• શનિવાર, 27 જૂન, 2026

નિયમિતતાના અભાવે ભુજમાં 60થી 70 લાખ રૂપિયા કચરામાં

ભુજ, તા. 25 : મહિને 60થી 70 લાખનો ખર્ચ છતાં ભુજ શહેરના અનેક વિસ્તારો કાયમી ગંદકી અને કચરાના ગંજથી પરેશાન રહે છે. ડોર ટુ ડોરની કામગીરી પણ એકાંતરે થતી હોવાથી સ્વચ્છતા ઈચ્છુક લોકો ઘરોમાં કચરો ન રાખી બહાર ફેંકવા મજબૂર બનતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. ભુજ સુધરાઈ દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે મહિને 60થી 70 લાખથી વધુનો ખર્ચ કરાય છે તેમ છતાં શહેરમાં અનેક સ્થળ કચરાથી ખડકાયેલા નજરે પડે છે. છેવાડાના વિસ્તારો તો ઠીક, પણ મુખ્ય માર્ગો અને અનેક કોલોનીઓ પણ સફાઈના અભાવે ગંદકીથી ખદબદતી રહેતી હોવાની ફરિયાદો ઊઠી છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર અમુક વિસ્તારોમાં રાત્રિના ભાગે સફાઈ થાય જેનો કોઈ મતલબ ન રહે કેમ કે, લોકોની અવરજવર મોટાભાગે સવારથી સાંજ સુધી જ રહેતી હોય છે. રાત્રે સફાઈ થયા બાદ સવારે પાછી એ જ ગંદકી મોડી સાંજ સુધી રહે છે, જેથી લોકોને સ્વચ્છતાનો અહેસાસ થતો નથી. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર એકાંતરે કચરો લેવા આવતાં લોકો ઘરનો કચરો બહાર ફેંકવા મજબૂર બનતા હોવાનું પણ જાગૃતોએ જણાવી ઉમેર્યું કે, જો દરરોજ ડોર ટુ ડોર કચરો લેવા આવે તો લોકો બહાર નહીં ફેંકે, જેથી આખેઆખા વિસ્તારમાં સફાઈ જળવાશે, પણ બે દિવસ સુધી કચરો ઘરમાં કોઈ નહીં રાખે, અમુક વિસ્તારમાં કચરાપેટી કે સિમેન્ટની પાટલી પણ નિયમિત રીતે સાફ ન થતાં કચરો-ગંદકી બહારના ભાગે ફેલાતી હોય છે. ભીડ વિસ્તારમાં આવેલી ભુજમાં કોઠાવાળી વંડી, આશાપુરા રિંગરોડ, સુમરા ડેલી પાસે, વાણિયાવાડ શાકમાર્કેટ પાછળ સહિત વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યા છે. આ તમામ બાબતોને કારણે જ ભુજનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 100થી બહાર નંબર આવતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો નિયમિત સફાઈ અને ડોર ટુ ડોરનું દરરોજ કલેકશન થાય તો મોટાભાગના વિસ્તાર સ્વચ્છ રહેશે, પણ આ માટે માત્ર કોન્ટ્રાકટર પર મદાર રાખવાને બદલે સુધરાઈનો સ્ટાફ પણ નિયમિત રીતે વિસ્તારોનું મોનિટરિંગ કરે તે જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે અને 15માંથી 55 કિ.મી.માં અનેક નવી કોલોનીઓ વિકસી ગઈ છે, જ્યાં હજુ સુધી સુધરાઈની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. જો આ બાબતે સાંસદ, ધારાસભ્ય અને સુધરાઈના શાસકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગ્રાન્ટમાં વધારો કરાવડાવે તો શહેરને સ્વચ્છ અને સુંદર બનતાં કોઈ નહીં રોકી શકે તેવું શહેરીજનો જણાવી રહ્યા છે. 

Panchang

dd