ભુજ, તા. 30 : એક સમયે પછાત અને અલ્પ વિસ્તાર
ગણાતો કચ્છ જિલ્લો વિકાસની દોડમાં ન માત્ર બલ્કે રાષ્ટ્રમાં અગ્રેસર બનવા તરફ ડગ માંડી
રહ્યો છે. સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર ઔદ્યોગિક, પ્રવાસન ક્ષેત્ર સહિતના ધમધમાટ અને ખનિજ સમૃદ્ધિ
સહિતનાં વૈવિધ્યના કારણે દેશની રાષ્ટ્રીય આવક વધારવામાં કચ્છ જિલ્લો દર વર્ષે 5000 કરોડ એટલે કે 50 અબજનું યોગદાન આપી રહ્યો છે.
કચ્છ હવે કમાઉ દીકરો
વિશિષ્ટ ભૌગોલિક તાસીર, ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્ર સહિતમાં વીતેલા બે દાયકામાં કચ્છે નોંધપાત્ર
વિકાસ સાધ્યો છે. વળી બે મહાબંદરો કચ્છમાં હોવાનાં કારણે કચ્છની નાણાકીય સમૃદ્ધિ વધતાં
આ જિલ્લો દેશ અને રાજ્ય માટે કમાઉ દીકરો બની ગયો છે.
રાષ્ટ્રીય આવક વધારવામાં મહત્ત્વનું પ્રદાન
આજે ભારત જ્યારે વિશ્વની અગ્રીમ હરોળની આર્થિક મહાસત્તા બનવા
તરફ ડગ માંડે છે ત્યારે દેશની રાષ્ટ્રીય આવક વધારવામાં કચ્છનાં પ્રદાનને ઓછું આંકી
શકાય તેમ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વેરા, રોયલ્ટી, સ્ટેમ્પ ડયૂટી
સહિતની આવકના કારણે એક અંદાજ અનુસાર કચ્છમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં જમા
થતી આવકનો આંકડો 5000 કરોડને પાર
થવા જાય છે.
આ ક્ષેત્રોનો આવક વધારવામાં મોટો હિસ્સો
કચ્છમાં કંડલા અને મુંદરા એમ બે મોટાં બંદર આવેલાં છે, તો અઢળક ખનિજ સમૃદ્ધિ કચ્છના પેટાળમાં ધરબાયેલી
હોવાના કારણે ખનિજ રોયલ્ટીની આવકમાં કચ્છ જિલ્લો રાજ્ય સ્તરે અગ્રેસર રહે છે. ઔદ્યોગિક
અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની વિસ્તરેલી ક્ષિતિજો, રીઅલ એસ્ટેટ
માર્કેટમાં જોવા મળતી તેજીના કારણે દરસ્તાવેજી નોંધણીમાં આવેલો ઉછાળો અને સ્ટેમ્પ ડયૂટી
વસૂલાતમાં વૃદ્ધિનાં કારણે કચ્છમાં આવકનો ગ્રાફ સડસડાટ રીતે ઊંચે ચડયો છે. કચ્છમાંથી
ખાસ્સી એવી રકમ જમીન ભાડું, પેનલ્ટી પ્રીમિયમ, બિનખેતી જમીન આકારણી, વીજળી કર સહિતનાં માધ્યમથી સરકારી
તિજોરીમાં જમા થઈ રહી છે.
ગ્રીન એનર્જી હબ
કચ્છ હવે ઔદ્યોગિક વિકાસની સાથે ગ્રીન એનર્જીનું વૈશ્વિક હબ
બની રહ્યંyં છે. અદાણી અને રિલાયન્સ જેવા મોટા ગજાના
ઉદ્યોગગૃહો દ્વારા કચ્છના રણમાં મોટા સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેના કારણે
કચ્છ હરિત ઊર્જાનું વૈશ્વિક હબ બની રહ્યું છે. આ તમામ પરિબળો જોતાં આગામી સમયમાં કચ્છમાં
આવકનો ગ્રાફ હજુ ઊંચે ચડશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.
સુવિધાઓમાં અગ્રતા ન મળ્યાનો ખટકો
સરકાર માટે કચ્છ એ કમાઉ દીકરો હોવાનું આવકના સતત ઊંચકાતા આંક
પરથી દેખાઈ રહ્યું છે. આવકમાં કચ્છ અગ્રેસર છતાં કચ્છને સુવિધા આપવામાં અગ્રતા મળતી
ન હોવાનો કચવાટ ખટકારૂપે વ્યક્ત થતો જોવા મળી રહ્યો છે.
કચ્છમાં સરકારી તિજોરીમાં જમા થતી આવક
* કેન્દ્ર-રાજ્ય સરકારમાં જમા થતો વેરો - 3600 કરોડ
* ખાણ-ખનિજની આવક - 400 કરોડ
* સ્ટેમ્પ ડયુટીની આવક - 200 કરોડ
* અન્ય વિભાગોની આવક - 150 કરોડ
આ ઉપરાંત અન્ય આવકનો સ્રોત પણ કચ્છમાં નોંધાઈ રહ્યા છે