નલિયાથી જખૌ રેલવે લાઇન પર નાના-મોટા મળીને કુલ 13 જેટલા બ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજન છે. જોકે, હજુ સુધી ખેડૂતો સમક્ષ તેના સત્તાવાર અને ચોક્કસ નકશા જાહેર કરાયા નથી. ખેતરોમાં જવા-આવવાના માર્ગો કઈ રીતે ઉપલબ્ધ કરાવાશે તે અંગે સ્પષ્ટતા ન હોવાથી ખેડૂતોમાં ભારે અસમંજસતા અને નારાજગી પ્રવર્તી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd