• સોમવાર, 27 જુલાઈ, 2026

સોલાર લેનારા ગ્રાહકોના કરોડોના રિફંડ બાકી

ભુજ, તા. 25 : પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ લેવા દેશની સાથે કચ્છમાં પણ મોટાપાયે અપીલ કરવામાં આવી હતી જેના આધારે કચ્છમાં જાગૃતિ આવી ને અત્યાર સુધી અંદાજે 35 હજાર જેટલા ઘર વપરાશના ગ્રાહકોએ રૂફટોપ લગાવી સૌર ઊર્જાનાં જોડાણ મેળવ્યાં હતાં. એક વખત સોલાર જોડાણ મેળવનારા ગ્રાહકોને અલગ-અલગ કેટેગરીમાં સબસિડી મળતી હોવાથી અને બચત થતાં વીજ યુનિટની વીજતંત્ર દ્વારા સામે રકમ આપવામાં આવતી હોવાના કારણે એક વખતનું રોકાણ કર્યા બાદ ફાયદો મળશે તેવી આશા જાગી હતી. પરંતુ કેટલાક ગ્રાહકોએ કાર્યલયમાં રૂબરૂ આવી પોતાના બિલ દેખાડયાં ને કહ્યું કે, અમારી રકમ જમા થઇ છે તે બિલમાં દર્શાવવામાં આવે છે, પરંતુ બેંક ખાતાંમાં જમા થતી નથી. કચેરીમાં વારંવાર ધક્કા ખાઇ આવ્યા તો બેંકમાં રકમ આવી જશે તેવી મહિનાઓથી ધરપત આપવામાં આવે છે. ગ્રાહકોએ જણાવ્યું કે, છ-છ મહિનાથી બિલમાં જમા થયેલી રકમ બેંક ખાતાંમાં આવતી નથી. ખાસ કરીને આ તો શહેરોના ગ્રાહકોને જમા રકમ લેવામાં નાકે દમ આવી જાય છે, તો ગામડાંના ગ્રાહકોની કોઇ ધા સાંભળવાનું નથી, કેમ કે દરેક ગામડાંમાં તો પી.જી.વી.સી.એલ.ની કચેરીઓ નથી. 20-25 કિ.મી. દૂર અમારી રકમ માટે વારંવાર ધક્કા કેમ ખાવા તેવા સવાલો કરવામાં આવ્યા હતા. ગ્રાહકોની ફરિયાદના આધારે તપાસ કરતાં આ સમસ્યા આખા કચ્છમાં હોવાનું સામે આવ્યું હતું. ક્યાંક જવાબદારીની પણ ફેંકાફેંક કરી ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપવાને બદલે બેંકમાં તપાસ કરતા રહેજો, પૈસા આવી જશે... તપાસ કરતાં જાણવા મળ્યું કે કચ્છમાં ભુજ અને અંજાર પી.જી.વી.સી.એલ.ના બંને સર્કલ હેઠળ અંદાજે 35,000 જેટલા રૂફટોપ સોલાર ગ્રાહકો જોડાયેલા છે જેમાંથી 15 હજાર ગ્રાહકો એવા છે જ્યાં તેમને રિફંડ આપવાની જરૂર પડે તેમ નથી. કેમ કે, જેટલું ઉત્પાદન કરે છે તે સરેરાશ વીજળી વાપરી નાખતા હોવાથી બંને બિલ મોટાભાગે સરખાં આવતાં હોય છે. બાકીના 20 હજાર જેટલા ગ્રાહકોને રિફંડ આપવાનું હોય છે અને મળેલી માહિતી પ્રમાણે આવા નાના ગ્રાહકો જે પોતાની વીજળી વાપરીને ઉત્પાદનમાં પણ બચત કરતા હોય છે તેવા ગ્રાહકોને વર્ષે રૂા. 12 કરોડની રકમ ચૂકવવાની થતી હોય છે. બાર કરોડની રકમમાંથી મોટાભાગના ગ્રાહકોના 4 હજારથી માંડી 10 હજાર કે 12 હજારની રકમ ચૂકવવાની થતી હોય છે, પરંતુ સમયસર બેંકમાં જમા નહીં થતાં ગ્રાહકો કહે છે કે, અમારી ધીરજ ખૂટી જાય ત્યાં સુધી નાણાં પરત આપવામાં આવતાં નથી. એક સામાન્ય ગ્રાહક જો વીજબિલ ન ભરે તો તેનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતું હોય છે, પરંતુ અમારા નીકળતા નાણાં ચૂકવવામાં તંત્ર શા માટે વિલંબ કરે છે તેવો સવાલ પણ કર્યો હતો. દરમ્યાન ભુજ સર્કલના વડા જે. કે. ગોસ્વામીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, 31 માર્ચ સુધી હિસાબ થઇ જાય છે ને મે-જૂનમાં રિફંડ ચૂકવી દેવામાં આવે છે અને બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે, હિસાબ વર્ષમાં એક જ વખત થાય છે. 

Panchang

dd