• મંગળવાર, 19 મે, 2026

કચ્છનો સરેરાશ વરસાદ દાયકામાં 25 ટકા વધ્યો

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 17 : આ વર્ષ અલ નીનો સહિતનાં પરિબળનાં કારણે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની સંભાવના હવામાન વિભાગ અને સ્કાયમેટ એજન્સીએ વ્યકત કરી છે. જો કે, પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગામી ચોમાસું ભરપૂર રહેવાની શક્યતા દેખાડવામાં આવી છે ત્યારે  છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં સરેરાશ વરસાદનું ચિત્ર સતત સારી મેઘમહેરનાં કારણે ઉજળું બન્યું છે. વીતેલા દાયકામાં કચ્છનો સરેરાશ વરસાદ 25 ટકા જેટલો વધ્યો છે. 2019થી સતત છ વર્ષ કચ્છમાં  સરેરાશથી દોઢથી બે તો, ક્યારેક ત્રણગણો વરસાદ પડયો છે. જાણકારો જળવાયુ પરિવર્તનની સકારાત્મક અસર ગણાવી રહ્યા છે. - દુષ્કાળનાં વર્ષો ઘટયાં : કચ્છમાં સામાન્ય રીતે દર બેથી ત્રણ વર્ષે એકાદ વર્ષ નબળું એટલે કે દુષ્કાળનું આવી જતું હતું. 2015થી લઈ વીતેલા દાયકાના સમયગાળા પર એક નજર કરીએ તો એકમાત્ર 2018ના વર્ષમાં જિલ્લામાં અછતનું સંકટ સર્જાયું હતું. 2018ના દુષ્કાળના વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે સતત છ વર્ષ સરેરાશ કે તેથી વધુ વરસાદ કચ્છમાં વરસ્યો હોય. 2018 બાદ માત્ર 2021નું વર્ષ એવું હતું કે જ્યારે થોડો ઓછો વરસાદ પડયો હોય. - પાંચ તાલુકામાં વરસાદનું પ્રમાણ વધ્યું : 2015થી 2025ના સમયગાળા દરમ્યાન કચ્છના દસમાંથી પાંચ તાલુકા એવા છે કે જેમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ પાંચ તાલુકામાં અંજાર, ભુજ, મુંદરા, માંડવી અને રાપરનો સમાવેશ થાય છે. આંકડાઓ પર એક નજર કરીએ તો અંજારમાં સૌથી વધુ 144 મિ.મી. એટલે કે છ ઈંચ જેટલો વરસાદ  વધ્યો છે. એ જ રીતે માંડવીમાં 128 મિ.મી., મુંદરામાં 122 મિ.મી., ભુજમાં 113 મિ.મી. અને રાપરમાં 104 મિ.મી. વરસાદ વધ્યો છે. એટલે કે પાંચ તાલુકામાં ચારથી લઈ છ ઈંચ અને ટકાવારીમાં મૂલવણી કરીએ તો 25થી લઈ 36 ટકા  જેટલા વરસાદની વૃદ્ધિ જોવા મળી છે. કચ્છ જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ પણ આ દાયકામાં 96 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વધ્યો છે. - કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું : સામાન્ય રીતે  ચોમાસાના આગમન પૂર્વે પ્રિ મોન્સૂન એકિટવિટી સર્જાતી હોય છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ વરસવાના સમયમાં અનિયમિતતા જોવા મળવા સાથે કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે. નવરાત્રિ અને દિવાળી આસપાસ હોય કે પછી માર્ચ-એપ્રિલ મહિનો હોય ગમે ત્યારે વરસતા અણધાર્યા વરસાદના લીધે ખેતીવાડીને મોટું નુકસાન થયું છે. સારી મેઘમહેર છતાં ખેતીમાં નુકસાની તુલનાત્મક રીતે વધુ જોવા મળી છે. - 25થી 30 જૂન વચ્ચે ચોમાસાંની દસ્તકનાં એંધાણ : આ વર્ષે કચ્છમાં નેઋઍત્યનું ચોમાસું 25થી 30 જૂન વચ્ચે દસ્તક દે તેવાં એંધાણ હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાંનાં આગમનનો જે ચાર્ટ જારી કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસુ ગતિવિધિ વેગ પકડે તેવી સંભાવના દેખાડાઇ છે, તો કચ્છમાં ચોમાસાંનું સત્તાવાર આગમન 25થી 30 જૂન વચ્ચે થાય અને તે પછી વરસાદી ગતિવિધિ વેગ પકડે તેવી શક્યતા દેખાડવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી કચ્છમાં આ ગાળામાં જ ચોમાસાંનું મંડાણ થઇ રહ્યું છે.  

Panchang

dd