• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં ઊજવાતા ગણેશોત્સવનું અનોખું આકર્ષણ

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 11 : ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે કચ્છમાં ફરી એક વાર ભક્તિનો માહોલ છવાશે. ભાદરવા સુદ ચોથથી ગણેશોત્સવનો પ્રારંભ થવાનો છે ત્યારે ગામડાંથી લઈને શહેરોમાં, ઘરથી લઈને ઓફિસોમાં બાપ્પાનાં આગમન માટે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કયાંક વર્ષોથી ચાલી આવતી પરંપરા ગણેશોત્સવની ઓળખ બની છે, તો  ક્યાંક વિશાળ મૂર્તિ, આગવી સજાવટ, વિશિષ્ટ થીમ સાથે વિવિધ ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તોને આકર્ષશે. ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુંદરા, નખત્રાણા સહિતના શહેરોમાં ગણેશોત્સવની ઉજવણીનો વ્યાપ જોવા મળી રહ્યો છે. ગણપતિ મંડળો વર્ષોથી બાપ્પાની સ્થાપના કરી રહ્યા છે અને સમય સાથે તેમની ઉજવણીમાં પણ નવા રંગો ઉમેરાતા ગયા છે. - નલિયામાં 53 વર્ષથી : અબડાસામાં નલિયા ગામે છેલ્લા 53 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શરૂઆતથી કાર્યરત ગણેશ મંડળની ટીમ દ્વારા દર વર્ષે ત્રણ દિવસનું આયોજન કરવામાં આવે છે. ગણેશ મંડળના કાર્યકર જયપ્રકાશ ગોરના જણાવ્યા પ્રમાણે 1972માં નલિયા એરફોર્સની સ્થાપના થઈ ત્યારે એક કર્મચારી મરાઠી હતા તેમણે શરૂઆત કરાવી હતી અને એ સમયે કચ્છમાં ત્રણ સ્થળે જ્યારે નલિયામાં ચોથા ગણેશ ઉત્સવનું આયોજન થતું હતું. અમારા કુલ્લ 34 સભ્યોમાંથી આશરે 8 સભ્યો અત્યારે અમારી વચ્ચે નથી. પ્રમુખ તરીકે વાલજીભાઈ સોલંકી, સભ્યો જનક જોષી, રમેશ જોષી, દિનેશ મડૈયાર, હરેશ ચાવડા, પ્રતાપસિંહ જાડેજા, જયેશ ગઢવી વગેરે જોડાયેલા છે. અમને દિલ્હી બેઠેલા નલિયાના સભ્ય મુકેશ સૌમૈયા, ભાવેશ સોનાઘેલા અને મુકેશભાઈ મડૈયાર હંમેશાં સહયોગ આપે છે. તેમણે કહ્યું કે, એક સમયે અમે દર વર્ષે મૂર્તિ લેવા અમદાવાદ જતા હતા. - ભુજમાં ફ્રેન્ડસ ગ્રુપ : ભુજમાં ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત 26મા ગણેશ મહોત્સવમાં આ વર્ષે 18 ફૂટ ઊંચી  અને 550 કિલો વજન ધરાવતી પેપર અને પૂઠાંમાંથી ગણપતિની વિશાળ મૂર્તિ ખાસ મુંબઈથી તૈયાર કરવામાં આવી રહી છે. આ વર્ષે બાપ્પાના દરબારમાં પરંપરાગત દેશભક્તિના રંગ ઉપરાંત ભજન જેમિંગનું આયોજન કરાયું હોવાનું સ્થાપક પ્રમુખ રાહુલભાઈ ગોરે જણાવ્યું હતું. - લાલબાગના રાજાની થીમ પર...  : ગાંધીધામ કા રાજા ગણપતિના ફાઉન્ડર મનોજભાઈ  મોટવાણી જણાવે છે કે, આ વર્ષે મુંબઈના લાલબાગના રાજાની થીમ પર આધારિત આઠ ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરાઈ છે. સિદ્ધિવિનાયક ટ્રસ્ટ, ગાંધીધામ દ્વારા આયોજિત આ ઉત્સવમાં છેલ્લા ચાર વર્ષથી  ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા નિ:શુલ્ક પ્રદર્શન કમ સેલ પણ યોજાય છે તેમ  જણાવ્યું હતું. - માંડવીમાં આકર્ષણ : છેલ્લા 23 વર્ષથી માંડવીમાં જે.કે. ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવના આયોજક વિજયભાઈ પાંજરી કહે છે કે, ગંગા આરતી, ભસ્મ આરતી, કૃષ્ણ આરતી151 દીવડાની આરતી વિશેષ આકર્ષણ રહે છે. ફનફેર, વેશભૂષા, સંગીત કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. - નખત્રાણામાં મૂર્તિઓનું વેચાણ : માંડવીના કારીગર ભાટી વીરજી વાલજીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 18 વરસથી નખત્રાણામાં મૂર્તિઓ વેચવા સ્ટોલ માંડે છે. પ્રતિવર્ષે મૂર્તિઓનું વેચાણ ઉત્તરોત્તર વધ્યા રાખે છે. રૂા. 1 હજારથી 15 હજાર સુધી કિંમતની કલરિંગ આકર્ષક મૂર્તિઓ ગત વર્ષે 450 જેટલી વેચાઈ હતી. આ વર્ષે નબળા ચોમાસાની અસરથી 250થી 300 વેચાણ થાય તેવી ધારણા છે, તેવું શ્રી ભાટીએ જણાવ્યું હતું. - આદિપુરમાં તો નામ મળ્યું : આદિપુરમાં 19 વર્ષથી યોજાતા આદિપુર કા રાજા ગણપતિની લોકપ્રિયતાને કારણે આદિપુરના એ માર્ગનું નામ પણ આદિપુર કા રાજા ગણપતિ માર્ગ પડયું છે. આ વર્ષે 7 ફૂટ ઊંચી ઈકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થાપિત  કરાશે તેમ જણાવતાં આયોજક નીરજભાઈએ કહ્યું કે, દરરોજ પાંચથી સાત હજારથી વધુ શ્રદ્ધાળુઓ બાપ્પાનાં દર્શનાર્થે ઊમટે છે. - મુંદરામાં ઊંચી મૂર્તિ : મુંદરાના ખારવા ચોકમાં યોજાનારા સૂર્યવંશી ગણપતિ મહોત્સવમાં આ 22મા વર્ષે અમદાવાદથી તૈયાર કરાયેલી 12થી 14 ફૂટ ઊંચી ગણપતિની પ્રતિમા સાથે ચંદ્ર-નક્ષત્ર આધારિત થીમ સજાવટ આકર્ષણનું કેન્દ્ર રહેશે. પાંચ દિવસીય મહોત્સવ દરમ્યાન મહિલાઓ માટે કથક તથા તલવારબાજીનો એક દિવસીય વર્કશોપ યોજાશે તેવું પરેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું. - માટીની મૂર્તિની માંગ : પંડાલોમાં બાપ્પાની નીતનવી મનમોહક મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ભાવનગરના પાંચ પેઢીથી ગણપતિની મૂર્તિ બનાવા સાથે સંકળાયેલ વેપારી લક્ષ્મણભાઈ કહે છે કે, આ વર્ષે 10 દિવસ ભુજ ખાતે વેચાણાર્થે આવ્યા છે. 300થી 14 હજારની મૂર્તિ ઉપલબ્ધ છે, તેમ જણાવ્યું હતું. માંડવીના અશોકભાઈ ચૌહાણ આ વર્ષે મૂર્તિમાં 10 ટકા ભાવવધારો હોવાનું જણાવ્યું હતું. રો અમદાવાદથી મગાવે છે તથા પેઈન્ટ - શણઘાર સહિત તૈયાર કરવામાં બે મહિના પૂર્વેથી તૈયારી શરૂ કરી દે છે. માટીની કલાત્મક ઈકોફ્રેન્ડલી મૂર્તિ વેચાણ કરતા મનજીભાઈ મારવાડી 35 વર્ષથી વેચાણાર્થે ભુજ આવે છે તેમ જણાવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે બાપ્પા ઘરે લઈ જવા માટે આવેલી બે બહેન રિયા અને ખંજન ભાવતાલ કર્યા વિના જ મૂર્તિની ખરીદી કરતાં બાપા પ્રત્યેના વિશ્વાસસની પ્રતીતિ કરાવી હતી. આ વખતે ઘરે જ સરળતાથી વિસર્જન કરી શકાય તે માટે મૂર્તિનાં નાના સ્વરૂપની પસંદગી કરી હોવાનું જણાવ્યું હતું. - બાપ્પાના દરબારને સજાવવા ભક્તો આતુર : ફ્રેશ ફ્લાવર - લાઈટિંગ પડદાનો ટ્રેન્ડ : ગણેશ ઉત્સવ દરમ્યાન ઘર તથા ઓફિસે બાપ્પાના સ્થાપન ડેકોર માટે ફ્રેશ તેમજ આર્ટિફિશિયલ ફલાવર ડેકોરેશનમાં એનક વિવિધતા જોવા મળી રહી છે. આર્ટિફિશિયલ ફલાવર ડેકોર ભાડે પ00 રૂા.થી શરૂ થાય છે તેમજ ફ્રેશ ફલાવર ડેકોર 300થી શરૂ થાય છે. મયૂર ફલાવરના હેમેનભાઈ જણાવે છે કે આ વખતે નાણછેડી ડેકોર, લાઈટિંગવાળા પડદાની ખાસ ડિમાન્ડ જોવા મળી રહી છે. બાપ્પાના ભક્તો ગણેશજીના દરબારને આકર્ષક બનાવવા પ્રિ-ઓર્ડર દ્વારા બુકિંગ કરાવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. - બીસકોફ-નટેલા મોદકના બાપ્પાને ધરાવાશે ભોગ : ગણપતિ બાપ્પાને પ્રિય મોદકનો ભોગ ધરાવવા બજારમાં અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ છે. ગણેશોત્સવને લઈને ભક્તોમાં મોદકની ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળે છે ત્યારે પરંપરાગત ઉકડીચે મોદક, મોતીચૂર, માવા-કાજુ, ચૂરમા, બેસન, કેસર-કાજુ, ચોકલેટ મોદક સહિતની 15-20 વેરાયટી ઉપરાંત આ વખતે સ્પેશિયલ બીસકોફ અને નટેલા મોદક સ્વાદમાં સુગંધ ભરશે તેવું તાજસ મીઠાઈના વેપારી શૈલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું. 20થી પ00 ગ્રામનો એક જમ્બો મોદક પણ ગ્રાહકોમાં પસંદગી પામી રહ્યો હોવાનું ઉમેર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd