• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

કચ્છમાં ધાબડિયા માહોલ વચ્ચે કેટલાંક સ્થળે ઝરમર વરસાદ

ભુજ, તા. 1 : કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળતા મેઘવિરામના માહોલ વચ્ચે વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. સતત જોવા મળતા ધાબડિયા માહોલ વચ્ચે જિલ્લામાં કેટલાંક સ્થળે ઝરમર વરસાદ વરસતાં રસ્તા ભીંજાયા હતા. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન મધ્યમ-ભારે વરસાદની સંભાવનાને નકારી કેટલાંક સ્થળે છૂટાછવાયા ઝાપટાંની શક્યતા દેખાડી છે. આજે સવારે સાડા છ અને તે પછી નવ વાગ્યાના અરસામાં જિલ્લામથક ભુજ અને તેની આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ પડતાં રસ્તા ભીંજાયા હતા. ભુજ ઉપરાંત જિલ્લામાં અન્ય કેટલાંક સ્થળે આવો જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં સરેરાશ 31થી 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં ગરમી-ઉકળાટ પ્રમાણમાં ઓછા અનુભવાયા હતા. પવનની ઝડપ આંશિક હતી જે 10થી 12 કિ.મી.ની વચ્ચે નોંધાઇ હતી. બપોર બાદ જિલ્લાના મોટાભાગના સ્થળે  ધૂપ-છાંવનો માહોલ જોવા મળ્યો હતો. સાત દિવસના હવામાન વિભાગના વર્તારામાં જિલ્લામાં સાર્વત્રિક નહીં પણ કેટલાંક સ્થળે જ હળવાં-ભારે વરસાદી ઝાપટાં વરસવાની આગાહી કરાઇ છે. આગામી સપ્તાહ દરમ્યાન કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ભારે વરસાદ વરસવાની સંભાવના ખૂબ ઓછી વર્તાઇ રહી છે. 

Panchang

dd