• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

છાત્રો સવાલ પૂછે એ વિદ્રોહ નથી : ભુઇયાં

નવી દિલ્હી, તા. 30 : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઇયાંએ રવિવારે જણાવ્યું હતું કે, અલગ મત વ્યકત કરવો કે સવાલ પૂછવા એ વિદ્રોહ નથી. આવું કરનાર છાત્રોને દંડાત્મક કાર્યવાહીની ધમકી ન દઇ શકાય. આવું કરવું ગેરબંધારણીય અને સત્તાનો દુરુપયોગ છે. યુનિવર્સિટી એક એવી જગ્યા હોવી જોઇએ, જ્યાં `સ્થાપિત ધારણાઓ'ની તપાસ અને સવાલ કરી શકાય તેવું તેમણે કહ્યું હતું. જસ્ટિસ ભુઇયાં બોલ્યા હતા કે, પ્રશ્ન પૂછવાનો અધિકાર વિદ્રોહ નથી. આવી `અસહિષ્ણુ વિચારધારા' ભારતીય બંધારણની ભાવનાથી વિપરીત છે. દિલ્હી સ્થિત નેશનલ લો યુનિવર્સિટીના 13મા પદવીદાન સમારોહને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટી એક એવું સ્થળ છે જ્યાં અસહમતી દુશ્મની નહીં, તર્કથી વ્યકત કરાય છે. આપણે સ્વતંત્રતા અને ભિન્નતાનું સન્માન કરે તેવો લોકતાંત્રિક સમાજ ઇચ્છતા હોઇએ તો શરૂઆત યુનિવર્સિટીથી કરવી પડશે તેવું તેમણે કહ્યું હતું. જસ્ટિસ ભુઇયાંએ કહ્યું હતું કે, ભારતીય બંધારણ જ એવું માને છે કે, એક સ્વતંત્ર સમાજમાં અલગ અલગ વિચારો અને માન્યતાઓ હોવાના. જાહેર જીવનમાં સાર્થક ભાગીદારી ત્યારે જ શક્ય છે, જ્યારે અસહમતીને સ્થાન હોય. બુદ્ધ અને ગાંધીની ભૂમિ પર અસહિષ્ણુ વિચારોને સ્થાન નથી.

Panchang

dd