• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ઓવલ ટેસ્ટમાં બીજો દિવસ ટીમ ઈન્ડિયાનો

લંડન, તા. 1 : ઓવલ ટેસ્ટનો બીજો દિવસ પ્રવાસી ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. ભારત 224 રને ઓલઆઉટ થયા બાદ ચાર-ચાર વિકેટ ખેરવનાર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની બળૂકી બોલિંગ સામે ઈંગ્લેન્ડ 247 રન સુધી સીમિત રહ્યું હતું. શુક્રવારની રમતના અંત સુધી ભારતે બે વિકેટે 75 રન કરી લઈ ગૃહ ટીમ પર બાવન રનની સરસાઈ મેળવી લીધી હતી. યશસ્વી જયસ્વાલ 51 અને આકાશદીપ ચાર રને દાવમાં હતા. પહેલા દાવમાં ઈંગ્લેન્ડ વતી જેક ક્રાઉલીએ 14 ચોગ્ગા સાથે 64, હેરી બ્રૂકે પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે 53 રન કર્યા હતા. ઈંગ્લેન્ડના પ1.2 ઓવરમાં 9 વિકેટે 247 રન થયા હતા અને દાવ પૂરો જાહેર કર્યો હતો. કારણ કે, ક્રિસ વોક્સ ઇજાગ્રસ્ત હોવાથી ક્રિઝ પર આવવાની સ્થિતિમાં ન હતો. બીજા દિવસની રમતમાં કુલ 13 વિકેટ પડી ચૂકી છે. હેરી બ્રૂકે 64 દડામાં પ ચોગ્ગા, 1 છગ્ગાથી પ3 રન કરી ઈંગ્લેન્ડને 23 રનની સરસાઇ અપાવી હતી.  ટી ટાઇમ પહેલાંની આખરી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્ના ત્રાટક્યો હતો. તેણે આ ઓવરમાં જેમી સ્મિથ (8) અને જેમી ઓવર્ટન (0)ની વિકેટ લીધી હતી. આથી ઇંગ્લેન્ડના 7 વિકેટે 21પ રન થયા હતા અને ભારતની વાપસી થઇ હતી. લંચ અને ચાના સમય દરમિયાન ભારતીય બોલરોએ જબરદસ્ત કાઉન્ટર એટેક કરી 6 વિકેટ ખેરવી હતી. આથી બેઝબોલ બેટિંગ કરી રહેલ ઇંગ્લેન્ડ ટીમ દબાણમાં આવી ગઇ હતી.  લંચ સુધીમાં ઈંગ્લેન્ડે રન રફતાર સાથે 1 વિકેટે 109 રન કરી બેઝબોલ અંદાજમાં બેટિંગ કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડની રનરેટ પ્રતિ ઓવર 6.18 રની હતી. બેન ડકેટ 38 દડામાં પ ચોગ્ગા, 2 છગ્ગાથી 43 રને આકાશદીપનો શિકાર બન્યો હતો. લંચ વખતે ઇંગ્લેન્ડ દબદબા સાથે આગળ વધી રહ્યંy હતું. આ પછી ભારતીય બોલરો ત્રાટક્યા હતા અને ચાના સમય સુધીમાં 6 વિકેટ ખેરવીને ઇંગ્લેન્ડને ભીંસમાં લાવી દીધું હતું. આ પછી ગસ એટકિન્સન 11 રને આઉટ થયો હતો. સિરાજનો સ્પેલ ઘાતક રહ્યો હતો. તેણે કપ્તાન ઓલી પોપ (22), સ્ટાર જો રૂટ (29) અને જેકેબ બેથેલ (6)ના શિકાર કર્યા હતા, જ્યારે જેક ક્રાઉલી પ7 દડામાં 14 ચાગ્ગાથી 64 રને ક્રિષ્નાના દડામાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.  અગાઉ આજે રમતના બીજા દિવસે ભારતનો ધબડકો થયો હતો અને બાકીની 4 વિકેટ ફક્ત 34 દડાની અંદર 20 રનનો ઉમેરો કરીને પડી હતી. આથી ભારતીય ટીમ પહેલા દાવમાં 69.4 ઓવરમાં 224 રને ઓલઆઉટ થઇ હતી. ભારતે આજે સવારે 6 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. કરુણ નાયર લાંબા ઇંતઝાર પછી અર્ધસદી કરી પ7 રને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે 26 રન કર્યા હતા. સિરાજ અને પ્રસિદ્ધ ઝીરોમાં આઉટ થયા હતા અને આકાશ ઝીરો સાથે નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને 33 રનમાં પ વિકેટ લીધી હતી. જોશ ટંગને 3 વિકેટ મળી હતી.  

Panchang

dd