ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ સંકુલમાં ડાઘિયા કૂતરાઓનો
આતંક વધી રહ્યો છે. મુખ્ય માર્ગો તથા શેરીઓ અને ગલીઓમાં લોકો તેમજ નાના બાળકો માટે
કૂતરા ઘાતક બની રહ્યા છે. ચાર મહિનામાં અનેક લોકોને કૂતરા કરડયા છે. સરકારી રામબાગ
હોસ્પિટલમાં હાજરો લોકોને રસીના ડોઝ આપવામાં
આવ્યા છે. ગાંધીધામ સંકુલમાં રખડતા ઢોરનો ત્રાસ અને ડાઘિયા કૂતરાઓનો આતંક નાગરિકો માટે
મુસીબત બની ગયો છે. રાજ્ય સરકાર દ્વારા કૂતરાઓના ખસીકરણ માટેની પ્રક્રિયા કરવા મહાનગરપાલિકાને ગ્રાન્ટના
સ્વરૂપમાં રૂપિયા પણ આપ્યા છે અને ડીસી પાંચમાં ડમ્પિંગ સાઈડની નજીક એનિમલ બર્થ કંટ્રોલ
ફેસીલિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, તેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કૂતરાઓને પકડીને ત્યાં રસીકરણ તથા ખસીકરણ
કરવામાં આવશે.અહીં ઓપરેશન રૂમ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે, પરંતુ હજી તેને ત્રણ મહિના જેટલો સમય લાગે તેમ છે આ એનિમલ બર્થ કંટ્રોલ ફેસીલિટી સેન્ટરમાં 100 કૂતરાને રાખીને સારવાર તેમજ
રસીકરણ સહિતની કામગીરી થઈ શકશે. હાલના સમયે સેન્ટર બનાવવાનું કામ ચાલુ છે, પરંતુ આ કામમાં ગતિ આવે તે જરૂરી છે. ગાંધીધામ
સંકુલમાં ત્રણ મહિનામાં 2500થી વધુ લોકોને
શ્વાન કરડયા છે. ખાસ કરીને શેરી ગલીઓમાં રાત્રિના લોકોને પગપાળા અથવા તો દ્વિચક્રીય વાહન લઈને પસાર થવું મુશ્કેલ થઈ જાય
છે. નગરપાલિકા વખતથી જ ઘણી ફરિયાદો છે મહાનગરપાલિકામાં ફરિયાદો વધતા તત્કાલીન મ્યુનિસિપલ
કમિશનરે એનિમલ બર્થ કંટ્રોલ ફેસીલિટી સેન્ટર બનાવવા માટેની કાર્યવાહી કરી હતી. તેમની
બદલી બાદ કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે, લોકો પરેશાન છે, કૂતરા કરડવાના રામબાગમાં અસંખ્ય કેસ આવે છે. ચાર મહિનામાં 7,000થી વધુ રસીના ડોઝ અપાયા છે.
આ માત્ર સરકારી હોસ્પિટલની સંખ્યા છે અર્બન હેલ્થ સેન્ટર તેમજ અલગ અલગ આરોગ્ય કેન્દ્ર
તથા ખાનગી હોસ્પિટલોના કેસની સંખ્યા અલગ જ છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે સેન્ટર
બનાવવાની કામગીરી પૂર્ણ કરાય તેવી માંગ પણ ઊઠી છે.