હેગ, તા.17 : વૈશ્વિક ભૂરાજનીતિમાં પરિવર્તનને કારણે, ભારત અને નેધરલેન્ડ્સે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ડચ સમકક્ષ રોબ જેટ્ટેન વચ્ચેની વાતચીત દરમિયાન સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત 17 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારોમાં ગુજરાતમાં ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ડચ કંપની એએસએમએલ અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એમઓયુ તેમજ 11મી સદીની ઐતિહાસિક ચૌલ તામ્રપટ્ટિકા ભારત લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે. શનિવારે સાંજે તેમની મુલાકાતમાં બંને વડાપ્રધાનોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ખાસ કરીને વૈશ્વિક ઊર્જા પુરવઠા અને વેપાર માળખામાં વિક્ષેપો સહિતનો સમાવેશ થાય છે. ચીનની ચિંતામાં જોરદાર વધારો થાય તેવા ઘટનાક્રમમાં ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. હવે ભારત અને નેધરલેન્ડ મળીને ભારતમાં ચિપ માકિંગના સપનાને નવી પાંખો આપશે. નેધરલેન્ડની સૌથી મોટી ચિપ માકિંગ કંપની એએસએમએલ અને તાતા કંપની વચ્ચે એક એમઓયુ થયા છે. એએસએમએલ દુનિયાની એકમાત્ર એવી કંપની છે જે એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જરૂરી લિથોગ્રાફી મશીનો બનાવે છે. આ મશીન વગર તાઇવાન કે અમેરિકા જેવા દેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી. ગુજરાતના ધોલેરામાં ચિપ નિર્માણના પ્લાન્ટમાં ડચ કંપની એએસએમએલ એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્સ પુરા પાડશે. સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયામાં લિથોગ્રાફી સૌથી જાટિલ અને ખર્ચાળ કામ ગણાય છે. અન્ય મહત્ત્વનો કરાર તામ્રપટ્ટિકાઓને લઈને થયો હતો. 11મી સદીની ચૌલ તામ્ર પટ્ટિકાઓ ટૂંક સમયમાં ભારત આવશે. આ 21 મોટી ને ત્રણ નાની તાંબાંની પ્લેટનો સંગ્રહ છે જેમાં મોટાભાગના લેખ તમિલ ભાષામાં લખવામાં આવ્યા છે.