ભુજ, તા. 26 : ખાણી-પીણી અને રહેણી-કરણીની
બેપરવાહ જીવનશૈલીને લીધે ફેટી લીવરની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. સામાન્ય લાગતા
આ રોગને હળવાશથી લેવાને કારણે શરીરના ઝેરને નિર્મૂલન કરતું લિવર અનિયંત્રિત થઈ જાય
છે. અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. કશ્યપ બુચ અને
ડો.યેશા ચૌહાણે કહ્યું કે, લિવર શરીરનું
કન્ટ્રોલ પાવર છે. મોટા ભાગના શરીરનાં અંગો
ઉપર તેનું નિયંત્રણ હોય છે, તેવામાં લિવર બગડે તો આખા શરીરને
અસર થાય છે. આ રોગને હિપેટાઇટિસ યાને લોકબોલીમાં કમળો કહેવામાં આવે છે. હિપેટાઇટિસના `એથી ઈ'
સુધીના પાંચ પ્રકાર છે. હિપેટાઇટિસ `એ' અને `બી' માટે રસી ઉપલબ્ધ છે. જે જન્મ સમયે અપાય છે.
જો નાનપણમાં ન મુકાવી હોય, તો 25 -30 વર્ષે મુકાવી શકાય છે. હિપેટાઇટિસ
ડે નિમિત્તે વિશ્વ આરોગ્ય સંગઠને આ વર્ષે થીમ આપી તેની કમર તોડી નાખવા દુનિયાને આહવાન કર્યું છે અને 2030 સુધી તેની નાબૂદી માટે સંકલ્પબદ્ધ
બનવા હાકલ પણ કરી છે. આ રોગ માટે જાગૃતિ આવશ્યક છે,
તેથી લક્ષણો જાણવા પણ એટલા જ આવશ્યક છે, જેમાં
ભૂખ ન લાગવી, પેટમાં દર્દ થાય, ઝાડા થાય,
ત્વચા અને આંખમાં પીળાશ આવે. ક્યારેક તો લક્ષણો પણ નથી દેખાતાં. જો આ
રોગથી બચવું હોય, તો જીવનશૈલી બદલવી જરૂરી છે. સ્વસ્થ આહાર લેવો,
તાજા ફળ, લીલા શાકભાજી, પ્રોટિનને
ભોજનમાં સામેલ કરવામાં આવે, તો રાહત થાય તેમ છે.