• રવિવાર, 26 જુલાઈ, 2026

કચ્છમાં વેગીલા વાયરાનું સામ્રાજ્ય

સતત ચોથા દિવસે 25થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, હજુ બે દિવસ જોર રહેશે

ભુજ, તા. 12 : કચ્છમાં વરસાદના વિરામ વચ્ચે ધૂપછાંવનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની જોવાતી વાટ વચ્ચે વેગીલા વાયરાએ છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. હજુ બે દિવસ તીવ્ર ઝડપે પવન ફૂંકાવાનું યથાવત્ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, મુંદરા, અંજાર સહિતના વિસ્તારમાં 25થી 30 કિ.મી.ની ઝડપે વેગીલો વાયરો ફૂંકાવાનું જારી રહેતાં વ્યાપક પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઊડી હતી. સતત ઊડતી ધૂળની ડમરીના કારણે સૌથી કફોડી સ્થિતિ વાહનચાલકો અને રાહદારીઓની થઇ હતી. હવામાન વિભાગના મતે ભુજમાં 20થી 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો તો દરિયાઇ અને રણકાંધીના વિસ્તારમાં એક સમયે પવનની ઝડપ વધીને 35થી 40 કિલોમીટરે પહોંચી હતી. પવનનાં કારણે જખૌ સહિતના કાંઠે દરિયામાં ઊંચા મોજાં ઉછળ્યાં હતાં. વેગીલા વાયરાના કારણે કપાસ, મગફળીના નાના કુમળા છોડને નુકસાની થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક વૃક્ષો પવનની ગતિ સહન ન કરી શકતાં ધરાશયી થયાના બનાવો પણ બન્યા હતા મહત્તમ તાપમાન ગગડવાના કારણે ગરમીમાં રાહત મળી, પણ ભેજની નોંધનીય હાજરીના લીધે  પવનની અસર છતાં વાતાવરણમાં ઉકળાટ યથાવત્ રહ્યો હતો. આગામી દિવસોમાં નવી સિસ્ટમ બને અને ચોમાસું ફરી સક્રિય થાય તેવી જોવાતી સંભાવના વચ્ચે હાલ તો કચ્છી માડુઓ મેઘવર્ષાના બદલે ધૂળના વરસાદથી ત્રસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. પવનની ઝડપ ઘટશે તો પછી જ વરસાદી માહોલ પુન: સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. ભારે પવનના કારણે સતત બીજા દિવસે જિલ્લામાં વીજ વિક્ષેપ યથાવત્ રહ્યો હતો. શનિવારે જિલ્લામાં વીજ વિક્ષેપથી 1669 જેટલી ફરિયાદો મળી હતી.

Panchang

dd