પૂર્વિ ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 11 : ગણેશ ચતુર્થી એ માત્ર એક તહેવાર
નથી, પરંતુ આસ્થા, સદ્ભાવના
અને નવી શરૂઆતનું પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત `શ્રી ગણેશાય નમ:'થી થાય છે. ભગવાન ગણેશને જ્ઞાન, બુદ્ધિ, સમૃદ્ધિ અને સર્વ વિઘ્નો દૂર કરનારા દેવ માનવામાં
આવે છે. કોઈ પણ પૂજા કે માંગલિક કાર્યમાં પ્રથમ પૂજનીય સ્થાન ગણપતિ બાપ્પાનું છે. કચ્છના
વણકર સમુદાયમાં પૂજા કરવામાં આવે છે, જે મુખ્યત્વે ભગવાન ગણેશને
સમર્પિત હોવાથી ચોથના દિવસની કચ્છની અનોખી મહિમાને આજના દિવસે માણીએ. ભુજોડીના શામજીભાઈ
વણકરે માહિતી આપતાં જણાવ્યું કે, અમારા વણાટ કારીગરો માટે બે
તિથિ ખૂબ મહત્ત્વની છે, એક દિવાળીની પૂજા અને બીજી ગણેશ ચતુર્થીની
પૂજા. છત્તીસગઢની પ્રાદેશિક લોખંડની કારીગરીથી નિર્મિત ગણેશ ભગવાનની મૂર્તિ શામજીભાઈએ
વસાવી છે. - મહત્ત્વપૂર્ણ
રિવાજ : અક્ષય તૃતીયાના દિવસે જેમાં કોઈ યુવાન પ્રથમ
વાર હાથસાળ પર બેસે છે, ત્યારે તેને
એક પવિત્ર ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે. એ દિવસે પ્રથમ ગણેશને સમરીએ છીએ. આ પ્રથા એક
પેઢીથી બીજી પેઢીમાં કળાના હસ્તાંતરણ અને વારસાને આગળ ધપાવવાનો એક મહત્ત્વપૂર્ણ રિવાજ
છે. પરંપરાગત રીતે, વણકર પરિવારોનાં બાળકો 13 વર્ષની ઉંમર વટાવે એટલે વડીલોને
વણાટ કરતા જોઈને નાની લૂમ પર બેઝિક પેટર્ન બનાવવાનું શીખે છે, પરંતુ 18 વર્ષની ઉંમરે તેમને પૂર્ણ કદની
સત્તાવાર હાથસાળ સોંપવામાં આવે છે અને આ વિધિપૂર્વક પ્રથા સાથે તેઓ એક સ્વતંત્ર કારીગર
તરીકે સમુદાયમાં સ્થાન મેળવે છે. આ સિવાય નવા હાથસાળ પર વણાટકામ શરૂ કરતાં પહેલાં પણ
ગણેશ પૂજા કરવામાં આવે છે, જેથી વણાટનું
કામ નિર્વિઘ્ન પૂર્ણ થાય અને યુવાનના જીવનમાં સમૃદ્ધિ આવે. - `ગણેશ' કળામાં વરદાનરૂપ : પરબતભાઈ વણકર
કહે છે કે, `ગણેશ' હાથસાળ
પર જટિલ ભાત કે ડિઝાઇન પાડવા માટે વપરાતું મહત્ત્વનું અને પરંપરાગત સાધન પણ છે. તે
હાથસાળની ઉપરના ભાગે લગાવવામાં આવે છે અને તાણાના દોરાઓને ડિઝાઇન મુજબ ઉપર-નીચે કરવાનું
કામ કરે છે. લાકડાં અને દોરીઓથી બનેલું સાધન વણકરને જટિલ બોર્ડર કે બુટ્ટા વણવામાં
ઘણી મદદ કરે છે. આમ, ગણેશ સાધન વણાટકળામાં નવીનતા અને ચોકસાઈ
લાવનારું મહત્ત્વપૂર્ણ સાધન હોવાની સાથે-સાથે, વણકરોની પરંપરામાં ભગવાન ગણેશ પ્રત્યેની અતૂટ આસ્થાનું પ્રતીક પણ છે,
શામજીભાઈએ જણાવ્યું કે, વડીલો કહેતા ગણેશને બાંધીને
ન રખાય એટલે અમે હાથસાળના ગણેશ સાધનને સાંજે કામ પૂરું થાય ત્યારે આખી રાતે બાંધી રાખવાને
બદલે છોડી નાખીએ છીએ. એક શબ્દ વિચાર બનીને લોક પરંપરામાં આવે છે ત્યારે તે વિચારનું
પણ શબ્દ જેટલું જ મહત્ત્વ બની જતું હોય છે.