સુરત, તા. 24 : વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં
માત્ર ભારતીય કલા અને સંસ્કૃતિ એ પરમાત્મા સાથેનું સીધું અનુસંધાન છે અને એટલે જ કલાસાધકોનું
સન્માન એ જ સંસ્કૃતિનું સાચું જતન અને પરમાત્માની ભક્તિ સમાન છે. સુરતની ભારતીય કલા-સંસ્કૃતિ
અને વિવિધાના સંરક્ષણ, સંસ્કરણ અને
સંવર્ધન માટે કાર્યરત કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા
પ્રતિષ્ઠાન, છારોડી ખાતે યોજાયેલા એક બહુઆયામી વિશિષ્ટ કાર્યક્રમમાં
જાણીતા સ્વામી માધવપ્રિયદાસજીએ પોતાનાં આશીર્વચન આપતાં આ મુજબના ઉદ્ગારો વ્યક્ત કરી
કલાતીર્થની પ્રવૃત્તિઓને આવકારી હતી. આ વિશિષ્ટ અને વિવિધલક્ષી કાર્યક્રમમાં કલા ને
સંસ્કૃતિ માટે સર્વગામી માતબર પ્રદાન કરનારા સંશોધકો અને કલાકર્મીઓનું સંસ્કૃતિ સંવર્ધક
સન્માન-2025થી તથા કલા-સંસ્કૃતિ સંશોધન
પ્રકલ્પ હેઠળ કલાતીર્થ દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય સંશોધન લેખ સ્પર્ધાના વિજેતાઓને
`કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન-2025'થી સન્માનિત કરવામાં આવ્યા
હતા. આ અવસરે સમારોહના અધ્યક્ષ પદેથી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના
ટ્રસ્ટી પ્રવીણચંદ્ર લહેરીએ કલાતીર્થ અને તેના અધ્યક્ષ રમણિકભાઈ ઝાપડિયાની પ્રવૃત્તિઓને
આવકાર આપતાં પોતે બે વર્ષ અગાઉ ભુજથી આરંભાયેલા આ સન્માન સમારોહના સાક્ષી હોવાનું જણાવી
આ પ્રવૃત્તિમાં સામેલ સૌને ધન્યવાદ આપ્યા હતા. આ અવસરે સમારોહનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના
પૂર્વ માહિતી નિયામક વસંતભાઈ ગઢવી તથા ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર, કટારલેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હાથે કરવામાં
આવ્યું હતું. આ સમારંભમાં જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ (લીલાધર પાસુ ફોરવર્ડર્સ,
મુંબઈ) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશભાઈ જ્હાના હાથે
જાણીતા સાહિત્યકાર અને પ્રા. નિસર્ગ આહીર દ્વારા સંપાદિત અને કલાતીર્થ દ્વારા પ્રકાશિત
કરવામાં આવેલા `કલા અન્વેષણા' તથા `અક્ષરયાત્રા ધન્ય ધરોહર' ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને સંસ્કૃતિ
પ્રેમી રાજપુરુષ બાબુભાઈ મેઘજી શાહ પણ આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલાતીર્થના અધ્યક્ષ
રમણિકભાઈ ઝાપડિયાએ આરંભાયેલા સમગ્ર આયોજનની વિગતો આપતાં સહયોગી બનનારા સૌ પ્રત્યે આભારની
લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે કુમારપાળભાઈ દેસાઈ, વસંતભાઈ ગઢવી,
દેવેન્દ્રભાઈ શાહ વગરેએ પ્રાસંગિક પ્રવચન કરી કલાતીર્થની પ્રવૃત્તિને
આવકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ આણદાણીએ કર્યુ હતું, જ્યારે સમગ્ર આયોજન અને કાર્યક્રમનું સંકલન સંયોજક પ્રા. નિસર્ગ આહીર,
સહસંયોજક નરેશ અંતાણી, સંજય ઠાકર વગેરેએ સંભાળ્યું
હતું.