• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સંકલનમાં મંજૂરી લઇને પ્રતિનિધિ મોકલવા

નખત્રાણા, તા. 11 : અહીં મળેલી તાલુકા સંકલન ફરિયાદમાં પાલિકાના મુખ્ય અધિકારી, ડીવાયએસપી, પીઆઇ, એસ.ટી. મેનેજર, આરોગ્ય અધિકારી સહિતના મુખ્ય જવાબદાર અધિકારીઓએ હાજર રહેવાને બદલે પ્રતિનિધિ મોકલાવતાં પ્રાંત અધિકારીએ જવાબદાર અધિકારીઓ ફરી મિટિંગમાં હાજર નહીં રહે તો ચલાવી નહીં લેવાય અને પ્રતિનિધિ મોકલવા અગાઉથી મંજૂરી લેવા તાકીદ કરી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ 7 પ્રશ્નો ઉકેલવા લેખિત પત્ર પાઠવ્યો હતો, જેમાં સ્મશાનની સગડીની અધૂરાશ, તાલુકામાં ખેડૂતોને પાક સંરક્ષણ માટેના હથિયારો પરત ન આપવાનું કારણ, પાલિકા વિસ્તારમાં રહેણાક તોડી નવા બનાવવાની મંજૂરી આપવાના કારણ, તાલુકામાં ગૌચરની વિગતો, સાંથણીમાં મળેલ જમીનનો 15 વર્ષથી કબજો ધરાવનારાને જૂની શરતમાં ફેરવવા અંગેની વિગતો માગી હતી. તા.પં. પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ ભુજથી મકડા એસ.ટી. બસની અનિયમિતતા નિવારવા રજૂઆત કરી હતી. નગરપાલિકા પ્રમુખ વસંતભાઇ વાઘેલાએ કસ્તૂરબા ગાંધી વિદ્યાલયની બાઉન્ડ્રીની દીવાલમાં પડેલી તિરાડો નબળું કામ થયાનું બતાવતું હોવાથી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા, બસ સ્ટેશનથી વિદ્યાલય સુધી સીસીરોડ-લાઇટ માટે જિલ્લા આયોજનમાં દરખાસ્ત કરવા, વિશ્રામ બાગ આજુબાજુ દારૂ પીને અસભ્ય વર્તન કરતાં તત્ત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવા તેમજ આગામી ઉત્સવોને ધ્યાને લઇ રસ્તાઓની મરંમત સાથે ઝાડી કપાવવા રજૂઆત કરી હતી. લોકપ્રતિનિધિઓને બન્ની વિસ્તસારના તલ, છારી, ફુલાય, ગેચડા સહિતનાં ગામોની પાણીની સમસ્યા નિવારવા રજૂઆત કરતાં પા.પુ. અધિકારીને સમસ્યા નિવારવા તથા ગેરકાયદે જોડાણ સામેની કાર્યવાહીનો રિપોર્ટ આપવા જણાવાયું હતું. જનઆરોગ્યની દવાઓ, બાળકોના આધારકાર્ડ, જન્મ-મરણ નોંધણી, પશુઓને રસીકરણ-દવાઓ રાખવા જણાવાયું હતું. ના.મામલતદાર જિગર ધોળુએ તા. 17 સપ્ટેમ્બરથી 30 દિવસ પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમની વિગતો આપી હતી. વનતંત્રને નર્સરી માટે દબાણ કરેલી જમીન ખાલી કરવા સૂચના અપાઇ હતી. ટીડીઓ હાર્દિક ગઢવી, તા.પં. સા.ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન બળિયા વગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ શિવજી પાયણે કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd