ગાંધીધામ, તા. 19 : ગાંધીધામમાં જૂની કોર્ટની સામે
પીજીવીસીએલના સીએસઆર હેઠળના ફંડમાંથી 5.50 કરોડ રૂપિયાના ખર્ચે વેજિટેબલ માર્કેટ બનાવવાની છે, પરંતુ કામગીરી કાચબાની ચાલે થઈ રહી છે અને કામની
ગુણવત્તા બાબતે સવાલો ઊઠી રહ્યા છે. આ બધી બાબતો વચ્ચે વેપારીઓને મુસીબતનો સામનો કરવો
પડી રહ્યો છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી 1 જાન્યુઆરી, 2026ના આદિપુર
વોર્ડ 1-એમાં અઢી કરોડના ખર્ચે શાકમાર્કેટ બનાવવાનો
પાયો નાખ્યો હતો, તે જ દિવસે
જૂની કોર્ટ સામે જર્જરિત વેજિટેબલ માર્કેટને તોડીને તેની જગ્યાએ 5.50 કરોડના ખર્ચે 48 દુકાન, 36 સ્ટોલ અને
64 થડા બનાવવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. ત્યાર પછી થોડાક સમય
માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તત્કાલીન સમયે વેપારીઓ સાથે વાતચીત દરમિયાન
કમિશનરે દિવાળી સુધીમાં માર્કેટ તૈયાર થઈ જશે અને વેપારીઓને દુકાનો તેમજ સ્ટોલ સોંપવામાં
આવશે તેવું કહ્યું હતું. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં સાત મહિના જેટલો સમયગાળો
વીતી ગયો છે. પાયા ખોદીને કોલમ ભરવાની કામગીરી થઈ રહી છે. અત્યંત ધીમી ગતિએ કામ થઈ
રહ્યું છે તેનું પરિણામ વેપારીઓને ભોગવવું પડી રહ્યું છે. અહીંના વેપારીઓને દુકાનો
ભાડે મળતી નથી અને જે વેપારીએ દુકાનો ભાડે લીધી છે તેમણે ઘણું ભાડું ભરવું પડે છે.
ગાંધી માર્કેટ ખાલી કરાવવામાં આવી છે, ત્યાર પછીનું કોઈ આયોજન
કરવામાં આવ્યું ન હોવાથી તેના વેપારીઓની સ્થિતિ પણ આવી જ છે. તંત્ર વિકાસનાં કામો કરે
તેની સામે વેપારીઓને કોઈ સમસ્યા નથી, વેપારીઓ સાથ આપી રહ્યા છે,
પરંતુ તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે તેનું પરિણામ વેપારીઓને ભોગવવું
પડી રહ્યું છે. ધંધા-રોજગાર મુશ્કેલ બન્યા છે. માર્કેટ બનાવવાનું કામ કાચબાની ચાલે
થઈ રહ્યું છે અને ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરે છે,
પરંતુ નિર્ણયો લેવાતા નથી, જેના કારણે મુશ્કેલીઓ
વધી રહી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. - વેપારીઓ બેરોજગાર બન્યા : વેજીટેબલ માર્કેટ ખાલી કરાવીને તેને તોડી
પાડીને નવીનીકરણ કરાય છે ગાંધી માર્કેટ ખાલી કરાવવામાં આવી છે. મોંઘવારી ના પગલે દુકાનો
ના ભાડા વધી ગયા છે આ ઉપરાંત અનેક વિસ્તારોમાં દુકાનો પણ ભાડે મળતી નથી જેના પગલે આ
બંને જગ્યાઓએ થી વેપારીઓએ દુકાનો અને થલ્લાઓ ખાલી કર્યા પછી અન્ય જગ્યાએ દુકાન ન મળતા
ઘણા વેપારીઓ બેરોજગાર બન્યા છે. ઘર ચલાવવું મુશ્કેલ છે વહીવટી તંત્ર યોગ્ય પગલા ભરે
અને ઝડપથી નિર્ણયો લઈને કામગીરી કરે તેવી વેપારીઓએ માંગ કરી હતી.