• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ચૂપચાપ ભુજમાં કાર્યરત

અંજાર, તા. 24 : અહીં પૂર્વ કચ્છની અલાયદી  શિક્ષણાધિકારી કચેરી કાર્યકરત કરવાની છેલ્લા લાંબા સમયથી ચાલતી હિલચાલ વચ્ચે  ચૂપચાપ ભુજમાં કાર્યરત કરતાં અનેક તર્કવિતર્ક વહેતાં થયાં હતાં. વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટી જિલ્લામાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે  રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કચેરીને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં વિભાજન કરવાની ગતિવિધિ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. આ અંતર્ગત કેટલીક કચેરીઓ અંજારમાં કાર્યરત પણ  થઈ  છે. છેલ્લા લાંબા સમયથી અંજારમાં પૂર્વ કચ્છ અલાયદી શિક્ષણાધિકારી કચેરી શેઠ. ડી.વી. હાઈસ્કૂલનાં પ્રાંગણમાં શરૂ કરવા માટે  તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો હતો, જેને જોતાં થોડા જ દિવસોમાં આ કચેરી કાર્યરત થઈ જાય તેવો માહોલ ઊભો થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને લઈને  પૂર્વ કચ્છની શાળાઓના વિભાજન તથા સ્ટાફની નિમણૂક  પણ કરાઈ હતી, જેના કારણે સ્થળે  સ્થાનિક શિક્ષણ સંલગ્ન પ્રશ્નોનો ઝડપી ઉકેલ થાય તેવી આશા બંધાઈ હતી.  અંજારમાં કચેરી કાર્યરત કરવાની તૈયારીઓના ધમધમાટ વચ્ચે ભુજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીસરમાં જ પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી  શરૂ કરી  દેવામાં આવી છે. આ અંગેના બોર્ડ પણ લાગી ચૂક્યાં છે.  આ ઉપરાંત  અહીં અધિકારીને જવાબદારી પણ સોંપાઈ ચૂકી છે. શિક્ષણ વિભાગ દ્વારા ચૂપચાપ  કરાયેલી આ હિલચાલથી અનેક  પ્રકારના સવાલો ઊઠયા છે. શિક્ષણ સાથે સંકળાયેલાં વર્તુળોમાં બહાર આવેલી ચર્ચા અનુસાર ગત તા.14 ઓગસ્ટના  કચેરીનાં ઉદ્ઘાટન માટે નિમંત્રણકાર્ડ પણ તૈયાર થયાં હતાં, પરંતુ  શિક્ષણ વિભાગના  અધિકારી અને સ્થાનિક  રાજકીય અગ્રણી વચ્ચે  આમંત્રણ મુદ્દે ઊભી થયેલી નારાજગીને લઈને  આખો કાર્યક્રમ કોરણે મુકાયો હતો. નોંધપાત્ર છે કે, છેલ્લા કેટલાય સમયથી સરકારી અધિકારીઓ સ્થાનિક ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને દાદ ન આપતા હોવાની ફરિયાદો ભૂતકાળમાં મુખ્યમંત્રી સમક્ષ થઈ હતી તેવામાં આ વિસ્તારના લોકોની સુખાકારી અને સવલત જેવા મહત્ત્વની બાબતોની અનદેખી ભુજમાં કચેરી કાર્યરત કરીને અંજાર સાથે શિક્ષણતંત્ર દ્વારા અન્યાય કરાયો હોવાના આક્ષેપો ઊઠયા છે.  આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી  સંજય પરમારનો સંપર્ક કરાતાં તેમણે   કહયુ હતુ કે તેમણે જરૂરી વહીવટી પ્રક્રિયા અને  કામગીરી માટે અહીં કામગીરી શરૂ કરાઈ છે.  રાજ્ય સરકારના  મંત્રી દ્વારા સમય અપાયા બાદ કચેરીનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરી શકાશે. અન્ય કોઈ કારણ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. છાનેછૂપી તંત્રની આ હિલચાલથી  અંજારને મળેલી શિક્ષણાધિકારીની કચેરી  અન્ય  સ્થળે  જતી રહી તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd