ભુજ, તા. 1 : ભારતમાં અંગદાન મહાદાન જનજાગૃતિ
અભિયાન ચાલે છે, પરંતુ હજી અંગદાનની સંખ્યા
ઓછી છે. તેમાં વધારો લાવવા માટે લોકજાગૃતિ ફેલાવવાની જરૂર છે. 3 ઓગસ્ટ-1994ના ભારતમાં પ્રથમ સફળ મૃતદાતા હૃદય પ્રત્યારોપણ કરાયું હતું, તેની યાદમાં દર વર્ષે 3 ઓગસ્ટે અંગદાન દિવસની ઉજવણી કરાય છે. આ
અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાય છે. આજે ભુજ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં
આ અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા સૂર વ્યક્ત કરાયો હતો. આગામી 3જી ઓગસ્ટે સ્મૃતિવન ખાતે અંગદાન દિવસ નિમિત્તે
જાગૃતિ કાર્યક્રમ તથા પત્રિકા વિતરણ કરાશે તેવું જણાવાયું હતું. વિશ્વ સ્તરે ભારત જીવનદાતા
ટ્રાન્સપ્લાન્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે તેમજ મૃતદાતા ટ્રાન્સપ્લાન્ટમાં 68મા ક્રમે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સરકારી
નિયમન અંતર્ગત હોસ્પિટલ દ્વારા સોટોને જાણ કરાતાં તે નોટો વિભાગમાં જાણકારી આપે છે
અને તેમના દ્વારા દાતાનું અંગ યોગ્ય રીતે કાર્યરત હોય તે અંગે તપાસ કર્યા બાદ જ દાન
સ્વીકારવામાં આવે છે. કિડનીની બે લાખની જરૂરિયાત સામે માત્ર 8000 લોકોને જ મળે છે, લીવર 80,000ની જરૂરિયાત સામે માત્ર 1800 લોકોને જ મળે છે, હૃદયની 10,000ની જરૂરિયાત સામે 200 લોકોને જ મળે છે, કોર્નિયા (આંખ) બે લાખની જરૂરિયાત સામે 50,000 લોકોથી પણ ઓછા લોકોને જ મળે
છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં અંદાજિત એક લાખ નોંધણીની જરૂરિયાત સામે ફક્ત 995 રજિસ્ટ્રેશન થયા હોવાનું જાણવા
મળ્યું છે. કચ્છમાં હાલ 500થી વધુને
ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે. અંગદાન જાગરુકતા અંગે ભગીરથ કાર્ય દ્વારા રાજ્યમાં અંગદાન
અભિયાન હેઠળ પોતાનું જીવન સમર્પિત કરનારા દિલીપભાઇ દેશમુખ (દાદા)એ જણાવ્યું હતું કે, તેઓ પોતે આનું જીવંત ઉદાહરણ છે અને અંગ ટ્રાન્સપ્લાન્ટ
બાદ પાંચ વર્ષથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમણે અંગ ટ્રાન્સપ્લાન્ટના વિકલ્પો સ્વીકારવા
પર ભાર મૂક્યો હતો અને સાથે સાથે સૌને પોતાના અંગોની રક્ષા કરવા જણાવ્યું હતું. સરકારે
ઓનલાઇન notto.abdm.gov.in સાઇટ પર કોઇ પણ વ્યક્તિ પોતાનું નામ અંગદાન માટે રજિસ્ટર કરાવી
શકે છે. આ અંગે માહિતી આપી હતી. તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું કે, હાલે કુલ પાંચ લાખ લોકો અંગદાતાની પ્રતિક્ષામાં
છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ સમયને અમૃતકાળ કહ્યો છે, ત્યારે આ અમૃતકાળના સમયમાં અંગો કે પૈસાનો અભાવ ન થાય તે માટે સૌને અંગદાન
કરવા પ્રેરિત કરવા જરૂરી બની ગયું છે. દર 10 મિનિટે એક કિડનીનો દર્દી વધી રહ્યો છે, ત્યારે તેમણે સગા-સંબંધી પરિવારને વિનંતી કરતાં
જણાવ્યું હતું કે, તેઓ આગળ આવે અને કિડની દાન કરે. સરકારી યોજના
હેઠળ સંપૂર્ણ પ્રક્રિયા નિ:શુલ્ક થઇ શકે તેની વ્યવસ્થા વિશે વિગતો આપી હતી. અંતે અંગદાન
દિવસ નિમિત્તે અંગો સુરક્ષિત રાખવા અને અંગદાન કરવા વિનંતી કરી હતી અને એક જાગૃત સમાજ
તરીકે જાગૃતિ ફેલાવવાના પ્રયાસમાં સર્વે પોતાની આહૂતિ આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં
સહયોગી થવા આહ્વાન આપ્યું હતું.