• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ગંભીર ગુનામાં ન્યાયતંત્ર સંસદની રાહ જોતું નથી

નવી દિલ્હી, તા. 30 : ભારત દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે એક ધ્યાન ખેંચનારા નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય ન્યાયતંત્ર ગંભીર મામલાઓમાં સંસદની રાહ નથી જોતું. ડિજિટલ એરેસ્ટ જેવી નવા પ્રકારની છેતરપિંડીના અપરાધો પર સંસદ કાયદો બનાવે તેની રાહ જોવાના સ્થાને ન્યાયપાલિકા સક્રિય રીતે કાર્યવાહી કરે છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ડિજિટલ એરેસ્ટ કૌભાંડ પર જાતે સંજ્ઞાન લીધું છે, તેવું લંડનમાં 43મા આર્થિક અપરાધો પરના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સૂર્યકાંતે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, આર્થિક અપરાધોને નાથવાની ભારતની વ્યવસ્થા કોઈ એક કાયદા પર નહીં, પરંતુ દાયકાઓમાં બનેલા કાયદા, સંસ્થાનો અને ન્યાયિક સિદ્ધાંતોની બહુસ્તરીય વ્યવસ્થા પર આધારિત છે. સૂર્યકાંતે કહ્યંy હતું કે, મની લોન્ડરિંગ નિયમન કાયદા જેવી વ્યવસ્થાઓ પૂર્ણપણે અચૂક નથી. તપાસ એજન્સીઓ પર તેના દુરૂપયોગના આરોપો લોકોએ મૂકયા છે. ધરપકડનાં સ્પષ્ટ કારણ ન આપવાં અને જરૂરતથી વધુ સમય કસ્ટડીમાં રાખવા જેવી ફરિયાદોના મામલાઓમાં હસ્તક્ષેપ કરીને ન્યાયપાલિકાએ રાહત આપી છે, તેવું મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પકડાય તે વ્યક્તિને ધરપકડનું કારણ લેખિતમાં આપવું જોઈએ. માત્ર મૌખિક રીતે કારણ કહેવું પૂરતું નથી. મુખ્ય ન્યાયમૂર્તિએ અરવિંદ કેજરીવાલ અને સીબીઆઈના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કેસ થવાથી પહેલાં લાંબા સમય સુધી કોઈને કસ્ટડીમાં રાખવું સજામાં બદલી જવું ન જોઈએ. એક મહત્ત્વની ટિપ્પણીમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં દર વર્ષે એટલાં જંગી પ્રમાણમાં નાણાંની ગેરકાયદે હેરફેર થાય છે કે, આઠ અબજ લોકો માટે એક-એક લેપટોટ ખરીદી શકાય અને પછી પણ પૈસા બચી શકે. આર્થિક અપરાધોમાં ઘણીવાર પૈસા દેશોની સીમાઓની બહાર ચાલ્યા જાય છે. આવા મામલાઓમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે, તેવું સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું.

Panchang

dd