• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

મિલકત વેચાણમાં ઝડપ લાવતા મહત્ત્વના મહેસૂલી નિર્ણયો

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 7 : મહેસૂલી તંત્રમાં થતા રોજબરોજના ફેરફારની નોંધો હવે ઇ-ધરામાં ઓનલાઇન કરવાનો નિયમ બન્યો છે, પરંતુ અંતિમ નોંધ પહેલાં અત્યાર સુધી લાંબા અંતરના નિયમોના કારણે અરજદારો અનેક આંટી-ઘૂંટીમાં ફસાઇ જતા, હવે તેમાંથી બચવા સરકારે નિયમો સરળ બનાવ્યા છે, જે મુજબ ઓછામાં ઓછા એક દિવસ અને વધુમાં વધુ અઠવાડિયામાં નોંધ પડી જશે. આ વ્યવસ્થા ગોઠવવાના મહેસૂલ તંત્રના મોટા નિર્ણયથી એક સમસ્યાનો અંત આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખાસ કરીને ત્રણ પ્રકારના નિર્ણયો અરજદારોના હિતમાં લેવામાં આવ્યા છે. આ અંગે કચ્છના કલેક્ટર અનિલ રાણવાસિયાએ નવા પરિપત્રમાં ફેરફારને સમર્થન આપ્યું હતું. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અત્યારે સૌથી મોટી વાત એ છે કે, 135-ડી પ્રમાણે દસ્તાવેજ વેંચાણ નોંધોને પ્રમાણિત કરવા 30 દિવસની મુદત આપવામાં આવતી હતી. આ સમયગાળામાં કોઇ વાંધા લે તો નોંધ અટકી જાય તેમ હોવાથી સાચા અરજદારોને મિલકતો વેચાણ કર્યા પછી ક્યારેક મુશ્કેલી ઊભી થતી હતી.

કયા પ્રકારની નોંધો

ખાસ કરીને ખેતીવાડી સહિતની મિલકતોનું વેચાણ દસ્તાવેજ થાય તો નિયમ પ્રમાણે એ જ દિવસે મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં વેચાણ નોંધ કરાવવાની હોય છે. આવી વેચાણ નોંધોવારસાઇ નોંધ, બેન્કોના બોજા કમી કરાવવાની નોંધો, હક્કપત્રક, હુકમી નોંધો વગેરેની વ્યવસ્થા ઇ-ધરા કેન્દ્રમાં દૈનિક ધોરણે થતી હોય છે.

રોજ 300 નોંધ

કચ્છની તમામ તાલુકા મથકોએ આવેલી મામલતદાર કચેરીઓમાં દરરોજ આવી ઓનલાઇન નોંધ પાડીને 7/12 સહિતના ઉતારાઓમાં શું ફેરફાર છે તેની વિગતો સાથે અરજદારને આપવામાં આવે છે. કલેક્ટર તરફથી મળેલી વિગતો પ્રમાણે કચ્છમાં દરરોજ આવી અંદાજે 300 નોંધ પાડવામાં આવે છે.

ત્રણ ફેરફાર થયા

તેમના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં મિલકતો તબદિલી થઇ હોય અને કોઇ પ્રકારના કેસ-વાંધા વગેરે ન હોય તેવા કિસ્સાઓમાં હવે એક જ દિવસમાં નોંધને બહાલી આપવાનો નિર્ણય લેવાનો હોય છે. ઉપરાંત અગાઉ જે વાંધા લેવાનો સમયગાળો 30 દિવસનો હતો, તેના બદલે વેચાણ થવાને 7 દિવસમાં પુરાવા સાથે વાંધા લઇ શકાય છે. વેચાણના કિસ્સાઓમાં જેટલી વ્યક્તિઓના નામ હોય તેને લાગુ પડી શકે છે, પરંતુ જો 7 દિવસમાં કોઇ વાંધા નથી આવ્યા તો પ્રમાણિત કરનાર અધિકારીને નોટિસ બજાવ્યા પછી નિર્ણય લઇ શકે છે. મિલકતોમાં બેન્કના બોજા હોય અને તે દૂર કરવાની પુરાવા સાથે અરજી આવે તો તેવા કિસ્સાઓમાં 30 દિવસની મુદત અગાઉ હતી, તેના બદલે 10 દિવસની મુદત આપવામાં આવી છે. નહિતર 10 દિવસમાં બોજા નોંધો ક્લિયર કરી દેવાનો પણ નિર્ણય લઇ લેવાનું મહેસૂલ વિભાગે જણાવ્યું છે. 1972ના આ મહેસૂલી નિયમો હતા, તેમાં સુધારો કરવામાં આવ્યો છે. બેન્ક દ્વારા ઓનલાઇન બોજો બનાવવાની એન્ટ્રી અને બેન્ક દ્વારા ઓનલાઇન બોજો બનાવવામાં આવ્યો હોય તેવા બોજાઓ દૂર કરવાના કિસ્સામાં છેલ્લી સૂચનાની સેવાની તારીખથી 10 દિવસની અંદર વાંધો ઉઠાવવામાં આવશે. મ્યુટેશન એન્ટ્રી સામે વાંધો મ્યુટેશન એન્ટ્રીની તારીખથી 7 દિવસની અંદર ઉઠાવવામાં આવશે. રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અંગે મ્યુટેશન એન્ટ્રી જ્યાં વેચાણ દસ્તાવેજના અમલ પહેલાં એક વર્ષની અંદર અધિકારોના રેકોર્ડમાં કોઇ ફેરફાર થયો હોય અથવા પાવર ઓફ એટર્ની ધારક દ્વારા કરવામાં આવેલા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અંગે મ્યુટેશન એન્ટ્રી અથવા જમીન સંબંધિત કોઇ પણ વિવાદ, કાર્યવાહી અથવા મુકદમા વેચાણ દસ્તાવેજ બનાવ્યાની તારીખે કોઇ પણ સક્ષમ અધિકારી, કોર્ટ અથવા ટ્રીબ્યુનલ સમક્ષ પેન્ડિંગ હોય, પરંતુ કોડની કલમ 135-ડી મુજબ ઉપરોક્ત ઉલ્લેખીત સિવાયના પરિવર્તનો માટે વાંધો ઉઠાવવાનો સમયગાળો કોડની કલમ 135-ડી (2)ની પેટા કલમ-2માં ઉલ્લેખીત મુજબ તેમાં રસ ધરાવતી વ્યક્તિઓને છેલ્લી નોટિસ મોકલવાની તારીખથી 30 દિવસનો રહેશે. કલમ 135-ડી હેઠળ ઇલેક્ટ્રોનિક રીતે નોટિસ બજાવવા માટે નીચેની પ્રક્રિયા અનુસરવામાં આવશે. એટલે તેમાં રસ ધરાવતી તમામ વ્યક્તિઓના ઇ-મેલ સરનામા અરજી ફોર્મમાં આપેલા મુજબ હશે. કોડની કલમ 135-ડી હેઠળ નોટિસની પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) નકલ ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઇ વાંધો ઉઠાવવામાં નહીં આવે તો નિર્ણય લેવામાં આવશે.

Panchang

dd