• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

પાવરપટ્ટીમાં મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 7 : જેઠ માસથી આભ ભણી મીટ માંડી બેઠેલા લોકોને આષાઢના આખરે મેઘરાજાની મહેર મળ્યા પછી પાવરપટ્ટી પંથકનો સીમાડો રાત-દિવસ વાવણી કાર્યથી ધમધમી ઊઠયો છે. છેલ્લા એકાદ દાયકાથી પંથકમાં એરંડાના પાકના સારા ઉત્પાદનને લઇ ચાલુ સાલે પણ મોટાભાગના લોકો વાવણીમાં દિવેલાની પસંદગી કરી છે. પાવરપટ્ટી પંથકની જમીન ફળદ્રુપ છે, પરંતુ પેટાળમાં મીઠાં જળ ઉપલબ્ધ નથી. અહીં ખેતીનો ધંધો ધીરેધીરે ઘટી રહ્યો છે. તેમ છતાં સારા વરસાદ પછી વિસ્તારની જમીનમાં લોકો ધાર્યું ઉત્પાદન મેળવવા માટે ભારે મહેનત આદરે છે. ચાલુ ચોમાસામાં મેઘરાજા મોડે મોડે મહેરબાન થયા પછી છેલ્લાં થોડા દિવસ અગાઉ અઢીથી ત્રણ ઇંચ વરસાદ થતાં ઉઘાડ નીકળતાંની સાથે સીમાડો રાત-દિવસ વાવણીના કાર્યથી ધમધમી ઊઠયો છે. આમ તો આ પંથકની જમીન લગભગ પાક માટે માફક આવે છે તેમ છતાં રોકડિયો ગણાતો એરંડો આ વિસ્તારમાં ભારે અડીખમ છે. તેથી જ છેલ્લાં કેટલાંક વર્ષથી લોકો આ પાકની પ્રથમ પસંદગી કરે છે. ઉપરાંત મગ, ગુવાર, તલ જેવા પાકોની પણ થોડી વાવણી થઇ છે. અહીંથી પૂર્વે સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે થાન જાગીર વચ્ચેના વિસ્તારમાં અંદાજે 80થી 90 હજાર એકર ખેડવાણ જમીન છે. વળી છેલ્લાં કેટલાક વર્ષથી ગૌચર અને અન્ય સરકારી જમીન પર ભારે દબાણ થઇ જતાં ખેડવાણ વિસ્તારમાં મોટો વધારો થયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પંથકમાં રુદ્રમાતા, કાયલા, નિરોણા, ભૂખી ઉપરાંત અનેક નાની સિંચાઇ યોજનાની સવલત છે. હજુ ચોમાસાની સિઝન બાકી છે. આ દરમ્યાન એકાદ-બે વખત સારો વરસાદ થાય અને આ યોજનાઓના ડેમો છલકાય અને શિયાળાની શીત મોસમમાં બેથી ત્રણ પાણી મળે તો એરંડાનો પાક ધાર્યું ઉત્પાદન આપી શકે છે અને એ જ કારણોસર વિસ્તારમાં મોટાપાયે એરંડાની વાવણી થઇ રહી છે. દરમ્યાન છેલ્લાં કેટલાંક વર્ષથી પંથકમાં એરંડાના વિક્રમી વાવેતર બાદ ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે. તો વળી સામે બજારભાવ પણ રૂા. 2600થી 2800 પ્રતિ મણે (40 કિલોના) જળવાઇ રહ્યા છે. ચાલુ સિઝનમાં લોકોની અપેક્ષા મુજબ પંથકના જીવાદોરી સમાન ડેમો ભરાય તો આ વિસ્તારમાં ફરી એકવાર એરંડો પ્રધાન બની શકે છે.

Panchang

dd