બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 6 : સરહદી કચ્છની
સામે પાર અડીને આવેલા સિંધ (પાકિસ્તાન) અને થરપારકર પ્રાંતમાં વસતા સોઢા લોકો પોતાની
આગવી થરી પરંપરાથી જન્માષ્ટમીની ઉજવણી કરે છે. 1971-72માં ભારત-પાક યુદ્ધ દરમ્યાન થરપારકરથી હિજરત કરી કચ્છના વિવિધ
સ્થળોએ સ્થાયી થયા પછી આ લોકોની વસાહતોમાં
પર્વોની ઉજવણી આજે પણ એ જ પરંપરા, એ જ મૂછાળો
કાનુડો અને એ જ ઝુલણી (કૃષ્ણભક્તિ ગીતો)ના ભાવવાહી ગાન સાથે અનોખી અદાથી કરાય છે. પાવરપટ્ટી
વિસ્તાર સોઢા વસાહતો માટે જાણીતો છે. ઝુરા કેમ્પ, વેડહાર (નિરોણા),
ગોધિયાર નાની-મોટી, ચંદ્રનગર વેડહાર (છારી-ફુલાય),
ગેચડો સહિત સ્થળો આગવી થરી સંસ્કૃતિ સાથે કચ્છી સંસ્કૃતિમાં ઓતપ્રોત
છે. જન્માષ્ટમીના દિવસે નિરોણાથી નખત્રાણા વાયા બિબ્બરના માર્ગને અડી આવેલા અમરકોટ
(સિંધ)ના રાણા ચંદ્રસિંહ સોઢાની યાદગીરીમાં ઊભી કરાયેલી ચંદ્રનગર વસાહતમાં જન્માષ્ટમીનો
અનેરો આનંદ છવાયો હતો. લોલા-ટીકલી (ખારી-મીઠી પુરી), લડુ (લાડવા),
માજીઠો (ચુરમો), ઢોકરી જેવી સાતમ-આઠમના ખાસ થરી
વાનગીઓની મોજ સાથે આઠમના મહિલાઓ પરંપરાગત પોષાકમાં સજ-ધજ્જ થઇ ભવાનીસિંહ સોઢાના નિવાસસ્થાને
ગમેલા ભરી ચીકણી માટી અને સજાવટની કેટલીક સામગ્રી પણ લાવે, એમાંથી
કેટલીક મહિલાઓ એક પાટિયા પર ઊભી કરેલી લાકડીઓ પર માટી ચોંટાડી કાનુડાનું રૂપ આપી રહી
છે, તો બીજી બાજુ મહિલાઓનો એક સમૂહ માતા યશોદાની મૂર્તિ કંડારવામાં
વ્યસ્ત બની પૂર્તિઓ તૈયાર થઇ ગયા પછી મૂછધારી કૃષ્ણ ભગવાનની માટીની અર્ધ મૂર્તિને શ્વેત
ખમીશ ઉપર કાળો કોટ પહેરાવી માથે ત્રિરંગી સાફો સજાવી બિરાજમાન કરવામાં આવે છે. ગળામાં
સોનાનો હાર, જમણી બાજુમાં માતા યશોદાને લાલ ઓઢણી, શરીરે અલંકારો સુશોભિત કરી બેસાડવામાં આવ્યા હતા. રાત્રે મોટા હોલની એકબાજુ
ગંગાબા સોઢા, બબરાબા સોઢા, ઢેલકોરબા સોઢા,
વિજયાબા સોઢા, તારાબા સોઢા પરંપરાગત થરી ભાષામાં
`આમા-સામા મંધર માંડિયા, ઝરમર વરસે મે.... રાધા રે રાણી કુંવર કાન મંગીઓ
દે, પરોઢિયેરો પાછા વાળી દઇશ' જેવી ઝુલણી
(કૃષ્ણભક્તિ ગીતો) ગાઇ રહી હતી, તો બીજી બાજુ રંગબેરંગી સાફા
સાથે સજ્જ થઇ મહેશોજી સોઢા, રાજુભા સોઢા, ભરતસિંહ સોઢા, કુલદીપસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ સોઢા પણ સંતાર, મંજીરા અને ગડા-ગમેલાના
તાલે પેલા પેલા જગમ રચાયા પાયરાજા...પહીજો ભેદ નિહાર કડે મિલધો કાન જેવા આરાધીવાણીના
સૂરોથી ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો. મધરાતનો સમય થતાં યુવાનો ભવાનીસિંહ સોઢા,
રતનસિંહ સોઢા, દિલીપસિંહ સોઢા, મહાવીરસિંહ સોઢા, હરપાલસિંહ સોઢા, નેતસિંહ સોઢા સહિતે ઝાલરના ઝણકાર, શંખના નાદ અને કરતાલની
રમઝટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નારાથી વાતાવરણ ગજાવ્યું હતું. મહિલા વર્ગે
કાટલાંના લાડુ વહેંચ્યા હતા. અગ્રણીઓ લધુજી સોઢા, સુરુભા સોઢા,
મંગલસિંહ સોઢા, ચતરસિંહ સોઢા, સરૂપસિંહ સોઢા, જેતમાલજી સોઢા, જગમાલજી સોઢા, એકબીજાને સાકર મિશ્રિત દૂધના ઘૂંટ પીવડાવી
અને મીઠાઇઓ વહેંચી કનૈયે જનમ રી ખીર.... કહી એકબીજાને કૃષ્ણજન્મની વધાઇ આપી પાછા ભક્તિ
ગીતોમાં પરોવાઇ સમગ્ર રાત આ સિલસિલો જારી રહ્યો હતો. બીજા દિવસે કાનુડાની મૂર્તિને
પુરુષોએ અને માતા યશોદાની મૂર્તિ મહિલાઓએ પોતાના માથે ઉપાડી સમગ્ર ગામમાં શોભાયાત્રારૂપે
ફેરવી બાજુમાં આવેલા જળાશયમાં આ બંને મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ગામના ચોકમાં
મટકીફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. - ગામમાં રાધા-કૃષ્ણનું સ્થાનક : નિરોણા :
હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા ક્ષત્રિય રાજપૂત સોઢા સમાજ કચ્છ અને સામેપાર સિંધમાં હોળી, દિવાળી, જન્માષ્ટમી જેવા
તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે કરે છે, પરંતુ જન્માષ્ટમીના તહેવારની
ઉજવણીનો રંગ કંઇક જુદો હોય છે, વિશેષ હોય છે. પાવરપટ્ટીના ચંદ્રનગર
ગામમાં તો રાધા-કૃષ્ણ ભગવાનનું અલગ સ્થાનક પણ ઊભું કરવામાં આવ્યું હતું. સ્થાનકના મહંત
હરિદાસજી ગુરુ રામચંદ્ર ડોંગરેજી મહારાજ કહે છે કે, જન્માષ્ટમીના
અવસરે ગામજનો મોટી સંખ્યામાં અહીં એકત્ર થઇ કૃષ્ણભક્તિમાં લીન બને છે.