• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

જર્જરિત મિલકતો તંત્રની નજરથી દૂર

ભુજ, તા. 7 : શહેરના પાંચ નાકા પૈકીનાં સરપટ નાકા પાસે આવેલી ઐતિહાસિક મિલકતો ધરતીકંપમાં ધ્વસ્ત થયા પછી એ જ હાલતમાં જોખમી ઊભી છે. અઢી દાયકા જેટલો સમય વિત્યો છતાં સરકારી તંત્રની નજર અહીં હજુ સુધી નથી પડી તેવું જાગૃત લોકો જણાવી રહ્યા છે. વરસાદની સિઝન ચાલુ છે, શહેરની જોખમી બાંધકામવાળી મિલકતોના સમાચાર દૈનિકપત્રોમાં છપાય છે છતાં તંત્ર એ મિલકતોને તોડી પાડવાની કોઈ પણ જાતની કામગીરી કરવા આગળ આવતું નથી. સરપટ નાકા પાસે જૂની જ્યુબિલી હોસ્પિટલનાં જોખમી બાંધકામથી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં લોકોની સાવચેતી માટે  હોસ્પિટલનું જર્જરિત માળખું તોડી પાડવું જરૂરી છે. આ ઉપરાંત ખાસ જેલની ઊંચી દીવાલ પણ ભૂકંપનો માર ખાધેલી છે, તે પણ જોખમી બની છે. રહેણાકના વિસ્તારમાં આ રીતે ઊભેલી દીવાલો કયારેક અકસ્માત સર્જી શકે છે. આજ વિસ્તારમાં પોલીસ ક્વાર્ટર આવેલાં હતાં, તે મકાનો પણ જી-5ની કેટેગરીમાં સામેલ હોવા છતાં તંત્ર તેને દૂર કરવાની કામગીરી કરતું નથી. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર કામમાં પકડાયેલાં વાહનો જાહેર માર્ગ પર પાર્કિંગ થતાં હોય છે. નવાં બનેલાં નાકાની સારસંભાળ ન કરાતી હોવાથી નાકાની હાલત પણ જર્જરિત થવા માંડી છે, અહીં પુરુષોત્તમ દયાળ બગીચાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે, નગરપાલિકા દ્વારા બનેલાં શૌચાલયને તાળાં લાગેલાં છે, ત્યારે લોકોએ બગીચાની ખુલ્લી જમીનને મૂતરડીમાં ફેરવી નાખી છે, બગીચામાં જવાના માર્ગમાં બે સાઈડમાં લારી - ગલ્લાવાળાએ દબાણ કર્યું છે, બગીચાના બહાર પેસેન્જર ગાડીઓ અડિંગો જમાવે છે. સરપટનાકા પાસે કાયમી ટ્રાફિક પોલીસની હાજરી જરૂરી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

Panchang

dd