ભુજ, તા. 1 : રૂપિયા 1.10 લાખના દારૂ સાથે ગુરુવારે શિરાચાથી
ઝડપાયેલા ત્રગડીના આરોપી શક્તિસિંહ ભરતસિંહ જાડેજા સામે પોલીસની ખોટી ઓળખ ઊભી કરી યુવાનને
હનીટ્રેપમાં ફસાવી રૂા. બે લાખની ખંડણી માગવા બાબતે શુક્રવારે માંડવીમાં ફરિયાદ નોંધાતાં
બે દિવસમાં જુદા-જુદા ગુનામાં બે ફોજદારી થઈ છે.પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક
શાખાએ આ ગુનામાં સંડોવાયેલા શક્તિસિંહ ઉપરાંત તેના સાગરીત રિયાઝ ઉર્ફે હઠી સુમરાને
પકડી લીધા હતા. ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયને આપેલી વિગતો મુજબ, આરોપીની સાગરીત એવી મહિલા સાથે ફરિયાદીને માંડવીથી
ભુજ માર્ગ પર પેટ્રોલપંપની પાછળ આવેલા ખંડેરિયા મકાનમાં પકડી પાડયા બાદ શક્તિસિંહે
પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તથા દશ વર્ષની જેલમાં રહીશ તેવા ખોટા કેસમાં ફિટ કરાવી
દેવાની ધમકી આપી ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની ખંડણી મગાઈ હતી, જે પૈકી જુદા-જુદા સમયે કુલ રૂા. 65,000 પડાવી લેવાયા હતા. પોલીસે શક્તિસિંહ ઉપરાંત રિયાઝને પકડી પાડી
રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ કૃત્યમાં સંડોવાયેલા અન્ય આરોપી મુન્નાફ રફીક સુમરા તથા મહિલા આરોપીને
પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠીના
માર્ગદર્શનમાં પીએસઆઈ જે.બી. જાદવ, એએસઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા,
હેડ કોન્સ. મૂળરાજ ગઢવી, લીલાભાઈ દેસાઈ સહિતનો
સ્ટાફ જોડાયો હતો.