• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

`કોટાય સાથે આત્મીય નાતો છે, નવી પહેલ પણ અહીંથી જ'

રામ અંતાણી દ્વારા : ભુજ, તા. 1 : આમિર ખાન પ્રોડક્શનની સુપર ડુપર હિટ ફિલ્મ `િસતારે જમી પર'ના યુ-ટયુબ પ્રીમિયર માટે કોટાય ગામે આવેલા આમિર ખાને લગાન પછી ફરીવાર આ ગામથી એક ઐતિહાસિક પહેલ થઇ હોવાનું કહ્યું હતું. કોટાયની પ્રાથમિક શાળામાં મીડિયાને સંબોધતાં આમિરે કહ્યું હતું કે, આજે ઇન્ટરનેટનો જમાનો છે. યુપીઆઇ પેમેન્ટ પણ આસાન છે, ત્યારે એવી ઇચ્છા થઇ કે દેશમાં ઓછા થિયેટરોના કારણે ગામેગામ ફિલ્મ લોકો જૂએ. આ માટે ટીમ સાથે ચર્ચા થઇ અને ફિલ્મને ઓ.ટી.ટી. પ્લેટફોર્મના બદલે યુ-ટયુબ પર રિલીઝ કરવાનું નક્કી થયું. વાતને આગળ વધારતાં આમિરે કહ્યું કે, આ માટે કોઇ એક ગામને પસંદ કરવાની વાત આવી, ત્યારે મેં તરત જ કોટાયનું જ કહ્યું. કેમ કે, આ ગામ સાથે મારો દિલનો સંબંધ છે. ફિલ્મની કથા વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે, સત્યમેવ જયતે અને ઘણી ફિલ્મોમાં મેં સમાજને સંદેશ આપ્યો છે. મારી ફિલ્મમાં મનોરંજન સાથે સંદેશ આપવાની જ્યારે તક મળે છે, એ ઝડપી લઉં છું. તેણે ફિલ્મના 10 કલાકારની વાત કરતાં કહ્યું કે, આ બધા જ કલાકારો સાચા અર્થમાં માનસિક વિકલાંગ છે. ઘણા લોકોને એમ હતું કે, મને મુશ્કેલી પડશે, પણ આ બધા જ બાળકોએ ઉત્સાહથી કામ કર્યું એ જ એક અદ્ભુત અનુભવ છે. તેમણે ફિલ્મનો સંદેશ સ્પષ્ટ સમજાવતાં કહ્યું કે, દરેક વ્યક્તિમાં કોઇ ને કોઇ એબ હોય છે, પણ તેનો તિરસ્કાર કરવો ન જોઇએ. તેમણે દરેક ગામ આ ફિલ્મ જૂએ એવી ઇચ્છા હોવાનું ઉમેર્યું હતું. કચ્છ વિશે વાત કરતાં આમિરે કહ્યું કે, કચ્છ ઐતિહાસિક જગ્યા છે. કોટાય ગામ સાથે અને દાનાભાઇ સાથે આત્મીય સંબંધ છે. એટલે એક ઐતિહાસિક કામ કચ્છમાંથી કરું છું અને એનો સંદેશો વિશ્વને મળશે. આથી પહેલાં શાળાના પરિસરમાં આવી પહોંચેલા આમિરનું ગામલોકોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. બધાને રામ રામ કહીને 25 વર્ષે અહીં આવ્યાનું કહી, બેઠેલી બહેનોને કહ્યું હતું કે, લગાનના એક ગીતમાં તમે પણ ડાન્સ કર્યો છે. ગામના લોકોને નામજોગ બોલાવી આમિર ભેટી પડયો હતો અને પછી એલઇડી ક્રીનની સામે ગામલોકો વચ્ચે જમીન પર બેસી ફિલ્મ નિહાળી હતી. તેની આ સરળતા ઉપસ્થિત લોકોને સ્પર્શી ગઇ હતી. સિતારે જમી પરના યુ-ટયુબ પ્રીમિયર વખતે માજી સરપંચ વાલાભાઈ ચાડ, ભગુભાઈ ચાડ વિગેરે હાજર રહ્યા હતા.  વ્યવસ્થા અને આયોજન વિમલ ભગુ શેઠપ્રવીણભાઈ આહીર, જયવીર ચાડ, ઝીંકડી જૂથ પંચાયતના સરપંચ વાલાભાઈ બત્તા, કાનજીભાઈ કેરાસિયા, હમીરભાઈ ચાવડા, કરમણભાઈ સંજોટ સહિતના આગેવાનોએ સંભાળી હતી. પંકજ ઝાલા આમિર સાથે લગાન વખતે નાતો જાળવી રાખતાં મદદરૂપ બન્યા હતા. 

Panchang

dd