મુંદરા, તા. 1 : ભદ્રેશ્વરમાં અદાણી વિદ્યામંદિર
ખાતે વિદ્યાર્થીઓમાં સંગઠનાત્મક કૌશલ્ય, નેતૃત્વ, નૈતિકતા તથા
લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી કરાયેલી લોકશાહી મહાપર્વની જીવંત ઉજવણીમાં
39 છાત્રએ છ પદ માટે ઉમેદવારની નોંધણી કરાવી હતી તથા મતદારયાદીમાં
ધો. પાંચથી 10ના 308 છાત્રએ ભાગ લીધો હતો. સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિઝર (એસઓપી)
મુજબ યોજાયેલી ચૂંટણી વાસ્તવિક લોકશાહી પ્રથાઓનું પ્રતિબિંબ હતું, જેમાં હેડ બોય, હેડ ગર્લ
તથા ચાર ગૃહ-સત્ય, શૌર્ય, સંસ્કાર તથા સિદ્ધાંત
માટે છાત્રોની ઉમેદવાર તરીકે નોંધણી કરાઇ હતી. મત મેળવવા ઉમેદવારોએ શાળા સભાઓ કરી હતી.
ચાર મતદાન મથક પર ગુપ્ત મતદાન દ્વારા યોજાયેલી મતદાન પ્રક્રિયામાં 92.02 ટકા મતદાન કરાયું હતું. મતદાનપત્રોમાં
ઉમેદવારો તથા તેમનાં પ્રતીકોની યાદી હતી. શિક્ષકોએ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો
હતો તથા જાહેરમાં મત ગણતરી કરાઇ હતી. વિજેતા વિદ્યાર્થીઓએ શપથગ્રહણ કર્યા હતા. ચૂંટાયેલા
કાઉન્સિલ સભ્યોને બેજ અપાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ શિક્ષણ તથા
કન્યા કેળવણી પર ભાર મુકયો હતો. આચાર્ય ડો. આશુતોષ ઠાકરે ચૂંટણીનું મહત્ત્વ સમજાવ્યું
હતું. શપથ ગ્રહણ સમારંભમાં અદાણી ફાઉન્ડેશનનાં પંક્તિબેન શાહ, આસપાસના ગામના સરપંચ, તાલુકા સદસ્યો, જિલ્લા, ઉપસરપંચ,
પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ એવીએમબી
2012થી ભદ્રેશ્વર અને તેની આસપાસના
વંચિત સમુદાયોનાં બાળકોને વિનામૂલ્યે ધો. એકથી 10 સુધી શિક્ષણ પ્રદાન કરે છે.