• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ડોણ-જ્યોતેશ્વર ડેમમાં 20 ફૂટ જળસંગ્રહ છતાં કિસાનો લાચાર

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 6 : છતે ચોમાસે વરસાદે હાથતાળી દેતાં ધરતી અને ધરતીપુત્રો પાણી માટે પોકાર કરી રહ્યા છે. તેની સમાંતરે આ તાલુકામાં એક માત્ર મધ્યમ સિંચાઈ યોજના હેઠળના ડોણ-જ્યોતેશ્વર ડેમમાં વીસેક ફૂટ જળસંગ્રહ હોવાનો દાવો કરીને કિસાનોએ સામૂહિકરૂપે મરવા પડેલા પાક અને કમસે કમ ચારા મટે હયાત પુરવઠામાંથી  ઓછામાં ઓછું બે પાણી આપવા આજીજી કરી છે. આની સાથોસાથ તૂટ-ફૂટ કેનાલની દુર્દશા વેળાસર વિના વિલંબે દૂર કરવા વિનવણી કરાઈ હતી. કચ્છીમાં એક કહેવત છે કે, માલિક કરે તે મથેં તે ! અહીં માલિક અભિપ્રેત છે. એક તો ઉપરવાળો પરમેશ્વર કે જે જીવમાત્રની  ભૂખ અને દુ:ખની ફીકર કરે, જ્યારે પ્રજાતંત્રમાં બીજો કોઈ માલિક કે રક્ષક એટલે પ્રજા પ્રતિનિધિઓ અને અમલદારો ગણી શકાય. આ તાલુકાને  સંબંધ છે ત્યાં સુધી અધિક માસવાળા વર્ષમાં વરસાદ ખેંચાતા કે મેઘરાજાએ તરસાવતા ધરતી અને ધરતીપુત્રોનો કંઠ સૂકાયો છે. છેલ્લે જૂન 2026માં મેળવેલી વિગતો પ્રમાણે ઉક્ત મધ્યમ સિંચાઈ યોજના હેઠળના જળાશયો ઉપરાંત 21 જેટલા નાની સિંચાઈ યોજના તળેના ડેમોમાં વીસેક ટકા જળસંગ્રહ ઉપલબ્ધ હોવાની વિગતો મળી હતી. તમામ જળાશયો-ડેમોની એકંદર પાણી સંગ્રહશક્તિ 2627 મિલિયન ફૂટ સામે 600 મિલિયન ફૂટ સંગ્રહ જે-તે સમયે જાણવા મળેલો. 7884 હેક્ટર જમીન સિંચાઈ યોજનાની ઓશિયાળી છે. ડોણ-જ્યોતેશ્વર ડેમને સંબંધ છે, ત્યાં લગી ખેડૂતોના દાવા મુજબ નબળા વર્ષમાં 20 ફૂટ જળસંગ્રહ હયાત છે. એ વિસ્તારના લાભાર્થી કિસાનોની તાજેતરમાં એક બેઠક મળેલી અને પરિસ્થિતિ પડકાર વિશે મંથન કરાયું હતું. ડોણ પાટિયા પાસે અગ્રણી નારાણભાઈ સામજી કેરાઈ, ખીમજીભાઈ ધનજી કેરાઈ, દિલુભા ચાવડા, ભરત મહેશ્વરી, સુલેમાન કાસમ, નવુભા ચાવડા, દાઉદ આદમ ચવાણ, બળુભા ચાવડા વગેરેએ વલોપાત ઢાલવતાં કહ્યું હતું કે, મરવા જઈ રહેલા પાક અને કમસે કમ ઢોરોના ચારા (જુવાર) માટે બે પાણીની  અનિવાર્ય રીતે ખપત છે. 50 કરતાં વધારે લાભાર્થીઓ છે. લિફ્ટિંગથી પાણી મળવું જોઈએ, અધૂરામાં પૂરું વીસેક વર્ષથી કેનાલ બંધ પડી છે. તૂટફૂટ કેનાલ મરંમતની તસ્દી નથી લેવાઈ. પડેલા ઉપર પાટુ જેવી બદહાલત છે. તંત્ર પાસે  તેઓએ કરેલી રજૂઆત માગણીને આગળ ધરીને એવો બળાપો ઠાલવવામાં આવેલો કે તંત્રનો જવાબ ટૂંકો ને ટચ એ મળ્યો કે, જળસંગ્રહ રિઝર્વ (અનામત) છે, કોને કહેવું અને ક્યાં જવું એ સવાલ શીરદર્દસમો છે. આ સંબંધે કિસાનોએ નર્મદા કેનાલ વાટે આવા જળાશયોને ભરવાની માગણી, લાગણી પ્રદર્શિત કરી હતી. તાલુકામાં 1,43,876 હેક્ટર જમીન ખેતીવાડી વિસ્તાર છે.

Panchang

dd