સૈદ્ધાંતિક મંજૂરી
બાબતે સવાલો ઊઠયા, ગાંધીધામમાં ખુલ્લાં નાળાંને પેક કરવાનું સુરાતન ચડયું,
બિનજરૂરી રૂપિયાના વેડફાટ સામે સવાલો
ગાંધીધામ, તા. 12 : ગાંધીધામના રાષ્ટ્રીય
ધોરીમાર્ગ ઉપરના રેલવે બાજુનાં ખુલ્લાં વરસાદી નાળાંને પહોળું કરીને કવર્ડ પેક બનાવવા
માટે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચવાનું શરૂ કર્યું છે. વર્ષોથી આ ખુલ્લાં નાળાંમાં
પાણી કંડલાની ખાડી સુધી જતું હતું. એન્જિનીયરોને આ નાળું પેક કરવાનું સુરાતન ચડતાં
કરોડો રૂપિયા ખર્ચવાનું આયોજન ઘડીને કામ પણ શરૂ કરાવી દીધું છે, જો કે, હવે રૂપિયાનો
ખર્ચ ઓછો થાય તે માટે પદાધિકારીઓએ થોડું નિયંત્રણ પણ કર્યું છે. અહીં પુલની બાજુમાં
રાષ્ટ્રીય ધોરીમાર્ગનું વરસાદી નાળું છે અને તેની સામેની બાજુ ખુલ્લું વરસાદી નાળું
છે. દર ચોમાસાંમાં આ બંને નાળાંમાંથી વ્યવસ્થિત રીતે પાણીનું વહન થાય છે. જોડિયા શહેરોનાં
વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવાના બદલે એન્જિનીયરોએ પોતાની ઉત્તમ બુદ્ધિનો ઉપયોગ
કરીને જે રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ખુલ્લાં વરસાદી નાળાંમાંથી વર્ષોથી પાણીનો નિકાલ થાય
છે, તેને કરોડો રૂપિયાના ખર્ચે કવર્ડ પેક નાળું બનાવવાનું આયોજન
કરી રૂપિયા ખર્ચવાનું શરૂ કર્યું છે. સરકાર ગાંધીધામના વિકાસ માટે રૂપિયાની ફાળવણી
કરે છે એટલે જેટલા રૂપિયા આવે એ ખર્ચીને જ રહેવું તે યોગ્ય નથી. બિનજરૂરી રૂપિયાના
વેડફાટ ઉપર નિયંત્રણ જરૂરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વરસાદી નાળાંની વ્યવસ્થિત સાફસફાઈ
કરવામાં આવે તો તેમાંથી પાણીનો નિકાલ થાય જ છે, કોઈ સમસ્યા આવતી
નથી. પાણી ભરાવાની ગાંધીધામ- આદિપુરમાં સર્જાતી
સમસ્યાનું સમાધાન શોધવામાં મહાનગરપાલિકાના હાલના એન્જિનીયરો સાવ નિષ્ફળ હોવાનો
આક્ષેપ લોકો કરી રહ્યા છે. તેની સામે તંત્ર પગલાં પણ ભરી શકતું નથી. તાજેતરમાં અડધો
ઇંચ વરસાદ પડ્યો, તેમાં ભારતનગર સહિતના વિસ્તારોમાં ગોઠણ ડૂબ
પાણી ભરાયાં હતાં. લોકો હેરાન થયા હતા. સમસ્યાનું સમાધાન શોધવાના બદલે એન્જિનીયરો જ્યાં
પાણીનો નિકાલ થઈ રહ્યો છે ત્યાં કરોડો રૂપિયાનો વ્યર્થ ખર્ચ કરી રહ્યા છે. અંદાજિત
પાંચથી નવ કરોડ રૂપિયાના ખર્ચે અહીં નવીનીકરણ કરવામાં આવી રહેલાં વરસાદી નાળાંની સૈદ્ધાંતિક
મંજૂરી બાબતે પણ સવાલો ઊઠી રહ્યા છે. સરકારમાંથી તેમજ જરૂરી વિભાગોમાંથી મંજૂરી લીધા
પછી નાળું બને છે કે નહીં તે બાબતો ઉપર પણ સવાલો છે, તેની તપાસની
માંગ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
નાળું ઉપરથી પેક
કરવાની ના પાડી છે : ચેરમેન
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠને
આ અંગે પૂછતાં તેમણે લગભગ છ કરોડ અથવા તો તેથી વધુ રકમના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં
નાળાંનું નવીનીકરણ કરાય છે, તેમાં ઉપર કવર પેક કરવાની ના પાડવામાં આવી છે, જેથી રૂપિયાની
બચત થશે અને કવર્ડ પેક નાળાં જે સમસ્યા ઊભી
થવાની છે તે પણ દૂર થવાની સંભાવના છે, તેમ કહીને વર્ષોથી આ નાળાંમાં
પાણીનો નિકાલ થતો જ રહ્યો છે. હવેથી વ્યવસ્થિત આયોજન સાથે જ કામો કરાશે, જેથી બિનજરૂરી રૂપિયાનો ખર્ચ પણ બચી શકશે તેમ જણાવ્યું હતું.