માંડવી, તા. 6 : એક સમયે દુષ્કાળોને કારણે ખેતી
નબળી હતી ત્યારે વી.આર.ટી.આઈ. દ્વારા વૈજ્ઞાનિકોને બોલાવીને ખેડૂતોને ખેતી, પશુપાલન અંગે માર્ગદર્શન અપાતું. કાંતિભાઈ ભીમાણીએ
સંસ્થા સાથે જોડાઈને આવા ખેતી અંગેના વિવિધ માર્ગદર્શનો મેળવીને તેઓએ સફળ પ્રયોગો કરીને
ઉડમ પરિણામો મેળવ્યા તે અંગેનું પુસ્તક પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ઉપયોગી થશે. વી.આર.ટી.આઈ. માંડવી ખાતે વિવેકગ્રામ પ્રકાશન ધ્વારા
પ્રકાશિત અને માવળ બારૈયા સંપાદિત પુસ્તક `પ્રાકૃતિક ખેતીના પ્રયોગવીર કાંતિભાઈ ભીમાણી' વિમોચન પ્રસંગે દીપેશભાઈ શ્રોફએ આ ક્ષેત્રે
સંશોધનનો ઘણો અવકાશ હોવાનું જણાવીને પ્રાકૃતિક ખેતીનું રિસર્ચ પેપર તૈયાર કરીને પ્રકાશિત
કરવાનું અનુરોધ કર્યા હતો. ગોરધન પટેલ `કવિ'એ સંસ્થાના
પર્યાય સમાન પાણીના કામની સાથે વાણીની શરૂઆત કરી છે તેનો ઉપક્રમ આજે હોવાનું જણાવીને
સંસ્થાના પ્રકાશન વિભાગના પ્રકાશિત પુસ્તકોની માહિતી આપી હતી. મહેમાનોનું સન્માન રમેશ
નંદા, વિનય ઐયર, સેંધાભાઈ પારેગી વિગેરેના
હસ્તે કરાયા બાદ સ્વામિનારાયણ ગુરુકુળ રામપર-વેકરાના પ.પૂ. દેવચરણ સ્વામીએ આર્શિવચન
આપતાં જણાવ્યું હતું કે, ખેતીની વાતોનો ઉલ્લેખ મહાભારતમાં અને
ભાગવતમાં પણ મળે છે તેના ઉદાહરણો આપીને પુસ્તકમાં લેખકે બધી જ ખેતીની પધ્ધતિઓને આત્મસાત
કરી છે. વી.આર.ટી.આઈ. સી.ઈ.ઓ. વિનય ઐયરએ કાંતિભાઈએ કૃષિ ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવી
છે તે અદ્ભુત હોવાનું જણાવીને સંસ્થા સાથે ખેડૂતોનું જોડાણ ખૂબ અગત્યનું હોવાનું જણાવ્યું
હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સાડાઉના સિનિયર સાયન્ટિસ્ટ યુ.એન.
ટાંકએ લેખક સાથેના ખેતી અંગેના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, કેળની ખેતીમાં ટીસ્યુકલ્ચરનો વ્યાપ વધારવા અને ખેડૂતોમાં જાગૃતતા લઈ આવવાનું
ખૂબ મોટું કામ થયું હોવાનો મત વ્યકત કર્યા હતો. પુસ્તકનો પરિચય જયદીપ ગોસ્વામીએ આપ્યો
હતો. માવળ બારૈયાએ સંપાદન-લેખનની ભૂમિકા વર્ણવતા ખેડૂતનો અનુભવો ખેડૂતો સુધી પહોંચાડવા
માટેનો આ પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. આત્મા,ભુજના પ્રોજેકટ
ડાયરેકટર પી. કે. તલાટીએ વિશાળ જિલ્લા કચ્છમાં પ્રાકૃતિક ખેતીને પહોંચાડવી મુશ્કેલ
છે ત્યારે સંસ્થાઓ તેમાં સહભાગી થવા અનુરોધ કરીને પ્રાકૃતિ ખેતી અંગેની સરકારી યોજનાની
માહિતી આપી હતી. નાયાબ બાગાયત નિયામક એમ.એસ. પરસાણીયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં કેળા, ખારેક, દાડમ,
ડ્રેગનફ્રુટનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે ત્યારે અનુભવને સરળ ભાષામાં
પ્રસ્તુત પુસ્તક પ્રકાશન થયું છે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઉપયોગી સાબિત થશે.
હર્ષદ ભીમાણીએ ભારત ભૂમિ ઉપર ઋષિકાળથી ચાલી આવતી પરંપરાથી આપણે વિખૂટા પડયા છીએ ત્યારે
આવા કાર્યક્રમોથી તે બાબતે ચિંતન કરવું પડે છે. લેખક પરિવાર વતી પરષોતમભાઈ ચોપડા,
રાધાબેન રાબડિયા, રસીલાબેન રાબડિયા, દિનેશભાઈ રાબડિયા, હર્ષદભાઈ ભીમાણી, સાવિત્રીબેન જબુઆણી અને ભવાનળભાઈ છાભૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન
રમેશ ગોરે જ્યારે વ્યવસ્થા કપિલ ગોરએ સંભાળી હતી.