• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

રણમાં ભરાયેલાં પાણીથી શ્રમિક વર્ગની રોજગારી પર સંકટ

સુમરાપોર, તા. 30 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તાર સુધી વરસાદ આધારિત ખેતી તેમજ પશુપાલન પર મુખ્યત્વે લોકો નિર્ભર છે, પણ લાંબા ઈન્તજાર બાદ પણ વરસાદના કોઈ અણસાર ન દેખાતાં હવે આ વર્ગ ચિંતિત બન્યો છે. સીમાડા- વનવગડામાં ઘાસ સુકાઈ રહ્યું છે ને પાણીના ત્રોતવાળાં તળાવોના તળિયાં દેખાવાં લાગ્યાં છે. રામમોલના લીલોતરી - પાંદડાઓ મૂરઝાઈ રહ્યા છે. માલધારીઓ અને ખેડૂત વર્ગ આભ સામે મીટ માંડીને મી માગી રહ્યા છે, તો મજુર વર્ગની રોજગારીની આશાઓ પર ખારાં રણપટમાં ભરાયેલાં પાણીએ બાજી બગાડી નાખી છે. વેરાન રણ પચ્છમવાસીઓ સહિત હજારો અન્ય લોકો- મજૂરવર્ગ માટે રોજગારીનું માધ્યમ બન્યું છે. સરહદનું બિનઉપયોગી વિશાળ-વેરાન રણ રોજગારીનો એક વિકલ્પ કે સ્રોત બનશે એ વાત પચ્છમાવાસીઓ માટે સપનાંમાં ખ્યાલ ન હતો. આર. ઈ. પાર્કને પગલે સોલાર એનર્જી પ્રોજેક્ટ થકી સરહદના પછાત ગામડાંઓ હજારો મજૂરવર્ગ માટે આશીર્વાદરૂપ બન્યો છે. છેલ્લા બે વર્ષથી અત્યારે મજૂર-ગરીબવર્ગ માટે  આશીર્વાદરૂપ બન્યો છે. છેલ્લા બે વર્ષથી અત્યંત મજૂર -ગરીબ વર્ગના લોકો સારી એવી રોજગારી મેળવી પોતાની આજીવિકાને સુધારી છે, જે થોડાક વર્ષ પહેલાં જે લોકો મજૂરી અર્થે અન્ય તાલુકાઓમાં જઈ રોજગારી મેળવવા નિર્ભર હતા એવા અનેક લોકો  આર.ઈ. પાર્કમાં રોજગારી મેળવીને મલકાતા ચહેરા કર્યા છે, પણ જુલાઈ મહિનામાં પડેલા વરસાદથી સરહદનાં કામોમાં વ્યાપક અસર પડી છે. પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદનું જોર રણકાંઠા પર સારું એવું હતું જેથી રણમાં સારા એવા પાલર પાણીનો સંગ્રહ થયો હતો. જિલ્લા બહારના મજૂરવર્ગને પોતાના વતન ભણી રવાના થવું પડયું હતું. ત્યારથી કરી છૂટક એકલ-દોકલ કામ સિવાય મોટા ભાગના તમામ કામો બંધ પડયાં છે, જેથી સ્થાનિકના પાંચેક હજારથી વધુ લોકોને છેલ્લા બે મહિનાથી રોજગારી પર ગંભીર અસર પડી છે. હવે ધીરે-ધીરે પાણી સૂકાવા લાગ્યું છે અને મોટા ભાગનાં કામો એકાદ મહિનામાં પુન: ચાલુ થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ પાછો બોર્ડર કાંઠા પર વરસાદ થાય તો એવી ચિંતા સાથે કોન્ટ્રાક્ટર વેન્ડર કંપનીઓ સાથે એમ.ઓ.યુ. કરી કામ ચાલુ કરવા તૈયાર જ નથી. જો હજી પણ વરસાદ થાય તો દિવાળી સુધી કોઈ કામનો ધમધમાટ થાય એવા એંધાણ નથી, જેથી વેન્ડરો પણ થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે. આમ જો અને તોની સ્થિતિ વચ્ચે પાંચેક હજારથી વધુ સ્થાનિક બેરોજગાર મજૂરવર્ગની આજીવિકા પર છેલ્લા બે મહિનાથી ગંભીર અસર પડી રહી છે. જો હજી પણ દિવાળી સુધી કોઈ કામો ચાલુ ન થાય તો આ વર્ગની હાલત દયનીય બની જશે. રોજબરોજ કમાઈને ખાનારો આ વર્ગને આટલા મહિનાઓ સુધી રોજગારીથી વંચિત રહેવું ન પાલવે, આમ આર્થિક સ્થિતિ મુશ્કેલીભરી બની રહેશે. મૂજરવર્ગની આજીવિકા પર ખૂબ અસર પડી રહી છે, તેમ છતા સૌ પચ્છમવાસીઓની આભ સામે મીંટ માંડીને મેઘરાજા જ તારણહારરૂપ બનશે એવી આશાઓ-પ્રાર્થનાઓ ચારેકોર લોકો કરી રહ્યા છે.

Panchang

dd