ભુજ, તા. 11 : કચ્છના સૌથી ઊંચા અને ભુજ તાલુકાના
જાણીતા પર્યટન સ્થળ કાળાડુંગરની વર્ષે અંદાજે 2.20 લાખ પ્રવાસી મુલાકાત લે છે. પ્રવાસનના વધારા સાથે કચરામાં વધારો
થાય છે, તેના નિકાલ માટે ચાર માસથી હાથ ધરાયેલા સ્વચ્છ
કાળાડુંગર અભિયાન હેઠળ 2500 કચરાનો નિકાલ
કરાયો છે. કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના મહત્ત્વપૂર્ણ વિસ્તાર કાળાડુંગર પર
ખાસ કરીને પીવાનાં પાણીની બોટલો અને નાસ્તાના પેકેટો જેવા પ્લાસ્ટિક કચરાનો વધારો થાય
છે. તેના વ્યવસ્થાપનનું કાર્ય દૂરનું ભૌગોલિક સ્થાન હોવા સાથે વન વિભાગમાં માનવબળની
અછતના કારણે પડકારરૂપ બન્યું છે. પ્રવાસન વિસ્તાર
તેમજ ઢોળાવો અને પહોંચવામાં મુશ્કેલ એવી કોતરોમાં કચરો ફેંકાવાના કારણે વન્યજીવો માટે
જોખમ ઊભું થાય છે, તે સાથે પર્યાવરણ,
સ્થળની સૌંદર્યતા ઉપરાંત પ્રવાસનના મૂલ્ય પર અસર પડે છે. કચરાના પડકારનો
સામનો કરવા માટે `સ્વચ્છ કાળાડુંગર
અભિયાન' હેઠળ કચ્છ પૂર્વ વન વિભાગ અને અગ્રોસેલ ફાઉન્ડેશન-ભુજ
દ્વારા સંયુક્ત પહેલ હાથ ધરી તા. 12 જૂન-2026ના ત્રણ વર્ષના
સમયગાળા માટે સમજૂતી કરાર કરાયા છે. કચ્છના આ મહત્ત્વના પ્રવાસન ડુંગરની સ્વચ્છતા જાળવવા
માટે સીએસઆર પહેલનો ઉપયોગ કરતા સહિયારા અભિગમ હોવા સાથે મુલાકાતીઓના જવાબદાર વર્તન
અન્ય પ્લાસ્ટિકના કચરાના નિકાલને પણ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. - ચાર માસમાં
2500 કિલો કચરો એકત્ર કરાયો : સ્વચ્છ કાળાડુંગર અભિયાન
અંતર્ગત હાથ ધરાયેલી સફાઇમાં 2500 કિલો કચરો
એકત્ર કરાયો, જેમાં (1) જૂનના 4 દિવસમાં 1200 કિલો, (2) ઓગસ્ટના 2 દિવસમાં 200 કિલો, (3) સપ્ટેમ્બરના
3 દિવસમાં 1100 કિલો કચરો કઢાયો તે સાથે કામગીરી
ચાલુ છે. - પહેલના મુખ્ય
ત્રણ સ્તંભ : આ પહેલ મુખ્ય ત્રણ સ્તંભ પર આધારિત છે, જેમાં જમીની સ્તરે સ્વચ્છતા અભિયાનો,
કચરાનું એકત્રીકરણ અને વજન, રિસાઈકલિંગ તથા જાગૃતિલક્ષી
પ્રવૃત્તિઓનો સમન્વય કરાયો છે. - કચરો થતો અટકાવવો. - પ્રવાસીઓના જવાબદાર
વર્તનને પ્રોત્સાહન આપવું. - 100 ટકા પ્લાસ્ટિક રિકવરી નિશ્ચિત કરવી.