• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

પશુઓને બચાવવા પાલકોની આકરી કસોટી

નલિયા, તા. 30 : અબડાસા તાલુકામાં વરસાદ ખેંચાતાં પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની છે. ખાસ કરીને આશીરાવાંઢ અને દરિયાઈ પટ્ટાનાં ગામોમાં ઘાસચારો અને પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. પશુઓનું પેટ ભરવા માટે માલધારી બહેનો રોજ ટ્રેક્ટર મારફતે 10થી 15 કિલોમીટર દૂર લાલા-સિંધોડી વિસ્તારમાં જાય છે અને જમીન પર ઊગેલું સાવ ઝીણું ઘાસ હાથેથી ચૂંટીને એકઠું કરે છે. બીજી તરફ, પીવાનાં પાણીના સ્રોત સૂકાઈ જતાં માલધારીઓ પશુધનને ખાબોચિયાનું ગંદું પાણી પીવડાવવા મજબૂર બન્યા છે. લાલા ગામના મામદ સંગારે જણાવ્યું કે, પિયત વિસ્તાર હોવા છતાં હવે સીમાડામાં ઘાસ બચ્યું નથી. જો સરકાર વહેલી તકે અછત જાહેર કરી ઘાસ ડેપો નહીં ખોલે તો માલધારીઓએ હિજરત કરવી પડશે. સીમાડામાં સૂકાયેલું ઘાસનું તણખલું નથી બચ્યું અને વરસાદ ખાસ ન વરસતાં ફૂટી નીકળેલું ઘાસ એટલું નાનું છે કે ગાય-ભેંસ જેવા પશુઓ ચરી ન શકતા હોવાથી પશુઓને વાડામાં રાખી ઘાસ ખરીદી ખવડાવવું પડે છે.

Panchang

dd