ગાંધીધામ, તા. 1 : શહેરની ખાનગી હોસ્પિટલના ગેટ
પાસે કાર હટાવવાના મુદ્દે એક શખ્સે એમ્બ્યુલન્સના ચાલક ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનાર ધર્મેન્દ્ર કાનજી ચૌહાણ એમ્બ્યુલન્સ ચલાવે છે. ગત
તા. 30-7ના તેણે પોતાની એમ્બ્યુલન્સ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલના ગેટ પાસે
પાર્ક કરી હતી, ત્યારે બીજી વર્ધી મળી
હતી, પણ હોસ્પિટલના ગેટ આગળ કાર નંબર જી.જે. 39 સી.એ. 9259વાળી પડી હતી. જેના ચાલકને
ગાડી હટાવવાનું કહેતા કારમાંથી અજાણ્યો શખ્સ બહાર આવ્યો હતો અને ફરિયાદી ઉપર ચાકુ વડે
હુમલો કર્યો હતો. રાડારાડના પગલે લોકો એકઠા થયા હતા અને ફરિયાદીને છોડાવ્યો હતો. ઘવાયેલા
યુવાનને આ જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. બનાવ અંગે આ શખ્સ વિરુદ્ધ ગુનો
નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.