ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ-આદિપુરમાં 63 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે બની રહેલા ત્રણ
માર્ગ લોકો માટે રીતસર મુસીબત બની રહ્યા છે. કામ ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યું છે. લાંબો
એવો સમય વીતી ગયો છતાં કામોમાં કોઈ પ્રગતિ થતી નથી. તેના કારણે લોકોને તેમજ વાહનચાલકોને
મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. - ગૌરવપથ માર્ગ : ગાંધીધામના
ગોપાલપુરીથી ઓસ્લો સર્કલ થઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 20 કરોડ રૂપિયાના ખર્ચે ગૌરવપથ માર્ગ બનાવવામાં
આવી રહ્યો છે. આ રોડ ઉપર નાળાંની બાજુમાં જ પાણી નિકાલની વ્યવસ્થા માટે 1200 એમએમ ડાયાના પાઇપ નાખવામાં આવ્યા છે, તેમાં પણ આગળ જતા પાઇપના ડાયા
ઘટાડવામાં આવ્યા હતા. તત્કાલીન કમિશનર મનિષ ગુરુવાણી આ આદર્શ, આઈકોનિક અને ગૌરવપથ માર્ગ બનાવવા માગતા હતા ને તે દિશામાં તેમણે કાર્યવાહી
પણ શરૂ કરી હતી, પરંતુ લાંબો સમય વીતી ગયો છે, માર્ગનું કામ બંધ અવસ્થા જેવું છે. ઘણી જગ્યાઓ પર ખોદકામ કરીને રાખી દેવામાં
આવ્યું છે, તો ઘણી જગ્યાઓ ઉપર તેમાં કાંકરીની ભરતી કરાઈ છે. આ
બધી સમસ્યાઓને લઈને શક્તિનગર સહિતના વિસ્તારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો
છે. આ ઉપરાંત ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાઇ રહે છે, રોડનું કામ
ક્યારે પૂર્ણ થશે તે ખુદ જવાબદારો પણ કહી શકતા નથી. રોડનાં કામ ઉપર એન્જિનીયરો ડોકાતા
નથી, પરિણામે કામની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર
ધીમી ગતિએ કામ કરી રહ્યા છે છતાં કોઈ પગલાં ભરાતાં નથી તેનું પરિણામ લોકોને ભોગવવું
પડી રહ્યું છે. - રામપથ
રોડનું કામ ધીમું : હિરાલાલ
પારેખ સર્કલથી સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા સુધી રૂપિયા 20 કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરવામાં આવી
રહ્યું છે, લાંબા સમયથી કામ ગોકળગાયની ગતિએ ચાલે છે, અગાઉ ગટર લાઈનની
સમસ્યા ઊભી થઈ હતી ત્યારપછી કોન્ટ્રાક્ટરની પોતાની સમસ્યાઓએ માર્ગ ઉપર ડામર પથરાયો
નહીં, જે ફૂટપાથ સહિતની કામગીરી થઈ રહી છે તેની ગુણવત્તા સામે
સવાલો ઊભા થયા છે અને એક જગ્યાએ લેવાલિંગ વગરનું કામ થયું છે. - હોસ્પિટલ રોડ ખરાબ : 23 કરોડના ખર્ચે કોલેજ સર્કલથી હિરાલાલ પારેખ સર્કલ
સુધી રામબાગ હોસ્પિટલવાળા માર્ગનું કામ લાંબા સમયથી કાચબાની ચાલે થઈ રહ્યું છે. અહીં
રોડની બંને બાજુ ખોદકામ કરવામાં આવ્યું છે, ગટર લાઈન નાખવા સહિતની કામગીરી કરાઈ રહી છે. ઘણા લાંબા સમય
સુધી કામ રોકાયેલું હતું, ગમે ત્યારે માર્ગ બંધ કરીને ખોદકામ
કરવામાં આવે છે, તેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે
છે. કામગીરી દરમિયાન પાણી તેમજ ગટરની લાઈનો પણ તૂટી રહી છે, સરકારી
સંપત્તિને પણ નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને વરસાદમાં આ રોડ ઉપરથી એમ્બ્યુલન્સને રામબાગ
હોસ્પિટલ જવું મુશ્કેલ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકામાં એન્જિનીયરોની આખી
ફોજ છે, પરંતુ સ્થળ ઉપર કોઈ ડોકાતા નથી. આઉટસોર્સના ઇજનેરો અન્ય
બિનજરૂરી મામલાઓમાં પડયા રહે છે મુસીબત બનેલાં કામો ગુણવત્તા સાથે પૂરાં થાય તે દિશામાં
પગલાં ભરવાં જોઇએ, પરંતુ આવું થતું નથી તેના પરિણામે લોકોને હેરાનગતિનો
સામનો કરવો પડી રહ્યો છે. - 12.50 કરોડના બે માર્ગનાં અધૂરાં કામો મુશ્કેલી સર્જી
રહ્યા છે : શહેરની મધ્યમાં આવેલો શિવાજી પાર્ક બગીચાવાળો
માર્ગ રૂા. 5.50 કરોડના ખર્ચે બનતાં માર્ગનું કામ લાંબા સમય
સુધી બંધ રહ્યા પછી શરૂ થયું, તો પણ કાચબાની ચાલે થઈ રહ્યું છે. ગુણવત્તા સામે સવાલો છે,
કામ બરોબર થતું નથી તેવા આક્ષેપો છે તેમ છતાં તપાસ કરવાની કોઈ તસ્દી
લેતું નથી. અધૂરાં કામથી લોકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં
પગલાં ભરાતાં નથી. જ્યારે જૂની કોર્ટ રોડ ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા સુધીના
માર્ગમાં અનેક ક્ષતિઓ હોવાના આક્ષેપો છે, તેમની ગુણવત્તા બાબતે
પણ સવાલો ઉઠયા છે, રોડ ઉપર ડામર પાથરી દીધો છે, પરંતુ હજુ પણ એક ભાગ બાકી છે. નાળું સાફ રાખીને ઉપર ઢાંકણા ઢાંકવાના હતા તેની
ઉપર પેવરબ્લોક લગાડવાના છે. તે મોટાભાગનું કામ પૂર્ણ થયું છે. ગુણવતા તપાસી રૂપિયાનું
ચુકવણું કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.