ભુજ, તા. 17 : કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં
વસ્તીગણતરી 2027ની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા
સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનના પ્રથમ તબક્કાના ભાગરૂપે
કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ
જણાવ્યું છે કે, આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે. કલેક્ટરે
વિગતો આપતાં જણાવ્યું કે, વસ્તીગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરવામાં
આવશે, જેના ભાગરૂપે 17 મેથી લઈને
31 મે સુધી તમામ નાગરિકો માટે
`સેલ્ફ ઈન્યુમરેશન' એટલે કે સ્વગણતરી/સ્વગણનાની
એક વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે
નાગરિકોએ ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જવાનું રહેશે. ઓનલાઈન સ્વગણતરીની પ્રક્રિયા અંગે કચ્છ કલેક્ટરએ
જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નાગરિકોએ se.census.gov.in પોર્ટલ પર જઈને પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જેના પર એક
ઓટીપી (OTP) આવશે. આ ઓટીપી સબમિટ કર્યા
બાદ ઘર અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગેના કુલ 33 જેટલા પ્રશ્નો આવશે, જેની માહિતી નાગરિકોએ ઓનલાઈન ભરવાની રહેશે.
આ વિગતો ભરીને સબમિટ કરવાથી એક આઈડી (ID) જનરેટ થશે, જેને નાગરિકોએ સાચવી રાખવાની રહેશે. કલેક્ટરે વસ્તીગણતરીની અગત્યતા પર ભાર મૂકતાં ઉમેર્યું
હતું કે, વસ્તીગણતરી એ સરકાર માટે અત્યંત મહત્ત્વનું કાર્ય છે. નાગરિકો દ્વારા આપવામાં
આવતો ચોકસાઈપૂર્વકનો ડેટા ભવિષ્યમાં સરકારને લોકસુખાકારી અને જનકલ્યાણના નિર્ણયો લેવામાં
પાયાનું માધ્યમ બનશે. જેનો સીધો ફાયદો લોકોને જ થશે. વસ્તીગણતરી પ્રક્રિયામાં કોઈપણ
પ્રશ્ન હોય તો હેલ્પલાઈન ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકશે.