મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 11 : આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં
કચ્છમાં ભલે ધીમી ગતિએ, પણ રમતગમતની
સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે, પણ ભારત અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે સજ્જ છે અને 2036ની ઓલિમ્પિક્સ રમતો માટે પણ
દાવેદારી નોંધાવી રહ્યું છે, ગુજરાતમાં
ખેલના વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે તેને જોઈએ, તો છેવાડાના
વિસ્તારોની ખેલ પ્રતિભાઓ પણ આગળ આવે અને વૈશ્વિક
સ્તરે ડંકો વગાડે તેવી સુવિધાઓ અને કલ્ચર હજી જોઈએ તેવા વિકસ્યા નથી. સ્પોર્ટ્સના વિકાસ માટે રમત સંકુલોની મહત્ત્વની
ભૂમિકા હોય છે. પંદરેક વર્ષ પહેલાં ગાંધીધામ અને માધાપરમાં રમત સંકુલો નિર્માણ પામ્યાં
અને તેમાં કેટલીક સુવિધાઓ છે, પણ હજી ઘણું કરવાની જરૂરિયાત જોઈ
શકાય છે. જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુર કહે છે કે, બંને સંકુલમાં 400 મીટરનો માટીનો એથલેટિક્સ ટ્રેક,
ફૂટબોલનું મેદાન અને બેડમિન્ટન કોર્ટ છે. રોજ સાંજે સંખ્યાબંધ ખેલાડી
પે એન્ડ પ્લે હેઠળ બેડમિન્ટન રમે છે. સ્વિમિંગ શરૂઆતથી જ બંધ હોવા વિશે પૂછતાં તેમણે
જણાવ્યું હતું કે, ક્ષારવાળું પાણી હોવાને લીધે તેનો ઉકેલ આવ્યો
નથી. ઉલ્લેખનીય છે કે, ભાવનગર, પોરબદર,
નડિયાદ, દેવગઢ બારિયા સહિતના જિલ્લાઓમાં પણ સિન્થેટિક
એથલેટિક્સ કોર્ટ બની ગયા છે, પણ કચ્છમાં હજી બન્યો નથી. જો કે,
સત્તાવાર સૂત્રોએ સંકેત આપ્યો હતો કે, કચ્છમાં
પણ બની શકે છે. - હિલગાર્ડન
પાસે કામ જારી : ભાડા - વહીવટી
તંત્ર દ્વારા ભુજમાં હિલગાર્ડન સંકુલમાં અનેક રમતોની સુવિધા સાથેનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની
જાહેરાત કરી, ત્યારે ખેલાડીઓ હરખાયા
હતા, પણ તેની ધીમી ગતિ અકળાવી રહી છે. ચાર વર્ષ બાદ પહેલા તબક્કાનું
નિર્માણ થયું છે. માર્ગ અને મકાન વિભાગમાંથી મળેલી વિગત મુજબ લગભગ રૂા. આઠ કરોડના ખર્ચે
3423 ચો.મી. અંદાજિત બાંધકામ થવાનું
છે. પ્રથમ તબક્કામાં બેડમિન્ટન કોર્ટ, મલ્ટિ સ્પોર્ટ્સ હોલ, વોલીબોલ કોર્ટ, યોગ સેન્ટર, ટેબલ ટેનિસ રૂમ, બોર્ડ
ગેમ્સ રૂમ, સ્વિમિંગ પુલ, જીમ જેવી સુવિધાઓ
નિર્માણ પામી રહી છે. પહેલો તબક્કો પૂરો કરવામાં હજી સાત - આઠ મહિનાનો સમય લાગી જશે.
ત્યારબાદ બીજા તબક્કામાં બાસ્કેટ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટ,
કબડ્ડી ગ્રાઉન્ડ અને સ્કવોશ જેવી રમતોની સુવિધા વિકસાવાશે. પ્રથમ ફેઝમાં
બિલ્ડિંગનું કામ ચાલુ છે, એ પૂરું થયા બાદ ભાડા પાસે બીજા તબક્કા
માટેની વહીવટી મંજૂરી લેશું. પછી બીજું ચરણ શરૂ થઇ શકશે. વિલંબ વિશે પૂછતાં આર. એન્ડ
બી.નાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ,
આર્કિટેક્ચરલ ડ્રોઇંગમાં અમુક ફેરફારો થયા, નવેસરથી
ડિઝાઇનો થઇ, ટેન્ડર પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા
વગેરેને લઇને સમય લાગતો હોય છે. જે. પી. કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કામ સોંપાયું
છે. - સ્પોર્ટ્સ કોલેજ લાગુ થશે : રાજ્ય સરકારે
ડી.એલ.એસ.એસ. બાદ ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ કોલેજ (ડી.એલ.એસ.સી.)ની પહેલની જાહેરાત
કરી હતી અને જે - તે કોલેજો પાસેથી અરજી મગાવવામાં આવી હતી. કચ્છમાંથી પણ કેટલીક કોલેજોએ
એપ્લિકેશન આપી છે. જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિ ઠાકુરને પૂછતાં તેમણે કહ્યંy હતું કે,
સરકારે આવેદનો મગાવ્યાં છે, પણ હજી સુધી તેનો નિર્ણય
આવ્યો નથી. કોલેજાએ પોતાની રીતે ઓનલાઇન અરજી કરવાની હોય છે એટલે કઇ કઇ કોલેજોએ અરજી
કરી છે તે અમને ખ્યાલ ન હોય, પણ કચ્છ યુનિવર્સિટીએ પણ અરજી કરી
હોવાની મને જાણ છે. - બોલો, 16 વર્ષથી
વ્યાયામ : શાળામાં વિદ્યાર્થીઓની ખેલ પ્રતિભાને નિખારવામાં
વ્યાયામ શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા છે, પણ રમતના વિકાસની વાતો વચ્ચે કમનસીબી જુઓ કે ગુજરાતમાં તો જ્યારથી કેન્દ્રીયકૃત
ભરતી શરૂ થઇ, ત્યારથી એટલે લગભગ સોળેક વર્ષથી વ્યાયામ શિક્ષકોની
ભરતી જ થઇ નથી ! કચ્છમાં આજે અનેક સ્કૂલો એવી છે, જેમાં ખાસ વ્યાયામ
શિક્ષક છે જ નહીં. - માધાપરને
પાંચમી રમત મળી : છેલ્લા કેટલાક
વર્ષથી માધાપરમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (ડી.એલ. એલ.એસ.)ની સ્થાપના કરાઈ
છે, જેમાં આર્ચરી, હોકી,
વોલીબોલ અને ફૂટબોલ રમતો સામેલ
કરાઈ હતી, હવે તેને વધુ એક રમત વેઈટલિફ્ટિંગ પણ મળી છે. વેઈટલિફ્ટિંગના
કોચ પણ આવી ગયા છે અને ટૂંક સમયમાં તેના ખેલાડીઓ અગેની પ્રક્રિયા શરૂ થશે. ઉલ્લેખનીય
છે કે, માધાપર ડી.એલ.એસ.એસ.માં લગભગ 12પ ખેલાડી નિવાસી તાલીમ મેળવે છે અને ખાસ
કરીને તિરંદાજીમાં અહીંના ખેલાડીઓએ ઘણી સિદ્ધિ મેળવી છે. અલગ અલગ કેટેગરીમાં 80 જેટલા ખેલાડી રાષ્ટ્રીય સ્તર
સુધી રમ્યા છે. થોડા સમય પહેલાં કચ્છને વધુ
પાંચથી છ ઈનસ્કૂલ ફાળવવાની પણ વાત ચર્ચાઈ હતી, પણ કોઈ કારણસર નવી ઈનસ્કૂલોની વાત હવામાં જ રહી. - ક્રિકેટનાં સારાં મેદાન જોઈએ
: ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં દેશની સૌથી લોકપ્રિય
રમત ક્રિકેટની અપૂરતી સુવિધાઓ ખટકે છે. ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ છે, પણ તેમાં નવીનીકરણની જરૂરિયાત જોઈ શકાય છે.
એ સિવાય સ્પીડી ક્રિકેટ એકેડેમી દ્વારા સ્વામીબાપા મહિલા કોલેજ પાસેનાં મેદાનમાં ટર્ફ
વિકેટો વિકસાવાઈ છે, તો પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાના માર્ગદર્શન
હેઠળ સરપટ ગેટ પાસેનાં પોલીસ ગ્રાઉન્ડમાં પણ સારું ક્રિકેટ મેદાન તૈયાર કરાયું છે.
પશ્ચિમ કચ્છમાં ક્રિકેટની અધિકૃત સંસ્થા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સાથે એફિલિયેટેડ
કચ્છ ક્રિકેટ એસો.(કે.સી.એ.-ભુજ) પાસે ખુદનું મેદાન નથી. લાંબા સમયથી સારા ગ્રાઉન્ડ
અને સ્ટેડિયમની વાતો ચર્ચાય છે, પણ નક્કર પરિણામ આવ્યું નથી.
કે.સી.એ.ના થોડા સમય પહેલાં જ વરાયેલા પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે,
અમે ગ્રાઉન્ડ માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને હાલમાં એસ.સી.એ.ના અગ્રણીઓ
નિરંજનભાઈ શાહ અને જયદેવ શાહ સાથેની મુલાકાતમાં પણ કચ્છમાં સુવિધાઓનો મુદ્દો ચર્ચાયો
હતો. એકંદરે ગાંધીધામ સંકુલની તુલનાએ પશ્ચિમ કચ્છમાં ક્રિકેટની સુવિધાઓ ઓછી છે. - પોલીસ ગ્રાઉન્ડમાં સુવિધા : ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અનેક સુવિધા
સાથેનું રમત સંકુલ વિકસી રહ્યું છે. પોલીસ અધીક્ષક વિકાસ સુંડાના પ્રયાસોથી અહીં ફૂટબોલનું
સરસ મેદાન તૈયાર થયું છે. ક્રિકેટનું ટર્ફ વિકેટ સાથેનું ગ્રાઉન્ડ વિકસી ચૂક્યું છે.
બાસ્કેટ બોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ
બનાવાયા છે. બોક્સ ક્રિકેટની સુવિધા બનાવાઈ છે. ખેલાડીઓ માટે નેટ છે અને સાંજના સમયમાં
તો અહીં અંદાજે 250 જેટલા ખેલાડી
રમતા જોઈ શકાય છે. - ગાંધીધામ
સંકુલમાં બહેતર ખેલ સુવિધાઓ : ભુજની તુલનાએ
ગાંધીધામ સંકુલમાં બહેતર ખેલ સુવિધાઓ છે. અહીં ક્રિકેટના ટર્ફ વિકેટ સાથેનાં સારાં
મેદાનો છે. ગોપાલપુરીમાં ફૂટબોલનું પણ ઉમદા ગ્રાઉન્ડ છે. ટેબલ ટેનિસના હબ તરીકે પણ
ગાંધીધામનો વિકાસ થયો છે અને હરેશ સંગતાણી કોમ્પ્લેક્સમાં ટ્રેઈનિંગ મેળવીને બહુ સારા
ખેલાડીઓ આગળ વધ્યા છે. રમત સાથે સંકળાયેલા નિષ્ણાતો એક મહત્ત્વની વાત કહે છે કે, તાજેતરના વર્ષોમાં ઈનસ્કૂલ સહિતની કેટલીક ખેલ
સુવિધાઓ વિકસી છે, પણ તેની ખાસ કરીને શાળા સ્તરે, ફળશ્રુતિ શું એ પણ વિચારવું જોઈએ. હેન્ડબોલમાં અગાઉ પણ માતૃછાયાનો દબદબો હતો
અને આજે પણ છે, આર.ડી. વરસાણી સ્કૂલ કબડ્ડી અને ખો-ખોમાં અગાઉ
પણ ચેમ્પિયન હતી અને આજે પણ છે, એમ.એસ.વી. રસ્સાખેંચમાં અગાઉ
પણ જીતતી હતી અને આજે પણ જીતે છે, મિરજાપર ગર્લ્સ સ્કૂલ વોલીબોલમાં અગાઉ પણ સારાં પરિણામ આપતી હતી
અને આજે પણ આપે છે, પણ
એ સિવાય શું નવું પોઝિટિવ પરિણામ આવ્યું એ સવાલનો જવાબ શોધવો પડે તેમ છે.