• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

જર્જરિત બનતી જતી ચોપડવા પુલની દીવાલ

ભચાઉ, તા. 1 : કચ્છના બે મહત્ત્વના કંડલા અને મુંદરા બંદરનો ટ્રાફિક દિવસ રાત ધમધમી  રહ્યો છે. સરળ પરિવહન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા સામખિયાળીથી ગાંધીધામ સુધીના માર્ગને છ માર્ગીય બનાવ્યા  છે તે  પૈકી  ભચાઉ તાલુકાના ચોપડવા પાસેનો ઓવરબ્રીજ જર્જરિત બનતો હોવાની પરિસ્થિતિ સામે આવી છે. ત્રણેક દાયકા પૂર્વે બનેલા ફોર લેન માર્ગને છ માર્ગીયમાં પરિવર્તિત કરાયો. આ માર્ગની ઉત્તમ માર્ગ તરીકે ઓળખ અપાતી હતી અને ભૂકંપ બાદ પણ અડીખમ આ માર્ગ ઓળખાયો હતો, પરંતુ હજારો ભારેખમ વાહનો થકી આ પુલ હવે સુધારા માંગે છે.  બહાર આવેલા હેવાલો મુજબ કેટલોક ભાગ બહાર જર્જરિત થતો દેખાઈ રહ્યો છે. કચ્છના સૌથી મહત્ત્વના સામખિયાળી ગાંધીધામ છ માર્ગીય કોરિડોર હાઇવે ઉપરના ઓવરબ્રિજમાં ક્ષતિ સર્જાઈ હોવાનું સામે છે. ભચાઉ નજીકમાં ચોપડવા ઓવરબ્રિજમાં આ ગંભીર સમસ્યા ઉદભવી છે. જો કે, હાલ તેની અસર અહીંથી પસાર થતા વાહન વ્યવહાર ઉપર જણાતી નથી, પરંતુ સમયસર સમારકામ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોટી દુર્ઘટના થવાની ભીતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. ઓવરબ્રિજની સાઈડ વોલની ટાઇલ્સ ઉખડી ગઇ છે અને તેની અંદર રહેલા લોખંડના સળિયા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી તાકીદની કામગીરી હાથ ધરે તે અનિવાર્ય છે. આ અંગે સ્થાનિકેથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસથી ચોપડવા ગામ તરફના ભચાઉ તરફ જતા ટ્રેકની સાઈડ વોલમાંથી પોપડાં ખરી રહ્યાં છે. વોલ વચ્ચેના જોઇન્ટમાં પણ પોલાણ  હોવાનું  જાણકારો જણાવી રહ્યા છે.  જો આજ સ્થિતિ યથાવત્ રહી, તો ધીરે ધીરે દીવાલ અંદરની ખનિજ સામગ્રી ખરતી જશે અને પુલની  મજબૂતી નબળી પડી જવાની સંભાવના જાણકારો વ્યકત કરી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે, કંડલા અને મુંદરા પોર્ટ સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગે આસપાસના તમામ ઉદ્યોગો તેમજ ખાનગી વાહન વ્યવહાર દિવસ રાત પસાર થતો રહે છે. એવા ઓવરબ્રિજ પરની ક્ષતિ બાબતે જરા પણ બેદરકારી રાખી શકાય એમ નથી. આગામી બેથી ત્રણ વર્ષમાં વાહનોની અવરજવરની ક્ષમતા અનેક ઘણી વધી જશે. તે બાબતને ધ્યાનમાં રાખીને કામગીરી કરાય તે જરૂરી   હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. 

Panchang

dd