• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

ભુજમાં હટાવાયા બાદ ફરી ગોઠવાયેલા ધંધાર્થીઓને સુધરાઈ દ્વારા તાકીદ

ભુજ, તા. 24 : સ્થળ પરથી હટાવાયા બાદ ફરીફરીને ગોઠવાતા લારી-ગલ્લારૂપી દબાણકારોને આજે સુધરાઇની દબાણ શાખા દ્વારા વધુ એકવાર તાકીદ કરી સ્વૈચ્છિક રીતે હટી જવા જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ બાદ સુધરાઈ દ્વારા દબાણો પર ફરી ધોંસ બોલાવાશે. ભુજમાં ફૂટપાથ તેમજ મુખ્ય માર્ગો પર ઊભા ટ્રાફિકને અડચણરૂપ ગોઠવાતાં લારી-ગલ્લારૂપી દબાણો પર સુધરાઇ દ્વારા ધોંસ બોલાવી દૂર કરાયાં હતાં, પણ દર વખતે યોજાતી દબાણ હટાવ ઝુંબેશને લારી-ગલ્લાવાળાઓએ મજાક લેખાવી થોડા દિવસમાં `જૈસે થે'ની સ્થિતિ સમજી તાજેતરની કાર્યવાહી બાદ ફરી બસ સ્ટેશન, વી. ડી. હાઇસ્કૂલ સહિતનાં સ્થળોએ ગોઠવાઇ જતાં આજે ફરી નગરપાલિકા દ્વારા આવા દબાણકારોને તાકીદ કરી સ્વૈચ્છિક હટી જવા અને ફરી નહીં ઊભવા કડક સૂચના આપી હતી. જાગૃત નાગરિકોના મતે સુપ્રીમ કોર્ટ અને નગરપાલિકા સહિતની કાર્યવાહી અને તાકીદને ન ગણકારતાં લારી-ગલ્લાવાળાઓ સામે હવે તંત્રે કડક રૂખ અપનાવી માલસામાન, રેંકડી, કેબિનો વિના નોટિસે જપ્ત કરવા અને દંડાત્મક કાર્યવાહી કરી તંત્રની ઝુંબેશ સાર્થક કરી આમ નાગરિકો માટે ફૂટપાથ અને માર્ગો ખુલ્લા કરાવાય તેવું જણાવ્યું હતું. આજે સવારે બસ સ્ટેશન વિસ્તારમાં લગભગ બીજી કે ત્રીજીવાર લારી-ગલ્લાધારકોને તાકીદ કરાઇ હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, લારી-ગલ્લાવાળાઓ ખાલી થયેલી ફૂટપાથ અને માર્ગો પર હવે અમુક રિક્ષા-છકડા ચાલકોનો ડોળો મંડાયો છે અને ગમે ત્યાં રિક્ષા સ્ટેન્ડ સમજી લાંબો સમય ઊભા રહી ટ્રાફિક-લોકોને અડચણરૂપ બની રહ્યા છે. આવા ચાલકો સામે ટ્રાફિક પોલીસ પણ કડક બને અને શહેરીજનોને દૈનિક ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માંગ પરેશાન નાગરિકો કરી રહ્યા છે. - છઠ્ઠીબારી રિંગરોડ પર ટ્રાફિક માટે કારણભૂત નાસ્તાની લારીઓને કોના આશીર્વાદ ? : નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન માર્ગ, હોસ્પિટલ રોડ, વી. ડી. હાઇસ્કૂલ પાસે લારી-ગલ્લાનાં દબાણો દૂર કરાયાં પણ રાહદારીઓ અને વાહનચાલકો માટે દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જી ત્રસ્ત બનાવતા છઠ્ઠીબારી રિંગરોડ પરના ખાણી-પીણીના ધંધાર્થીઓ હજુ  ટસના મસ ન થઇ દરરોજ ટ્રાફિકજામ કરી રહ્યા છે, ત્યારે આ ધંધાર્થીઓને નિયમ કેમ લાગુ નથી પડતા તેવા અન્ય ધંધાર્થીઓ જ સવાલ ઉઠાવી રહ્યા છે. તો, આ લારી-ગલ્લાઓને કોના આશીર્વાદ છે તેવો સવાલ જાગૃત નાગરિકો તંત્રને પૂછી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd