નવી દિલ્હી, તા. 6 : દુનિયાના
નવા નકશાને મંજૂરી આપતા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યા પછી
ભારતે આ નવા નકશાના કેટલાક બદલાવ સામે વિરોધ ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે
ભારપૂર્વક જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર
અને લદ્દાખ અમારાં જ છે. આવી સ્પષ્ટ વાત કરીને હિન્દુસ્તાને પાકિસ્તાનને પણ કડક સંદેશ
આપી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,
નવા નકશામાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સહિત ભારતનો
સમગ્ર વિસ્તાર ભારતના સત્તાવાર નકશા મુજબ જ દેખાડવો જોઈએ. ભારતના વિસ્તારોને ખોટી અને
ભ્રામક રીતે બતાવવાનાં પગલાંને ભારત સ્વીકારશે નહીં. આવું મંજૂર નથી. ભારતની સીમાઓ
અટલ છે. તેની સાથે કોઈ જ બાંધછોડ નહીં કરી શકાય તેવી સ્પષ્ટ વાત જયસ્વાલે કરી હતી.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, યુનો મહાસભાએ મંજૂર કરેલા વિશ્વના
નવા નકશા સામે ભારતને કોઈ વાંધો નથી. અમારો વિરોધ નકશામાં ભારતના વિસ્તારને ખોટી રીતે
દેખાવડવાની સંભાવના સામે છે. બાકી ભારતે બરાબર ક્ષેત્રફળ બતાવતા નકશાના યુનો મહાસભાના
પ્રસ્તાવના પક્ષમાં જ મતદાન કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ કોઈ ખાસ નકશો, નકશા બનાવવાની પદ્ધતિઓ કે દેશોની સીમાઓને મંજૂરી નથી આપતો. ભારતનાં ક્ષેત્રોનું
નકશામાં કોઈ પણ ખોટું કે ભ્રામક ચિત્રણ સ્વીકાર નહીં કરાય. ભારતની વાસ્તવિક જમીન,
આંતરરાષ્ટ્રીય સીમાઓ કે ક્ષેત્રફળમાં કોઈ બદલાવ નહીં આવે. આ બદલાવ દેશોની
સરહદો બદલતો નથી, પરંતુ નક્શા પર પૃથ્વીને દેખાડવાની પદ્ધતિ બદલાવે
છે. નવા નકશાને `ઈકવલ એરિયા
પ્રોજેકશન' કહેવાયું છે. જેમાં આફ્રિકા
પહેલાં કરતાં મોટું દેખાશે, તો યુરોપ અને ઉત્તર અમેરિકા નાના
દેખાશે. એશિયાના કેટલાક ભાગો અગાઉની તુલનાએ થોડાક નાના જોવા મળી શકે છે. ભારતની સંપ્રભુતા
અને ક્ષેત્રીય અખંડતા પર અમારું વલણ સ્પષ્ટ છે. ભ્રામક નકશો કોઈ પણ કિંમતે સ્વીકાર્ય
નથી, તેવું વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય
છે કે, અમેરિકાએ યુનોની મહાસભાના નવા વૈશ્વિક નકશાને મંજૂર કરતા
પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.