સમગ્ર ગુજરાતના ત્રણ
પૈકીનું એક ભુજ હાટ હોવાથી મહત્ત્વનું થીમ-બેઝ્ડ મેળાઓ છતાં મુલાકાતીઓ અને કારીગરોનો
પ્રતિસાદ શૂન્ય
પૂર્વી ગોસ્વામી
દ્વારા
ભુજ,
તા. 12 : કચ્છની વિશ્વવિખ્યાત
હસ્તકલાને સ્થાનિક બજાર આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલું ભુજ હાટ તંત્રની ઉપેક્ષા, સંચાલકીય ખામીઓ અને ભૌતિક દુર્દશાના
કારણે પ્રતિસાદ શૂન્ય બની ગયું છે. ગુજરાત સરકારના ઇન્ડેક્ષ-સી એટલે ઇન્ડસ્ટ્રીયલ એક્ષટેન્શન
કોટેજ હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારના હસ્તકલા કારીગરોને સીધું બજાર પૂરું પાડવું,
જેથી વચેટિયાઓ નાબૂદ થાય અને કારીગરોને તેમની મહેનતનું પૂરું વળતર મળે
તે માટે હાટ શરૂ કરાયું હતું. સમગ્ર રાજ્યમાં માત્ર ત્રણ જગ્યાએ હાટ મંજૂર થયા છે,
જેમાં અમદાવાદ પછી હસ્તકલાના ગઢ ગણાતા કચ્છને ભુજ હાટની અણમોલ ભેટ મળી
હતી. પરંતુ જાણે તેને કોઈ ગ્રહણ લાગ્યું હોય એ રીતે જાળવણીના અભાવે કારીગરો અને મુલાકાતીઓના
રૂચિક્ષેત્રમાં નથી આવ્યું.
હાટની કાર્યપદ્ધતિ:
કારીગરોને,
મહિલા સખી મંડળો અને સ્વસહાય જૂથો કે ગ્રામીણ વિસ્તારોના નાના કુટીર
ઉદ્યોગ સાહસિકોને હાટમાં સ્ટોલ ચોક્કસ દિવસો (જેમ કે 15 દિવસ કે 1 મહિનો)
માટે ટોકન ભાડા પર અથવા મફત આપવામાં આવે છે. સમય પૂરો થતાં બીજા કારીગરોને મોકો મળે
છે, જેથી બધાને સમાન તક મળે.
60માંથી અડધા સ્ટોલ જ સુવિધાયુક્ત
લુપ્ત થતી કલાના કારીગરો તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય
એવોર્ડ વિજેતાઓને અહીં નિશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવે છે. સંકુલના કુલ 60 સ્ટોલ પૈકી અડધા સારી સ્થિતિમાં છે, જ્યારે બાકીના સ્ટોલ્સમાં લાઈટ-પંખા
જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. પ્રદર્શન દરમિયાન અહીં રોકાતા કારીગરો માટે ડોરમેટરી
બિસ્માર હાલત, હાટનું બહારનું પ્રાંગણ, મુલાકાતીઓ માટેનું ઓપન સ્ટેજ અને ફૂડ સ્ટોલ એરિયા પણ જાળવણી વગર મરામત માંગે
છે.
આઉટસોર્સ સ્ટાફના ભરોસે હાટ; પ્રચાર-પ્રસારની ખામી :
જવાબદાર કર્મચારી કે અધિકારી કોઈ નથી, પરંતુ આઉટસોર્સિંગથી નિયુક્ત કરાયેલા
એકમાત્ર મેળા સહાયકના ભરોસે હાટની વ્યવસ્થા તથા સફાઈ કામદારો અને સિક્યુરિટી ગાર્ડ
સિવાય અહીં નીતિવિષયક નિર્ણયો અંગે માહિતી આપી શકવા કોઈ વ્યક્તિ હાજર નથી. વર્તમાન
મેળા સહાયક નાઝીર રાયમા જણાવે છે કે, `હાટનું
મુખ્ય કામ કારીગરો અને પ્રદર્શન માટે વ્યવસ્થા પૂરી પાડવાનું છે. પરંતુ જે તે સરકારી
વિભાગો તરફથી જે યોજનાઓ કે પ્રદર્શનો યોજાય છે,
તેના પ્રચાર-પ્રસારની વ્યુહરચના એ વિભાગોએ નક્કી કરવાની હોય છે,
તેઓ પ્રચાર ન કરે તો અનેક સારા પ્રદર્શનો મુલાકાતીઓ વિના નીરસતાથી પૂરા
થઈ જાય છે.
સિક્કાની બીજી બાજુ: કારીગરોએ સ્ટોલને ગોડાઉન બનાવી
દીધા!
નાઝીરભાઈના જણાવ્યાનુસાર કારીગરો પણ ગેરલાભ ઉઠાવી રહ્યા
છે. પ્રદર્શન દરમિયાન કાં તો સ્ટોલ બંધ જોવા મળે છે અથવા તો પૂરતો સમય ખુલતા નથી. ફાળવવામાં
આવતા 20 જેટલા સ્ટોલમાંથી કેટલાક કારીગરો તેનો ઉપયોગ માત્ર
પોતાની હસ્તકલાનો સામાન રાખવા માટે `ગોડાઉન' તરીકે કરી રહ્યા છે. ખૂબ જ નજીવા કે
રાહત દરે સ્ટોલ મળતા હોવાથી કારીગરો માટે અહીં સામાન સંગ્રહવો સસ્તો પડે છે.
અમદાવાદ હાટ સક્સેસ, તો ભુજ હાટને કેમ ગ્રહણ?
અમદાવાદનું વસ્ત્રાપુર ખાતે આવેલું `અમદાવાદ હાટ'
પ્રાઈમ લોકેશન, બારેમાસ અવનવા થીમ-બેઝ્ડ મેળાઓ
અને મજબૂત માર્કાટિંગને કારણે સતત ધમધમે છે. મરામત અને આયોજનના પ્રશ્નો અખબારોના માધ્યમથી
રજૂ થતા આવે છે, પરંતુ વિભાગ જ્યાં સુધી રસ નહીં લે ત્યાં સુધી
પ્રશ્નો વણઉકેલાયેલા જ રહેશે.
વિભાગ અને લોકભાગીદારીથી આવી શકે સુધારો :
નોડલ તરીકે કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નક્કર પરિણામો
લાવી આપે. જાણકારો કહે છે, ભુજ હાટને નિષ્ફળતામાંથી સફળતાના મોડેલમાં ફેરવવા માટે સરકાર, કારીગર અને જનભાગીદારી (ઙઙઙ મોડેલ)ના સહિયારા પ્રયાસો અનિવાર્ય છે. હાટમાં
રહેલા ફૂડ સ્ટોલ્સને સક્રિય કરવામાં આવે. સમયાંતરે હસ્તકલા પ્રદર્શનની સાથે-સાથે સ્થાનિક
લોકસાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય. જેથી પ્રવાસીઓને
મનોરંજનની સાથે કળા જોવાનો મોકો મળે. પ્રવાસન વિભાગની બસો અને ટૂર ઓપરેટર્સ સાથે ટાઈ-અપ
કરી પ્રવાસીઓના રૂટમાં ભુજ હાટનો સમાવેશ કરાવાય. કચ્છના પ્રજાજનો અને સ્થાનિક અગ્રણીઓએ
પણ સરકાર દ્વારા મળેલી આ અણમોલ સુવિધા પ્રત્યે જાગૃતિ અને સક્રિયતા દાખવવી પડશે.