• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કલેક્ટર કચેરી માર્ગે દબાણો પર સુધરાઈની ધોંસ

ભુજ, તા. 11 : થોડા દિવસના વિરામ બાદ આજે ભુજ સુધરાઇ દ્વારા ફરી દબાણહટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. અગાઉથી નોટિસો આપ્યા બાદ આજે સવારે કલેક્ટર કચેરીથી કોલેજ રોડ પર ખડકાયેલા કાચા-પાકા દબાણો, હાથલારીઓ સહિત વિવિધ ધંધર્થીઓને દૂર કરાયા હતા. ભુજમાં ઝીરો ટકા ટેક્સ અને 60થી 70 ટકા નફો મળતો હોવાથી નાસ્તાની લારી-ગલ્લા સહિતના ધંધાર્થીઓનો રાફડો ફાટયો હતો. સંભવત: શહેરનો કોઇ માર્ગ-ફૂટપાથ કે ખૂણો બાકી નહીં હોય જ્યારે લારી-ગલ્લા ગોઠવાયા ન હોય. તંત્રની આંખ આડા કાનની નીતિને કારણે દબાણની બદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને નાગરિકો તેમજ વાહનચાલકો માટે ચાલવા ફૂટપાથ તથા માર્ગો ખુલ્લા રહેવા દીધા નહોતા. જો કે, છેલ્લા થોડા દિવસોથી સુપ્રીમના આદેશને પગલે સુધરાઇએ દબાણહટાવ ઝુંબેશ હાથ ધરી હતી. અલબત્ત, સાતમ-આઠમના મેળા અને વૈકલ્પિક વ્યવસ્થાના કારણોસર ઝુંબેશ પાંચ-છ દિવસ થંભી ગઇ હતી, જે આજ સવારથી ફરી હાથ ધરાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. આજે કોલેજ રોડ પર ઊભેલા લારી-ગલ્લાવાળાઓ, પાકા દબાણો, માર્ગ-ફૂટપાથ રોકી બેઠેલા ધંધાર્થીઓ સહિતને હટાવાયા હતા. સવારના ભાગે જેસીબી અને પોલીસ સુરક્ષાની સાથે સુધરાઇની ટીમ કોલેજ રોડ પહોંચતાં જ અનેક ધંધાર્થીઓ સ્વેચ્છાએ માલ-સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાનો વ્યાયામ આદરતાં માર્ગ પર દોડાદોડીના દૃશ્યો જોવા મળ્યા હતા. કલેકટર કચેરીથી જયનગર સુધી દબાણહટાવ ઝુંબેશ અંતર્ગત જપ્ત કરેલા સામાનમાં જિલ્લા દેવા સદનની સામે પાણીની ટાંકી, પીજીવીસીએલ ભંડાર સામે વોશ બેસીન ટોયલેટ સીટ (50 નંગ) ડ્રેનેજ, બે લોખંડના બોર્ડ, લોખંડના એન્ગલ, કાઉન્ટર, જુડીઓની સામે  રેંકડી, સાંભળ, જેઠી ટી હાઉસ પતરાની કેબિન, ઠંડા પાણીના થર્મોસ, બંધ પતરાની કેબિન, વિમલ નર્સરી હટાવાઇ, માટલા-ચાની હોટેલ, મોમાઇ ટેમ્પર, શિવ ઓટોની પતરાની કેબિન, તરબૂચના ધંધાર્થીઓ હટાવાયા, આર.સી.સી.ના ઓરડા તોડાયા, ગેરકાયદેસરના ચણાયેલી દીવાલો, થાંભલા દૂર કરાયા, લક્ષ્મી જ્યુસનું બાથરૂમ, ટાંકી, ટેબલ ટેબલ, બાંકડા, આર.સી.સી.નો ઓટલો તોડી પડાયો, રોજીસ નર્સરી દૂર કરી પાણી જોડાણ કપાયું, અમૃત ફૂડ્સની ચાર લારી, પતરાના શેડ, કાઉન્ટર હટાવાયા. - છઠ્ઠીબારી-અનમ રિંગ રોડ અને શાક માર્કેટ પર દબાણો બેખોફ : ભુજમાં ટ્રાફિકથી સતત ધમધમતા છઠ્ઠીબારી અને અનમ રિંગ રોડ પર ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓ હજુ બેખોફપણે વ્યવસાય ચલાવી ટ્રાફિક જામ કરી રહ્યા છે. સાંજના ભાગે તો આ માર્ગો પરથી પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે અહીં પણ સત્વરે દબાણહટાવ ઝુંબેશ હાથ ધરાય તેવી માંગ ઊઠી છે. તો, જૂની શાક માર્કેટ તો નવી બન્યા બાદ ખાલી જ રહી છે. અહીં શાકભાજીના બાંકડા રાખનારા માત્ર માલ-સામાન જ રાખી રહ્યા છે અથવા તો અન્ય ધંધાર્થીને બાંકડા ભાડે આપી દીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેથી બજારમાં માર્ગો પર ગોઠવાયેલા ધંધાર્થીઓને ખસેડી બાંમડા ધારકોને અંદર વ્યવસાય કરવા કડકપણે ફરજ પડાય તો બજારમાંથી પસાર થવું સહેલું બને. અત્રે ઉલ્લેખનીય છે કે, સુધરાઇમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બજાર અંદર બાંકડા ધરાવનારાઓને નોટિસ પાઠવાઇ છે. જો તેઓ અંદર નહીં બેસે તો આગળની કાર્યવાહી હાથ ધરાશે. - હટાવાયા બાદ ફરી ગોઠવાતા ધંધાર્થીઓ સામે કાર્યવાહી જરૂરી : ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ પાંચ-છ દિવસ થંભી જતાં અનેક ધંધાર્થીઓ પોતાની મૂળ જગ્યા પર ફરી ગોઠવાઇ જતાં નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ, કલેક્ટરના આદેશ, નગરપાલિકાની કામગીરીની મજાક સમા લેખાવી ફરી એ જ સ્થળે ગોઠવાયેલા ધંધાર્થીઓ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરાય, જેથી અન્ય સ્થળોએ દબાણ ફરી ન ગોઠવાય તેવી આશા જાગૃત નાગરિકો તંત્ર પાસે રાખી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd