ભુજ, તા. 17 : ગુજરાત સરકારના રમતગમત, યુવા
અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત મ્યૂઝિયમ નિયામકની કચેરી, ક્રાંતિગુરુ શ્યામજી
કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ તેમજ કચ્છ મ્યૂઝિયમ, ભુજના સંયુક્ત
ઉપક્રમે કચ્છ મ્યૂઝિયમના એક્ઝિબિશન હોલ ખાતે ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ
`કલાવીથિ'નો પ્રારંભ થયો છે. ઉદ્ઘાટન સત્રમાં
એક્ઝિબિશન હોલ ખાતે કલાત્મક અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. મહાનુભાવો, શિક્ષણવિદો
અને કલાપ્રેમીઓ વચ્ચે કલા, સંસ્કૃતિ અને વારસાના સંવર્ધન અંગે ચર્ચા થઈ હતી. કલાકારોની કૃતિઓ તેમજ તેમની કલાયાત્રા
વિશે વિગતવાર સંવાદ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન
સમારોહમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. મોહનભાઈ
પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી
દેવાંશી ગઢવી સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સર્જનાત્મક ઉત્સવની વિધિવત શરૂઆત
કરાવવામાં આવી હતી. આયોજન કચ્છ મ્યૂઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રાસિંહ સુરેલા દ્વારા
કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલાસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના
વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગના પ્રો. સમીરભાઈ અને પ્રો. કાશ્મીરાબેન સહિત વિભાગના અન્ય પ્રાધ્યાપકો
અને કલાજગત સાથે જોડાયેલા અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. `3 ડેઝ ઓફ ક્રિએટિવિટી' થીમ
પર આધારિત આ ઉત્સવમાં આગામી બે દિવસ વિવિધ વિશેષ સત્રો યોજાશે. જે અંતર્ગત 18 મે, 2026ના `આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ' નિમિત્તે
વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. 19 મે, 2026ના લાઈવ
પ્રિન્ટમાકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન તથા સાંજે 5:00 કલાકે 'આર્ટ એન્ડ કલ્ચર'
વિષય પર એક વિશેષ ટૉક-શૉ યોજાશે. કલા પ્રદર્શન આગામી 19 મે સુધી દરરોજ સવારે 10 કલાકથી સાંજના 6.30 કલાક સુધી કલાપ્રેમીઓ, નાગરિકોની મુલાકાત માટે નિ:શુલ્ક ખુલ્લું રહેશે.