• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ક્યાંય સરકારી મકાન જોખમી હોય તો નહીં ચલાવાય

ભુજ, તા. 1 : ગુજરાતમાં ગંભીરા પુલની દુર્ઘટના અને રાજસ્થાનમાં શાળા ધરાશાયી થવાની ઘટનાને પગલે રાજ્ય સરકારે સરકારી ઇમારતોમાં ક્યાંય અધૂરાશ નહીં ચલાવાય તેવી સૂચના આપતાં કચ્છની સ્થિતિનો ક્યાસ કાઢવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આજે તમામ સરકારી વિભાગની બેઠક બોલાવી હતી. કલેક્ટરે સૌથી પહેલાં રાજ્ય અને પંચાયત માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પાસેથી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગના પુલ ક્યાં ક્ષતિગ્રસ્ત અથવા જોખમી છે તેની વિગતો માગી હતી. ત્રણેય માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી કે, કચ્છમાં 12 પુલ એવા છે, જે જોખમ સર્જી શકે છે, તેથી બંધ કરવામાં આવ્યા છે. આ 12માંથી આઠ પુલ પરથી અતિભારે વાહનોની આવ-જા બંધ કરવામાં આવી છે, જ્યારે એક ઉપરથી 60 ટનથી વધુવાળા વાહનો, બે તમામ વાહનો માટે, જ્યારે એક પુલ પર સંપૂર્ણ પ્રવેશબંધી કરવામાં આવી છે. કેમ કે, 12 પુલ અત્યંત જર્જરિત હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેમ હોવાનો હેવાલ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં કલેક્ટર દ્વારા બાકીના સરકારી વિભાગો, માધ્યમિક શિક્ષણ હસ્તકની શાળાઓ, પ્રાથમિક શાળાઓ, આંગણવાડી, આઇ.સી.ડી.એસ.ના મકાન, જિલ્લા પંચાયત હસ્તક કચ્છની કચેરીઓ વગેરે અંગે ડી.ડી.ઓ. પાસેથી મોજણી કરીને હેવાલ માગવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ વિભાગની કોલેજોની ઇમારતો, એન્જિનીયરિંગ, આઇ.ટી.આઇ., આરોગ્ય તથા પોલીસ વિભાગ હસ્તકના દવાખાના વગેરે બેસવાલાયક છે કે નહીં ? તાત્કાલિક ઇજનેરોના અભિપ્રાય મેળવી હેવાલ સુપરત કરવા કલેક્ટરે તાકીદ કરી હતી. કોઇ પણ ઇમારત જોખમી હોય, જર્જરિત હોય કે તેમાં બેસવાલાયક જણાતું ન હોય ત્યાં બેસવું નહીં અને કોઇ પણ ભોગે જોખમ નહીં લેવા જણાવીને યોગ્ય ઓથોરિટી સાથે ચર્ચા કરવા પણ જણાવવામાં આવ્યું હતું. ક્યાંય કોઇ સરકારી કચેરીમાં જો શંકા જણાતી હોય તો ચાલશે એમ સમજીને ચલાવવું નહીં, યોગ્ય સત્તાધારીને જાણ કરવી અને ઇજનેરોની સલાહ મળે પછી જ તેમાં બેસવાનું રાખવા તમામ અધિકારીઓએ સહમતી દર્શાવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ, અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Panchang

dd