• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

ડીપીએ અને એપીએલનાં સંયોજનથી ગ્રીન ફ્યુઅલ ઈકોસિસ્ટમ મજબૂત બનશે

ગાંધીધામ, તા. 24 : દીનદયાલ  પોર્ટ ખાતે  માતબર રકમના ખર્ચે  આકાર પામનારા   દેશના પ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટનું  આગામી  26મીએ  ખાતમુહૂર્ત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  કેન્દ્રીય શિપિંગમંત્રી  સર્વાનંદ સોનોવાલ, આસામના મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વાશર્મા દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. આ વેળાએ કચ્છ-મોરબીના  સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘ, આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ  બિકુલચંદ્ર ડેકા સહિતના  ઉપસ્થિત રહેશે. 2,300 કરોડનાં રોકાણથી વિકસિત થનારો 150  ટીપીડી -મિથેનોલ પ્લાન્ટ ભારતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સાબિત થશે. આ પ્રોજેક્ટ દ્વારા આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડની ઔદ્યોગિક ક્ષમતા અને દીનદયાલ પોર્ટ ઓથોરિટીની વ્યૂહાત્મક દરિયાઈ સુવિધાઓનું સંયોજન થશે.  દીનદયાલ પોર્ટ સ્થિત આ પ્લાન્ટ ઈ-મિથેનોલ જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ગ્રીન એનર્જીના ઉપયોગને વેગ આપશે. આ પહેલ આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવામાં તથા સ્વચ્છ અને ટકાઉ શાપિંગ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં સહાયરૂપ બનશે. આ પ્રોજેક્ટથી 3,500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થવાની અપેક્ષા છે, જે યુવાનો, કુશળ કામદારો, એન્જિનીયરો, ટ્રાન્સપોર્ટર્સ, સપ્લાયર્સ તથા અન્ય સંકળાયેલાં ક્ષેત્રોને લાભ આપશે. સાથે સાથે કચ્છ પ્રદેશના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પણ નવી ગતિ મળશે. આ પહેલ ભારત સરકારના ગ્રીન એનર્જી, ટકાઉ બંદર વિકાસ અને ઊર્જા આત્મનિર્ભરતાના દૃષ્ટિકોણને આગળ ધપાવતું મહત્ત્વપૂર્ણ પગલું છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડ વચ્ચેનો આ સહયોગ ગુજરાત અને આસામની ઔદ્યોગિક ક્ષમતાઓને એક સાથે લાવી ભારતના ગ્રીન ફ્યુઅલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે  યોજાનારી જાહેર સભાની તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.  એક સાથે હજારો  લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ ઉપરાંત ડાઈનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. સભા  સવારે 11 વાગ્યે યોજાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd